National

રાજસ્થાનના જેસલમેરમાં આર્મીનું તેજસ ફાયટર જેટ ક્રેશ થયું, વિદ્યાર્થીઓના હોસ્ટેલ પર પડ્યું

જેસલમેર(Jaisalmer): રાજસ્થાનના (Rajasthan) જેસલમેરમાં આર્મીનું એરક્રાફ્ટ ક્રેશ (Army aircraft crash) થયું છે. આ અકસ્માત (Accident) જેસલમેરના જવાહર નગરમાં થયો હતો. જોકે, આ અકસ્માતમાં પાયલોટ સુરક્ષિત છે. પાયલોટે યોગ્ય સમયે એરક્રાફ્ટમાંથી કૂદી ગયો હતો. ઘટના અંગે સેનાએ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

તા. 12 માર્ચની બપોરે લગભગ 2 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના બની હતી. ભારત શક્તિ યુદ્ધાભ્યાસ દરમિયાન જેસલમેરમાં ફાઈટર જેટ ક્રેશ થયું હતું. શહેરથી 2 કિ.મી. દૂર ભીલ સમુદાયની હોસ્ટેલ સાથે પ્લેન અથડાયું હતું. ઘટના સમયે હોસ્ટેલ ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્ટેલને નુકસાન પહોંચ્યું છે.

ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, ફાયટર પ્લેનમાં બે પાયલટ હતા. જોકે, એરફોર્સના અધિકારીએ કહ્યું કે, પ્લેનમાં એક જ પાયલટ હતો. તે ઘાયલ છે. આર્મીની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ તેજસ ફાઈટર જેટ ક્રેશ થયા બાદ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

જે રૂમ પર પ્લેન પડયું ત્યાં 15 બાળકો રહે છે
જેસલમેરમાં શહેરથી 2 કિ.મી. દૂર ભીલ સમાજની અને મેઘવાળ સમાજની હોસ્ટેલ આવેલી છે. આ હોસ્ટેલ પર પ્લેન પડ્યું હતું. મેઘવાલ સમાજ હોસ્ટેલમાં રહેતા ગીરધારી લાલે કહ્યું કે, ભીલ સમાજની આ હોસ્ટેલમાં પાંચ રૂમ છે. જે રૂમની બહાર ફાઈટર જેટ અથડાયું ત્યાં લગભગ 15 બાળકો રહે છે. બાળકો સવારે 7 વાગે નીકળી ગયા હતા. તેથી કોઈ જાનહાનિ થઈ નથી.

થોડા સમય પહેલાં હૈદરાબાદમાં આર્મીનું પ્લેન ક્રેશ થયું હતું
થોડા સમય પહેલા ડિસેમ્બર 2023માં તેલંગાણામાં એરફોર્સનું ટ્રેની પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળેથી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં જોવા મળે છે કે દુર્ઘટના બાદ પ્લેન ખરાબ રીતે સળગી ગયું હતું.

Most Popular

To Top