Surat Main

રોજગારી માટે જૂઠનો સહારો, પાલિકામાં નોકરી લેવા યુવાને કર્યું આવું કામ

surat : બેરોજગારીનું વધતું પ્રમાણ હવે નોકરી મેળવવા માટે શિક્ષિત લોકોને ખોટું કરવા પ્રેરી રહ્યું છે. સુરત મહાનગર પાલિકામાં સફાઈ કામદાર, બેલદારની નોકરી માટે ધોરણ 4 થી 9 સુધીની લાયકાતની જોગવાઈ હોવા છતાં પાંચ વધારે શિક્ષિતોએ ઓછી લાયકાત બતાવી મનપામાં નોકરી મેળવી લીધી હતી. સર્ટિફિકેટના વેરિફિકેશનમાં આ ભાંડો ફુટતા લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓ પૈકી એક બે તો ગ્રેજ્યુએટ હતા.

સુરત મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ લો ઓફિસર અને ઇન્ચાર્જ પીઓ રવિ નયનકુમાર શાહ (ઉ.વ.૩૫, રહે-૩૨,ગૌરી પાર્ક રો હાઉસ, ભુમિ કોમ્પલેક્ષની બાજુમાં, અડાજણ) એ સુરત મહાનગર પાલિકાના જ 5 કર્મચારીઓની સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સુરત મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2017 -18 માં સફાઈ કામદાર, સફાઇ કામદાર (ડ્રેનેજ), બેલદાર તથા બેલદાર(વિ.બી.ડી.સી.) ની જાહેરાત આપવામાં આવી હતી. જાહેરાતમાં અરજદારે ઓછામાં ઓછું ધોરણ-4 પાસ અને વધુમાં વધુ ધોરણ 9 પાસની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ આ નોકરી માટે ફોર્મ ભરવા તેવી જાહેરાત દૈનિક પેપરો તથા સુરત મહાનગર પાલિકાની વેબ સાઈટ, સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન તથા તમામ નાગરિક સુવિધાના કેન્દ્ર પર પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

આ જાહેરાત જોયા બાદ નીતિનકુમાર સન્મુખભાઇ પટેલ (ઉ.વ.૨૮ રહે,એ/૧૮,ત્રીજો માળ,પીપલોદ પોલીસલાઇન, પીપલોદ), અંકિતાબેન તે છીબુભાઇ આહિરની દીકરી (ઉ.વ.૨૬, રહે.ભીંડી ફળીયા, ખાંભડા, ચીખલી જી.નવસારી), આશિષકુમાર ઇશ્વરભાઇ પટેલ (રહે,પારસી ફળીયુ, ખજોદગામ), વૈભવકુમાર હસમુખભાઇ પટેલ (રહે,ઘનાસાથ ડુમ્મસ) તથા રીચીકુમાર મહેશભાઇ પટેલ (રહે. ૫૮૦/૧ પી.ડી.સ્ટ્રીટ, ભીમપોર, ડુમ્મસ) એ પણ નોકરી માટે એપ્લાય કર્યું હતું. આ પાંચેય જણા નિયત કરેલી શૈક્ષણિક લાયકાત કરતા વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા છતાં આ હકીકત છુપાવી હતી. તથા તેનો ઉપયોગ કરી કબૂલાતનામાં ઉપર સહી કરી ફોર્મ જમા કરાવ્યા હતા. અને પોતાની સાચી હકિક્ત છૂપાવી સુરત મહાનગર પાલિકા સાથે વિશ્વાસઘાત કરી નોકરી મેળવી હતી.

બોક્સ….
વિજીલન્સમાં ફરિયાદ થતા તપાસમાં બહાર આવ્યું
બે વર્ષ પહેલા આ નોકરી મેળવનારાઓમાં ઘણાએ ખોટી રીતે નોકરી મેળવી હોવાની વિજીલન્સમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે આ પાંચેયની શાળાઓમાં સર્ટિફિકેટના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં તેઓએ મનપામાં રજૂ કરેલા સર્ટિફિકેટ કરતા વધારે ભણતર કર્યું હોવાનું સામે આવ્યું હતું. આમાંથી નીતિનકુમાર પટેલ પોલીસ પુત્ર હોવાની સંભાવના છે. જોકે પોલીસે હજી તપાસ બાકી હોવાથી આ અંગે સ્પષ્ટ કહેવા ઇનકાર કર્યો હતો.

Most Popular

To Top