Dakshin Gujarat

કામરેજ ટોલનાકા પર ટેક્સ વસૂલાત મામલે આવ્યા મોટા સમાચાર

સુરત : સુરત (Surat) સહિત આસપાસના વાહનચાલકો માટે છેલ્લાં કેટલાંક સમયથી માથાના દુઃખાવા સમાન સાબિત થઈ રહેલા કામરેજ ટોલટેક્સના (Toll Tax) મુદ્દે અંતે સુખદ નિવેડો આવવા પામ્યો છે. હાલમાં જ કામરેજ ટોલનાકાનો ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શનને (Protest) પગલે સફાળા જાગેલા ટોલટેક્સના સંચાલકો અને નેશનલ હાઈવે – ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (NHAI) અધિકારીઓ દ્વારા આ અંગે સ્થાનિક વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની મૌખિક બાંયધરી આપવામાં આવી છે.

શહેરના છેવાડે આવેલા કામરેજમાં ટોલટેક્સના સંચાલકો દ્વારા છેલ્લાં કેટલાક સમયથી સ્થાનિક વાહન ચાલકો પાસેથી પણ ટોલ ટેક્સના નામે ઉઘાડી લૂંટ શરૂ કરવામાં આવી હતી. આ અંગે કામરેજ નાગરિક સમિતિ દ્વારા બે દિવસ પૂર્વે ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે હાઈવે ઓથોરિટીની ઓફિસને તાળાબંધીનો જલદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે દરમ્યાન ક્રોધે ભરાયેલા નાગરિકો દ્વારા જો સ્થાનિક વાહનોને ટોલ ટેક્સમાંથી વહેલી તકે મુક્તિ નહીં આપવામાં આવે તો હાઈવે પર ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ સિવાય સ્થાનિક વાહન ચાલકો પાસેથી ઉઘાડી લૂંટ કરવા છતાં ઠેર – ઠેર ખાડા અને બેફામ ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે વાહન ચાલકોને ભારે હાલાકી થતી હોવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અલબત્ત, આજે સવારે ટોલ બુથના સંચાલકો સાથે કામરેજ નાગરિક સમિતિ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

કીમ પીપોદરા એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ
કિમ પીપોદરા વીવર્સ એસોસિએશન દ્વારા પણ આજે ટોલપ્લાઝાના અધિકારીઓને લેખિત રજૂઆત કરાઈ હતી. અહીંના વીવર અગ્રણી રસિક કોટડીયાએ કહ્યું કે કિમ-પીપોદરા, કરંજ, નવી પારડી, બોરસરા, પાલોદ વિગેરે વિસ્તાર ટોલ પ્લાઝાના 8થી 10 કિ.મી.ના રેન્જમાં આવેલા છે. આ વિસ્તારોમાં કુલ 2100થી વધુ ઉદ્યોગો આવેલા છે. ઉદ્યોગોના કામદાર, કર્મચારી તથા માલિકો પોતાના ચાર ચક્રિય વાહનો લઈ ટોલ પ્લાઝા પાસેથી અપડાઉન કરે છે. તેમજ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા માલસામાનના ટ્રાન્સપોર્ટના વાહનો પણ અહીંથી જ પસાર થાય છે. તેઓને મોટી રકમ ટોલ ટેક્સ પેટે ચૂકવવી પડી રહી છે, જે અન્યાયી છે. તેથી એસોસિએશન દ્વારા ટોરેન્ટ ચોકડીથી ચોર્યાસી ટોલ પ્લાઝા સુધી સર્વિસ રોડ શરૂ નહીં થાય ત્યાં સુધી GJ-05 અને GJ-19ના પાસીંગ વાળા વાહનો માટે અલગ લેનની વ્યવસ્થા ઉભી કરી તેમની પાસે ટોલ વસૂલવામાં આવે એવી માંગણી કરી હતી.

અધિકારીએ મૌખિક બાંયધરી આપી
બેઠકને અંતે ટોલ બુથના અધિકારીઓ દ્વારા સ્થાનિક વાહનો કે જેઓનું રજીસ્ટ્રેશન જીજે -5 અને જીજે- 19 છે તેઓને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા અંગે મૌખિક બાંયધરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, સ્થાનિક વાહન ચાલકોએ પોતાના વ્હીકલનું રજીસ્ટ્રેશન ટોલ બુથ કરાવું પડશે અને ત્યારબાદ જ તેઓને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળશે. આ સિવાય કોર્મશયલ વાહન ચાલકોને પણ ટોલ બુથના અધિકારીઓ દ્વારા માસિક ત્રણ હજાર રૂપિયા સુધીની છૂટ આપવાની પણ ખાતરી આપી છે. જેમાં કોમર્શિયલ વાહનો માટે ટોલ બુથ પરથી આ સંદર્ભે માસિક પાસ રહેશે.

રસિક કોટડીયાએ જણાવ્યું કે, રજૂઆત બાદ ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા NHAI ના અધિકારીએ સ્થાનિક વાહનચાલકો પાસે ટેક્સ નહીં વસૂલવા તેમજ કમર્શિયલ વાહનો માટે માસિક પાસ બનાવી આપવા સંબંધિત મૌખિક બાંયધરી આપી હતી. ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વિના તેઓ કોઈ છૂટ આપી નહીં શકે તેવી મર્યાદા વ્યક્ત કરી છે.

Most Popular

To Top