Comments

શું કોલેજીયમ સીસ્ટમ સર્વોપરી છે?

કોલેજીયમ પધ્ધતિથી હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોની થતી નિમણૂક અને બદલીઓ વિવાદનો વિષય બની ચૂકી છે. ન્યાયાધીશોની નિમણૂક ન્યાયાધીશો જ કરે એવી કોઇ પધ્ધતિ વિશ્વના કોઇ બંધારણમાં નથી. ડો. બી.આર. આંબેડકરે પણ બંધારણ સભામાં હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ (આર્ટિકલ 7૪ની સત્તા મુજબ) અને ભારતના મુખ્ય ન્યાયાધીશ વચ્ચે “મસલત”કરીને કરવા માટે સભ્યોને સંમત કર્યા હતા. હાલના બંધારણના આર્ટિકલ ૧૨૪ મુજબ તેમાં “મસલત”શબ્દનો જ ઉલ્લેખ કર્યો છે અને તે વ્યવસ્થા ૧૯૯૦ સુધી ચાલી આવેલ છે.

ભારતની હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં શ્રેષ્ઠતમ સ્વતંત્ર ન્યાયાધીશો જેવા કે જસ્ટીસ ભગવતી, ડી.એ. દેસાઇ, કિષ્ના ઐયર, સુબ્બારાવ, હિદાયતુલ્લા, વિવયન બોઝ, ચંદ્રચુડ (હાલના ચીફ જસ્ટીસના પિતાશ્રી) વગેરે ખ્યાતનામ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવેલ છે અને ડો. ઉપેન્દ્ર બક્ષી જેવા કાયદાવિદે ત્યાં સુધી કહ્યું છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશે જે ભલામણો આજ સુધી કરી તેમાં ચારને બાદ કરતાં તમામ સ્વીકારીને તે પ્રમાણે જ નિમણૂકો થઇ.ભારતીય સુપ્રિમ કોર્ટની ૫૦ વર્ષની ન્યાયિક કાર્યવાહીની સમીક્ષા ઓસ્ટ્રેલિયાના પ્રખર બંધારણીયવિદ્ ગ્રેનવિલ ઓસ્ટીને કરી અને તેમણે નોંધ્યું કે માત્ર ઇમરજન્સી સમયના એક કેસ સિવાય ભારતીય સુપ્રિમ કોર્ટ ન્યાય આપવામાં નિષ્પક્ષ અને સ્વતંત્ર રહી છે.

પરંતુ આ પધ્ધતિ સામે સવાલ ૧૯૮૨ માં ઊભો કરવામાં આવ્યો. જયારે સુપ્રિમ કોર્ટમાં ફર્સ્ટ જજીસ કેસ નામે ઓળખાતા એસ.પી ગુપ્તાના કેસમાં એ પ્રશ્ન ઊભો કરવામાં આવશે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે કરવામાં આવતી મસલત નામની છે? અને એનો અભિપ્રાય રાષ્ટ્રપતિના અભિપ્રાયથી જુદો હોય તો પણ તેને જ માન્ય રાખવો જોઇએ કે કેમ? આ કેસમાં ન્યાયાધીશોએ જાહેર કર્યું કે ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ જ કરી શકે. મુખ્ય ન્યાયાધીશ સાથે કરવામાં આવતી મસલત નામની નથી પરંતુ તેમના અભિપ્રાયોને પ્રાઇમરી ઓફ ઓપીનિયન ગણીને રાષ્ટ્રપતિએ સ્વીકરવો જ જોઇએ એવી કોઇ બંધારણીય જોગવાઇ નથી. વિશ્વના કોઇ બંધારણમાં એવી જોગવાઇ નથી.

ન્યાયાધીશો પણ માનવ છે અને તેથી તેઓને પણ એમનો પોતાનો એક “બાયસ ઓપીનિયન”કે પ્રીજયુડાયસ હોઇ શકે અને તેથી રાષ્ટ્રપતિ અને તેમની વચ્ચેની મસલતના નિર્ણય રૂપે શ્રેષ્ઠતમ વ્યકિતની નિમણૂક થવી જોઇએ. સરકાર પણ આખરી સત્તાધિકારી નથી કે મુખ્ય ન્યાયાધીશ પણ નથી. બન્ને બંધારણીય ઉચ્ચ હોદો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે મસલત કરીને જ શ્રેષ્ઠતમ વ્યક્તિ નીમી શકાય. પરંતુ આ જજમેન્ટ ન્યાયાધીશો અને કેટલાક વકીલોને માફક ન આવ્યું. પરિણામે નવ જજીસની બેંચ સમક્ષ ફરીથી નિમણૂકની આ પ્રક્રિયાને ચેલેંજ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઓન રેકોર્ડના (૧૯૯૪) આ કેસમાં ૭:૨ જજે  એવું અર્થઘટન કર્યું કે મુખ્ય ન્યાયાધીશની ભલામણોને માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે અને તેથી તેવો વ્યકત કરેલો અભિપ્રાય “આખરી” છે.

આ જજમેન્ટ સરકારને યોગ્ય ન લાગતાં ભારતમાં રાષ્ટ્રપતિએ ૧૯૯૮માં રેફરન્સ કરી સુપ્રિમ કોર્ટની આ બાબતે સલાહ માંગી, જેમાં બહુમતી ન્યાયાધીશોએ ઠરાવ્યું કે ભારતમાં રાષ્ટ્રપતિને ભારતના મુખ્ય ન્યાયાધીશો આપેલી ભલામણ માનવી પડશે પરંતુ એ ભલામણ કરતી વખતે મુખ્ય ન્યાયાધીશો પોતે જાતે જ નહિ પરંતુ સુપ્રિમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયાધીશો સાથે તથા સંબંધિત રાજયનાં અન્ય જજ સાથે ચર્ચા કર્યા બાદ જ ભલામણ કરશે અને આ ભલામણ રાષ્ટ્રપતિ કોઇ કારણસર ફેરવિચારણા માટે પાછી મોકલી શકશે.

પરંતુ ત્યાર બાદ કોલેજીયમ એ ભલામણને તેની તે જ અથવા બદલાવ સાથે પાછી મોકલે તો તે રાષ્ટ્રપતિએ માનવી જ પડશે એવું ઠરાવ્યું. આમ ‘‘કોલેજીયમ સીસ્ટમ”અમલમાં આવી. તે પ્રમાણે હાલમાં ચાલુ છે. હાલ કોલેજીયમની ભલામણ પ્રમાણે ન્યાયાધીશોની નિમણૂક થાય છે અને સરકારની ભૂમિકા ‘પોસ્ટ ઓફિસ’જેવી છે. પરંતુ આ સમય દરમ્યાન અને કાયદાવિદોએ તથા લો કમિશને ન્યાયાધીશોની નિમણૂક માટે કોઇ બંધારણીય કમિશન હોવું જોઇએ અને સમગ્ર પ્રક્રિયા  પારદર્શક હોવી જોઇએ એવી રજૂઆતો કરી.

પરિણામે હાલની સરકારે NJAC ની રચના કરી અને બંધારણીય પ્રકિયા દ્વારા આ કમિશનમાં ચીફ જસ્ટીસ, નેશનલ જયૂડિશિયલ કમિશન, બે વરિષ્ઠ જજો, કાયદામંત્રી તથા બે વરિષ્ઠ તજજ્ઞો હોવા જોઇએ એવી ભલામણ કરી. આથી દરેક વર્ગને આમાં પ્રતિનિધિત્વની ભલામણો થઇ. આ બંધારણીય સુધારો સંસદમાં માત્ર જરૂરિયાત ૨/૩ બહુમતી નહિ પરંતુ લોકસભામાં “સર્વાનુમતે”પસાર થયો. રાજયસભામાં પણ એક જ સભ્યના વિરુધ્ધ બાકીના તમામ પક્ષોએ તેની તરફેણમાં મતદાન કર્યું અને પસાર કર્યો. આ સુધારામાં હાલની કોલેજીયમ પ્રથાને બંધ કરી કમિશન જેમાં સર્વ વર્ગનું (ST/SC) પ્રતિનિધિત્વ હોય તેની ભલામણ મુજબની નિમણૂકો રાષ્ટ્રપતિએ કરવી એવી વ્યવસ્થા કરી. આ એક વિશિષ્ટ પ્રકારની પધ્ધતિ હતી અને તે ખૂબ જ સરસ હતી.

કમનસીબે આ વ્યવસ્થાએ સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી અને જોવા જેવું આ છે કે ભારતની સુપ્રિમ કોર્ટના પાંચ જજોએ લોકસભા તથા રાજયસભામાં સર્વાનુમતે પસાર કરેલ બંધારણીય સુધારાને ૪ વિ.૧ મતથી ફગાવી દીધો અને આ કમિશનને લગતો સુધારો 2015માં રદ કરી દીધો.’ન્યાયતંત્રની સ્વતંત્રતા એ બંધારણનું મૂળભૂત માળખું અને આ કમિશનની પ્રક્રિયામાં આ સિધ્ધાંત જળવાતો નથી એવું કારણ આપ્યું. સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો એ ચુંટાયેલા પ્રતિનિધિઓ નથી અને પાર્લામેન્ટ – Expresses will of the nation હોવા છતાં પાંચ જજોએ સુપ્રિમ કોર્ટની સર્વોપરિતા સ્થાપી દીધી. આજે સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો જ આજે આ કમિશનની ભલામણ કરી રહ્યા છે, જજોની નિમણૂક બાબતમાં સરકારનો વાંક કાઢે છે, ત્યારે ન્યાયાધીશો એ ભૂલી ગયા કે સરકારની ભૂમિકા તો હાલમાં પોસ્ટમેન જેવી છે.

જો સરકાર ન સંમત થાય કોલેજીયમની ભલામણ સામે તો ફેરવિચારણા કરવાનું કરી શકે પરંતુ પોતાના નામ કે અન્ય નામ ઉમેરી શકતી નથી પરિણામે સુપ્રિમ કોર્ટમાં ત્રણ અને હાઇકાર્ટમાં ૭૦૦ જેટલી નિમણૂકો કાં તો કોલેજીયમ પાસે અથવા કેટલીક સરકારની વિચારણા હેઠળ ખાલી છે.  એક બાજુ ૪૦ લાખ જેટલા કેસો હાઇકોર્ટ અને ૨ કરોડ જેટલા કેસો આખા દેશમાં પેન્ડિંગ છે અને ખૂબ જ વિલંબિત ન્યાય આપતી પ્રથા હોવા છતાં તેમાં કોઇ નોંધપાત્ર સુધારો થતો નથી. આશા રાખીએ નજીકના ભવિષ્યમાં કોઇ એવી વ્યવસ્થા ઊભી થાય કે જેથી લોકોનો ન્યાયતંત્રમાં ઘટતો વિશ્વાસ ટકાવી રાખી શકાય.
ડો. વિક્રમ દેસાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top