Charchapatra

સંવત્સરીક સત સંકલ્પ અવસર

૫ નવેમ્બર ૨૦૨૧ શુક્રવાર. હિન્દુ નૂતન વર્ષ કાર્તિક સુદ એકમ, બલિપ્રતિપદા. પ્રમાદીનામ સંવત્સર. વિક્રમ સંવત – ૨૦૭૮ નો શુભારંભ વિશાખા નક્ષત્ર સાથેનો ચૈતન્યમય દિવસ. અનેક લોકોનો ઇચ્છાપૂર્તિનો દિવસ, અનેક લોકોનો કાર્યપ્રવૃત્ત થવાનો શુભ અવસરીય દિવસ. આનંદનો, સ્નેહનો અને સંબંધ બાંધવાનો દિવસ. કોઇ ગાડી લેશે, કોઇ માડી લેશે, કોઇ સાડી લેશે તો કોઇ લાડીને શુભેચ્છા પાઠવશે. બધાને સુખસમૃધ્ધિ આયુઆરોગ્યનો લાભ થવા માટે બધા પરસ્પરોને શુભેચ્છા આપશે, શત્રુતાનો ત્યાગ કરશે. એ જ સંવત્સરનો મુખ્ય હેતુ છે.

પંચાંગ શાસ્ત્રમાં વાર, નક્ષત્ર, યોગ, કરણ, નિધિને વિશિષ્ટ વરદાન પ્રાપ્ત છે તે નિયમાનુસાર સંવત્સરના દિવસને પણ બહુ મહત્ત્વનું અમર વરદાન પ્રાપ્ત છે. અને કાર્તિક સુદ પડવો સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનો રિવાજ છે – પ્રથા છે. પણ આજનો માણસ સારુ કરવા ઇચ્છે છે ખરું, પણ ભૌતિક મોહમયી વાતાવરણમાં, ભૌતિક વસ્તુથી સુખ પામવા મુખ્ય સંકલ્પની વાત જ ભૂલી જાય છે. પોતાના ઇષ્ટ સામે બેસીને, પોતાની કુલસ્વામિનીનું સ્મરણ કરીને, મા-બાપ વડીલોના – સાન્નિધ્યમાં માણસે સંકલ્પવાણી નિશ્ચયપૂર્વક ઉચ્ચારવી જોઇએ. ત્યારે એના સ્મરણમાં રહે કે તેણે શું કરવાનું છે અને શું ન કરવાનું છે.

સમાજમાં કામાંધતા, અસ્પૃશ્યતા, અવિવેક, ભ્રષ્ટાચાર, વ્યભિચાર, દુરાચાર, અશ્લીલતા, અનૈતિકતા અને ધર્મ ભ્રષ્ટતાનો પાક વધ્યો છે. બાળકોનું ભવિષ્ય, ભયમુકત બન્યું છે. વડીલો નિરાધાર છે. સ્ત્રીનું શીલ સુરક્ષિત નથી. પાપાચારનો ભયાનક અંધકાર સર્વત્ર વ્યાપ્યો છે. અમારે કલિકાળના અંધકારથી દૂર થવા માટે, પવિત્ર, શુદ્ધ, સાત્ત્વિકતાનો સંકલ્પ કરવો જોઇએ. એટલે બધા ભારતવાસી બેસતું વર્ષના દિવસે સંકલ્પબધ્ધ થઇએ કે અમે વાણી, વિચાર, વર્તન, વ્યવહારથી નિશ્ચિત શુદ્ધ, સાત્ત્વિક, પવિત્ર રહીશું. પ્રત્યેક પુરુષ મારો ભાઇ છે. દરેક નારી મારી બેન છે. બધા આરોગ્યપૂર્ણ દીર્ઘાયુ થજો. આ સંકલ્પ અમારું ભાવિ સુધારશે. દીપોત્સવની શુભેચ્છા, નૂતન વર્ષ માટે અભિનંદન.
સુરત     – બાળકૃષ્ણ વડનેરે   – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top