Dakshin Gujarat

ગણદેવીનો યુવક મહુવા જાન લઈને પહોંચ્યો અને ત્યારે જ વરરાજાની આ પોલ ખુલ્લી પડી ગઈ

અનાવલ: (Anaval) મહુવા પોલીસે (Police) બે મહિલાની જિંદગી બચાવી માનવીય અભિગમ દાખવ્યો હતો. પત્ની અને પરિવારને અંધારામાં રાખીને નકલી માતા-પિતા બનાવી લગ્ન (Marriage) માટે કન્યાને રાજી કરી મહુવાના વેલણપુર ગામે જાન લઈને પુન: પરણવા આવેલા વરરાજાની હકીકત ખુલ્લી પડતાં સમયસૂચકતા વાપરી મહુવા પોલીસે લગ્ન અટકાવી દીધાં હતાં.

  • ગણદેવીના યુવાને પત્ની અને પરિવારને અંધારામાં રાખી નકલી માતાપિતા બનાવી બીજાં લગ્ન ગોઠવી દીધાં
  • મહુવાના વેલણપુરની ઘટના, બે બહેનનાં લગ્ન લેવાયાં હતાં, જેમાં એક વરરાજો પરિણીત નીકળ્યો, લગ્નના બદલે જેલમાં જવું પડ્યું
  • મહુવાના વેલણપુરની ઘટના, માત્ર મિત્રવર્તુળ સાથે જાન લઈને પુન: પરણવા નીકળેલા વરરજાએ માતા-પિતા બીમાર હોવાનું બહાનું કાઢ્યું
  • હરખભેર જાન લઈને પહોંચેલા વરરાજાના પિતાના હાથમાં કંકોતરી પહોંચી, તો પિતા ચોંકી ઊઠ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના વેલણપુર ગામે લગ્ન પ્રસંગમાં મહુવા પોલીસ પહોંચી અને વરરાજા મંડપમાંથી પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા. મહુવાના વેલણપુર ખાતે બે સગી બહેનનો લગ્નપ્રસંગ યોજાઈ રહ્યો હતો. જ્યાં ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. બંને બહેનો પૈકી એક બહેનનાં લગ્ન મહિસાગરના મોતીપુરા ખાતે અને હાલ ગણદેવી વિસ્તારમાં રહેતા સંજય (વ્યવસાય-રસોઈકામ) સાથે નક્કી થયાં હતાં. લગ્ન પહેલાં તેમણે નકલી માતા-પિતા બનાવી તેમની સાથે વાતો કરાવી લગ્ન માટે કન્યાના પરિવારને મનાવી લીધો હતો. લગ્નના દિવસે જાન લઈને માત્ર મિત્રવર્તુળ સાથે કન્યાના ઘરે પણ પહોંચ્યા ત્યારે કન્યા પક્ષ દ્વારા પૂછતાછ કરતાં તેમનાં માતા-પિતા બીમાર હોવાનું જણાવ્યું હતું. મિત્રવર્તુળ સાથે વરરાજા માંડવે પહોંચી ગયા હતા.

જો કે, આ બનાવની જાણ વરરાજા બનીને આવેલા સંજયના પિતાને કંકોતરી દ્વારા જાણ થઈ ગઈ હતી. ત્યારે સંજયના પિતાની ચિંતા વધી જતાં કે આ શું થઈ રહ્યું છે અને તરત જ તેમણે પોલીસ કંટ્રોલ રૂમને લગ્ન અટકાવવાની જાણ કરી હતી. જે અંતર્ગત મહુવા પોલીસને વરરાજા સંજયના પિતાએ ફોન પર જણાવ્યું કે, સંજય મારો પુત્ર છે. જેની પત્ની અને સંતાન પણ છે. જે અમારી સાથે જ રહે છે. આ તમામ બાબત અમારી જાણ બહાર થઈ રહ્યું છે. જેથી આ લગ્નને અટકાવી દેવામાં આવે. મહુવા પોલીસની ટીમ તરત એક્શન મોડમાં આવી સ્ટાફ સાથે તરત વેલણપુર લગ્નમંડપમાં પહોંચી ગઈ હતી. અને પરિણીત પુરુષનાં પુનઃ લગ્ન અટકાવી દેવામાં આવ્યાં હતાં.

અચાનક પહોંચી ગયેલી પોલીસથી લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પરંતુ મહેમાનો હાજરીમાં પ્રસંગ વિક્ષેપ ના પડે એ માટે સૂઝબૂઝ વાપરી મહુવા પોલીસે અન્ય એક બહેનનાં લગ્નમાં કોઈપણ અડચણ ના આવે એ મુજબનું વલણ રાખી તેમજ સમજણ આપી એક બહેનનાં લગ્ન ચાલુ રાખ્યાં હતાં. જ્યારે પુનઃ લગ્ન કરવા આવેલા વરરાજાને લઈ મહુવા પોલીસમથકે લઈ ગઈ હતી. જ્યારે વરરાજાના પિતા તેમજ સગાસંબંધીઓ હાજર હોય, જેમને એની પત્ની અને પરિવારને સોંપવામાં આવ્યો હતો. મહુવા પોલીસ યોગ્ય સમયે લગ્ન થતાં અટકાવી ગેરમાર્ગે દોરાયેલી મહિલાનું અને પરિણીત મહિલાના જીવનમાં આવનારા વિઘ્નને દૂર કરી માનવીય અભિગમ દાખવ્યો હતો.

બંને મહિલાને ન્યાય મળે એ મુજબનું કાર્ય કર્યુ છે: પીઆઈ બારોટ
મહુવા પીઆઈ બારોટે જણાવ્યું હતું કે, અમને મળેલી સૂચનાને પગલે અમે વેલણપુર ગામે પહોંચી ગયા હતા. આ પ્રસંગમાં કોઈપણ ખલેલ ના પહોંચે એવો અભિગમ દાખવી એક મહિલાને ન્યાય અને અને એક મહિલા સાથે થતા અન્યાયને દૂર કરી બંને મહિલાને ન્યાય મળે એ મુજબનું કાર્ય કર્યુ છે.

Most Popular

To Top