National

‘ફરી ભીડમાં માસ્ક પહેરવા પડશે’, ચીનમાં કોરોના ફેલાતા ભારત સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હી: ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાનો કહેર ફરી શરુ થઇ ગયો છે. ખાસ કરીને ચીનમાં..દવાઓની અછત, હોસ્પિટલમાં બેડ ખૂટી રહ્યા છે સાથે જ કબ્રસ્તાનમાં વેઈટીંગની સાથે લોકોની હાલત કફોડી બની રહી છે. કોરોનાના કહેર વચ્ચે ભારત સરકાર પણ સતર્ક થઇ છે. કોરોના મામલે બેઠકોનો દોર શરુ થઇ ગયો છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અધિકારીઓ અને આરોગ્ય નિષ્ણાતો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક બાદ મનસુખ માંડવીયાએ કહ્યું કે કોરોનાએ હજુ દેશ છોડ્યો નથી. આપણે હાઈ એલર્ટ પર રહેવાની જરૂર છે. ટ્વીટ કરીને આરોગ્યમંત્રીએ કહ્યું કે મેં દરેકને એલર્ટ રહેવા અને સર્વેલન્સ મજબૂત કરવા સૂચના આપી છે. અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ.

કોરોના મામલે કેન્દ્ર સરકારે બીજો મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટો ઓર્ડર બહાર પાડ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે વિદેશથી આવતા લોકોને કોરોના ટેસ્ટ વગર દેશમાં એન્ટ્રી નહીં મળે.

સરકારે જાહેર કરી એડવાઈઝરી

  • ભીડભાડ વાળી જગ્યાએ, ઘરની અંદર કે બહાર ખાસ માસ્ક પહેરો
  • કોરોનાનો બુસ્ટર ડોઝ ખાસ લઇ લો
  • કોરોના ટેસ્ટીંગ વધારવા સુચના અપાઈ
  • ગભરાવવાની નહિ સતર્કતા રાખવાની જરૂર
  • વિદેશથી આવનાર લોકોને કોરોના ટેસ્ટ વગર દેશમાં એન્ટ્રી નહીં

ભીડવાળી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરો
કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની બેઠક પછી, નીતિ આયોગના આરોગ્ય સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું કે જો તમે ભીડવાળી જગ્યાએ, ઘરની અંદર કે બહાર હો, તો માસ્કનો ઉપયોગ કરો. કોમોર્બિડિટીઝ ધરાવતા લોકો અથવા જેઓ વૃદ્ધ છે તેમના માટે આ વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે કોરોનાને લઈને ગભરાવાની જરૂર નથી, ટેસ્ટિંગ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. જેઓ વૃદ્ધ છે તેઓએ ખાસ બુસ્ટર ડોઝ લઇ લેવો જોઈએ. તેમણે કહ્યું કે કોરોના પોઝિટિવ દર્દીઓની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે.

વિશ્વનાં આ દેશોમાં કોરોનાના કેસોમાં ઉછાળો
જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, ચીન અને યુએસમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળા વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચેપગ્રસ્ત લોકોના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવા અને વાયરસના ઉભરતા સ્ટ્રેનને ઓળખવા તેમજ વેરિયન્ટ્સ પર નજર રાખવા જણાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આવી કવાયત દેશમાં વાયરસના નવા પ્રકારોને સમયસર શોધી કાઢવામાં સક્ષમ બનાવશે અને જરૂરી જાહેર આરોગ્ય પગલાં લેવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે હાલમાં દેશમાં સાપ્તાહિક ધોરણે કોરોનાના લગભગ 1,200 કેસ નોંધાઈ રહ્યા છે.

Most Popular

To Top