SURAT

અંત્રોલી ગામ નજીક તબેલામાં આગ લાગતા 15 ભેંસ દાઝી ગઇ

સુરત: કામરેજથી આગળ અંત્રોલી (Antroli) ગામ પાસે હળપતિવાસ (Hadpati Vaas) વસાવા મહોલ્લામાં એક ભેંસના તબેલામાં રવિવારે કોઈક કારણસર આગ (Fair) લાગી હતી. જેની જાણ થતાં સુરત-કામરેજ ફાયર સ્ટેશનથી (Fire station) ગાડી તેમજ કોસાડથી જે.સી.બી મશીન ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવામાં આવી હતી. જો કે આ દરમિયાન તબેલાની બાજુમાં જ આવેલુ ઘર પણ આગની ઝપટમાં આવી જતા ઘરવખરી અને દોઢ લાખ રૂપિયા રોકડા તેમજ સોનાચાંદીના દાગીના પણ બળીને ખાખ થઇ ગયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ, અંત્રોલી ગામના વસાવા મહોલ્લામાં આવેલા ભેંસના તબેલામાં આગની ઘટનાની જાણ સુરત ફાયર સ્ટેશનમાં થઈ હતી. આ તબેલામાં 50 થી 60 જેટલી ભેંસ હતી. અચાનક જ આગ લાગવાની ઘટના બનતા તબેલામાં 15 ભેંસો દાઝી ગઈ હતી તેમજ તબેલામાં હાજર 3 વ્યકિતને પણ નાની મોટી ઈજા થઈ હતી. જેથી 108 બોલાવી તાત્કાલિક તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સુરત-કામરેજ ફાયર સ્ટેશનના સ્ટાફ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી.

મજૂરાગેટ અને અલથાણમાં બે અલગ બનાવમાં ઘરમાં આગથી અફરા-તફરી
સુરત : શહેરના અલથાણ વિસ્તારમાં સવારે 11 વાગ્યે એક રેસીડેન્સીમાં પાંચમા માળે એસીમાં શોર્ટસર્કિટથી આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતા જ સ્થાનિકોએ ફાયરમાં જાણ કરી હતી. જેથી વેસુ અને મજુરાગેટ ફાયર સ્ટેશનથી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. પાંચમા માળે આગ લાગવાથી બિલ્ડીંગમાં પાવર કટ થયો હતો. જેથી લિફ્ટમાં જતા 2 લોકો ફસાયા હતા. તેઓને પણ ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ, અલથાણ વોટર હિલ્સ રેસિડન્સીમાં બી ટાવર 502 માં રહેતા અમિત સુભાષ ઝવેરી આજે તેમના ઘરે હતા ત્યારે અચાનક જ એસીના કોમ્પ્રેસરમાં એક્ઝોસ્ટ ફેનમાં આગ લાગી હતી. જેના કારણે વાયરિંગ બળી જતા અને ધુમાડાના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અલથાણમાં વોટલ હિલ્સ રેસિડેન્સીમાં આગ લાગવાના કારણે લાઈટ જતી રહી હતી.

ફ્રિજ તથા ઘરઘંટી અને અન્ય સામાન બળીને ખાક થઇ ગયો હતો
જેના કારણે લિફ્ટમાં એક મહિલા અને પુરુષ ફસાઈ ગયા હતા. આગને કાબુમાં લીધા બાદ લિફ્ટમાં બે વ્યક્તિ ફસાયા હોવાની જાણ થતા ફાયરબ્રિગ્રેડના જવાનોએ નીતીશ મહેરા અને પ્રતિમા મોરે નામની બંને વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢી હતી. તે ઉપરાંત મજૂરાગેટ પાસે આવેલી વિજયનગર ગેટ નંબર 1 માં ઘર નંબર 21 માં રહેતા અરુણ સિંગાપુરી ગતરોજ રાત્રે પરિવાર સાથે ઘરમાં સુતા હતા ત્યારે રસોડામાં ફ્રિઝમાં ઇલેક્ટ્રિક શોર્ટસર્કિટ થવાના કારણે ઘરમાં આગ લાગી હતી. બનાવને પગલે અરુણભાઈ પરિવાર સાથે ઘરની બહાર નીકળી ગયા હતા. ફ્રિજમાં લાગેલી આગ ઘરમાં પ્રસરતા ઘરમાં રહેલા બંને ફ્રિજ તથા ઘરઘંટી અને અન્ય સામાન બળીને ખાક થઇ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ માન દરવાજા, નવસારી બજાર અને મજુરા ફાયર સ્ટેશનથી ફાયરબ્રિગ્રેડની ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી.

Most Popular

To Top