Madhya Gujarat

ડાકોરના ઠાકોરજી મંદિર દ્વારા રથયાત્રાના આયોજન માટે મંજૂરી મંગાઇ

નડિયાદ : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીની રથયાત્રાને લઇ ભાવિક ભક્તોમાં ભારે ઉત્સુકતા છે. દર વરસે પુષ્યનક્ષત્ર પ્રમાણે ભગવાન રણછોડરાયજી નગરચર્યા કરે છે. આ વરસે 11મી જુલાઇએ પુષ્યનક્ષત્ર હોવાથી ડાકોર મંદિર દ્વારા કોવિડ ગાઇડ લાઇન વચ્ચે રથયાત્રાનું આયોજન કરવા કલેક્ટર સમક્ષ માગણી કરવામાં આવી છે. જોકે,આ બાબતે હજુ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી.

ડાકોર ટેમ્પલ કમીટીએ રજુઆતમાં જણાવ્યું હતું કે, ડાકોરમાં આ વરસે 11મી જુલાઇ, 2021ના રોજ રથયાત્રાનો ઉત્સવ છે. વરસોથી ચાલી આવતી પરંપરા અને પ્રણાલી મુજબ રથયાત્રાના દિવસે ગોપાલલાલજી મહારાજ રથ અને હાથી પર બિરાજમાન થઇ શોભાયાત્રા નીકળે છે. સૌ પ્રથમ ગોપાલલાલજી મહારાજ રથ ઉપર અધિવાસન કર્યા બાદ મંદિરના ઘુમ્મટ પરિસરમાં તેમજ મંદિર પરિસરમાં રથ ફેરવવામાં આવે છે. બાદમાં રથમાં ગોપાલલાલજી મહારાજ મંદિર બહાર રથમાં સવાર થઇ રથયાત્રાની શોભાયાત્રા નીકળે છે. આ રથયાત્રાની શોભાયાત્રામાં ભજન મંડળીઓ, વૈષ્ણવો હજારોની સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે. સવારીના માર્ગ પર પણ વૈષ્ણવો સવારીમાં સાથે આવતાં હોય છે.  જેથી રથયાત્રાની સવારી કાઢવા માટે પરવાનગી આપવા વિનંતી કરાઇ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે કોરોનાને કારણે મંદિર મેનેજમેન્ટ દ્વારા સરકારી તંત્ર પાસે રથયાત્રાની મંજૂરી માંગવામાં આવી હતી. જોકે, કોરોનાકાળ તેની ચરમસીમાએ હોય સરકારી તંત્રએ નન્નો ભણ્યો હતો.

શોભાયાત્રાનો સમય શું રહેશે ?રથયાત્રા અંગે મંદિરના સુત્રોએ જણાવ્યું હતું કે, મંજુરી મળશે તો પરંપરા મુજબ મંદિરમાં ગોપાલલાલજી મહારાજ સવારના 9 વાગ્યાના અરસામાં રથમાં અધિવાસન કરશે અને ઘુમ્મટમાં પાંચ પરિક્રમા કરશે. બાદમાં મંદિર પરિસરમાં પાંચથી સાત પરિક્રમા કરશે અને મંદિર બહાર શોભાયાત્રા નીકળશે. મંદિર પર રાત્રિના 8-30 કલાકના અરસામાં આવશે.

શોભાયાત્રાનો રૂટ કયો હશે ?શોભાયાત્રાના રૂટમાં ગૌશાળા, લાલબાગ, બેઠક, મહાપ્રભુજીની બેઠક, નરસિંહ ટેકરી, રાધાકુંડ સુધી ભગવાન રથમાં બિરાજમાન હોય છે. રાધાકુંડથી હાથી ઉપર ભગવાન સવારી માટે બિરાજમાન થાય છે. જે બંગલો, મોખા તળાવડી સુધી હાથી ઉપર સવારી હોય છે. મોખા તળાવડીથી ફરી રથ ઉપર બિરાજમાન થઇ વાડાફાર્મ, રણછોડપુરા, સમાધી, કેવડેશ્વર મહાદેવ સુધી રથમાં બિરાજેલા હોય છે. કેવડેશ્વર મહાદેવથી ફરી હાથી પર સવારી નીકળી લક્ષ્મીજી મંદિર – સત્યભામા થઇ રાત્રિના મંદિરમાં પરત ફરશે.

Most Popular

To Top