Business

આણંદ કૃષિ યુનિવર્સિટીએ મેળવ્યો “બેસ્ટ સ્ટોલ” એવોર્ડ

આણંદ, તા.28
રાષ્ટ્રીય કક્ષાના ઔષધિય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્ર,બોરીયાવી ખાતે ત્રી-દિવસીય રાષ્ટ્રીય કક્ષાનો કિસાન મેળો યોજાયો હતો. આ મેળામાં વિવિધ ઔષધિય પેદાશો સહિત અન્ય ચીજ વસ્તુઓના પણ પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા હતા અને વિવિધ વિષય નિષ્ણાતોની ટીમ દ્વારા દરેક સ્ટોલના પ્રદર્શનનું અવલોકન કરાયું હતું. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના સ્ટોલને “બેસ્ટ સ્ટોલ”નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જે બદલ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટીની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
વિવિધ ઔષધિય વનસ્પતિની ઓળખ કેવી રીતે થાય, ઉપયોગ કેવી રીતે કરવો, વેચાણ કરવા માટેની જરૂરી બાબતો, ખેડૂતના હક્કોની સમજ તથા નિકાસ સંબંધિત વિષયો ઉપર કૃષિ-નિષ્ણાતો/વૈજ્ઞાનિકો દ્વારા વ્યાખ્યાન રજૂ કરી મેળામાં ઉપસ્થિત સૌને જરૂરી જાણકારી આપવામાં આવી હતી.
આ મેળામાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (આઇસીએઆર) ડાયરેક્ટર જનરલ ડૉ.હિંમાશુ પાઠક, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.બી.કથીરીયા, ડી.એમ.એ.પી.આર., નિયામક ડૉ. મનિષ દાસ, સંશોધન નિયામક ડૉ. એમ.કે.ઝાલા તથા એમ એન્ડ એપી વડા ડૉ. કે.વી.પટેલ સહિત આઈ.સી.એ.આર.ના ઉચ્ચ અધિકારીઓ તેમજ સમગ્ર દેશના વિવિધ ભાગોમાં ઔષધિય ખેતીના વ્યવસાય સાથે સંક્ળાયેલા એક હજારથી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો તથા આણંદ કૃષિ યુનિવર્સિટી સાથે સંકળાયેલા કુલ 223 ખેડૂતો આ ત્રિ-દિવસીય મેળામાં જોડાયાં હતા.

Most Popular

To Top