Gujarat

ગુજરાતમાં કોરોનાની મહામારીમાં 2 લાખ લોકોના મૃત્યુ થયા હોવાની કોંગ્રેસે આશંકા વ્યક્ત કરી

હાલમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ છે, ત્યારે છેલ્લા ૧૩ મહિનામાં સમગ્ર ગુજરાતમાં અંધાધૂંધી, અરાજકતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને ઓક્સીજન, દવાઓ, વેન્ટિલેટર, ઇન્જેક્શન, હોસ્પિટલમાં બેડ મળતા નથી, અને લોકો દર- દર ભટકી રહ્યા છે, અને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં બે લાખથી વધુ લોકો મોતના મુખમાં ધકેલાયા હોવાની આશંકા પ્રદેશ કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકારના અણધડ વહીવટ અને સંકલનના અભાવ થી કોરોના મહામારીમાં અંધાધૂંધી અને અરાજકતા ઉભી થઇ છે. સરકારી આંકડા મુજબ આજની તારીખે 8200 કરતા વધારે લોકો કોરોના થી મૃત્યુ પામ્યાં છે. જ્યારે લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે.

આવી સ્થિતિમાં આજે ગુજરાતના મહામારીના સમયમાં પેન્ડેમિક એક્ટ, ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ આ કાયદાઓ હેઠળ નિયંત્રણો અને કાયદાઓ અમલમાં છે. જ્યારે આ કોરોના મહામારીમાં છેલ્લા ૧૩ મહિનાની અંદર ગુજરાતમાં જે પણ લોકોના મૃત્યુ થયા છે.

તેવા તમામ મૃતક પરિવારજનોને આ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ, વિકાસલક્ષી પાસુ અને સહાનુભૂતિ સંવેદનશીલતા પૂર્વક વિચાર કરી તમામ મૃતક પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય સરકારે તાત્કાલિક જાહેર કરવી જોઈએ. ભૂતકાળમાં સરકારે અનેક વખત આવા કુદરતી આપદાના સમયમાં, અકસ્માતોના સમયમાં, ગંભીર મહામારી કે અન્ય સંજોગોમાં મૃત્યુ પામનાર મૃતકોના પરિવારને સહાય કર્યાના અનેક દાખલાઓ છે, ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે, આ કોરોના મહામારીમાં છેલ્લા ૧૩ મહિનાની અંદર ગુજરાતમાં જે પણ લોકોના મૃત્યુ થયા છે.

તેવા તમામ મૃતક પરિવારજનોને આ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ, વિકાસલક્ષી પાસુ અને સહાનુભૂતિ સંવેદનશીલતા પૂર્વક વિચાર કરી તમામ મૃતક પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય સરકાર તાત્કાલીક જાહેર કરે. ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા તમામ મૃતકના પરિવારોને આ સહાય મળે એ હેતુથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જે પણ મૃતક પરિવારો છે એમની માહિતી મેળવવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર બે મહિના અને ચાર દિવસમાં ૩૧૬૩ મૃત્યું ગત વર્ષની સરખામણીએ વધારે થયા છે. અને જો વર્ષ ૨૦૨૦ની તાલુકા દિઠ મૃત્યુની સરેરાશની સરખામણી કરીએ તો ૩૫૭૭ અધધ મૃત્યુ થયા, જ્યારે ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમિત કુલ ૧૨૨ લોકોનાં જ મૃત્યુ થયાનું દર્શાવવામાં આવી રહ્યું છે.

તો શુ સરકાર ૨૫ ગણા મૃત્યુ ઓછા દર્શાવ્યા છે ? આ સત્ય હોય તો સરકારની આ ભુલ સેંકડો લોકોની હત્યા બરાબર કહેવાય તથા સરકાર સામે ગુજરાતના લોકોનો વિશ્વાસભંગ કરી સત્ય છુપાવી ઘોર ગુન્હાહીત અપરાધ નથી ? જો માત્ર ૬૫ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૫૭૭ જેટલા મૃત્યુ થયા હોય તો સમગ્ર ગુજરાતમાં ૩૩ જિલ્લાઓમાં કેટલા થયા હશે ? આ બિહામણો અને અકળાવનારો સવાલ એક ગુજરાતીને કેમ ન થાય. ભાજપ સરકાર દેશને કોરોનાના મુખમાં ધકેલી બંગાળ અને આસામની ચૂંટણીઓ જીતવા રેલીઓ કરી હતી. શું તેને માફ કરાય ? આથી વિશેષમાં જો તાલુકા દિઠ સરખામણી કરીએ તો વઢવાણ, ધ્રાંગધ્રા, દસાડા, લીંબડી અને થાનગઢમાં મૃત્યુઆંકમાં અત્યંત વધારો થયેલો છે.

Most Popular

To Top