Editorial

ગુજરાતીઓના એક નોંધપાત્ર વર્ગની અમેરિકા ઘેલછા મૂર્ખાઇની હદે જાય છે

હાલ થોડા દિવસ પહેલા એક ધ્યાન ખેંચનારી ઘટના બની ગઇ. આ ઘટના ભારતીયો માટે અને તેમાં પણ ગુજરાતીઓ માટે વિશેષ મહત્વ ધરાવનારી છે. ફ્રાન્સના પેરિસ શહેર નજીકના એક નાના એરપોર્ટ પર એક ચાર્ટર્ડ વિમાને ટેકનીકલ હોલ્ટ માટે ઉતરાણ કર્યું. આ વિમાનમાં ૩૦૩ જેટલા મુસાફરો હતા. આ વિમાન રોમાનિયાની એક કંપનીનું હતું અને તે ખાસ ફ્લાઇટ તરીકે ભાડે રાખવામાં આવ્યું હતું.

આ વિમાન દુબઇથી રવાના થઇને મધ્ય અમેરિકાના નિકારાગુઆ નામના દેશમાં જઇ રહ્યું હતું. ફ્રાન્સમાં ટેકનીકલ હોલ્ટ માટે તેણે ઉતરાણ કર્યું તે સમયે ફ્રેન્ચ પોલીસને કોઇએ બાતમી આપી કે આ વિમાનમાં બેઠેલા લોકો અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા માટે જઇ રહ્યા છે. બાતમીને પગલે ફ્રેન્ચ પોલીસે આ વિમાનને એરપોર્ટ પરથી ઉડવા નહીં દીધું અને તેના તમામ મુસાફરોને નીચે ઉતારીને તપાસ શરૂ કરવામાં આવી. બે જણાની અટકાયત કરાઇ.

ત્રણેક દિવસ વિમાન અટકાવી રાખવામાં આવ્યું. જો કે તપાસ દરમ્યાન ફ્રેન્ચ સત્તાવાળાઓને વિમાનના તમામ મુસાફરોને અટકાવી રાખવા જેવું કશું જણાયુ નહીં હોય તેથી વિમાનને રવાના થવાની છૂટ આપવામાં આવી. આ વિમાન નિકારાગુઆ જવાને બદલે મુંબઇ પરત આવ્યું. આ વિમાનમાં મોટેભાગે ગુજરાતીઓ અને પંજાબીઓ હતા. સ્વાભાવિક રીતે નિકારાગુઆ તેમનું લક્ષ્ય નહીં હતું! આવા પછાત દેશમાં આટલા બધા લોકો શું કામ જાય? તેઓ ત્યાંથી અમેરિકા એટલે કે યુએસમાં ઘૂસવા માગતા હતા. મુંબઇ આવ્યા બાદ તેમની પૂછપરછમાં બહાર આવ્યું છે કે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા માટે તેમણે એજન્ટને રૂ. ૧ કરોડ કરતા પણ વધુ રકમ ચુકવી હતી. આના પરથી ફરી એકવાર ભારતીયોની, અને ખાસ કરીને ગુજરાતીઓની અમેરિકા ઘેલછા જાહેર થઇ છે.

આ પ્રકરણ સર્જાયું છે ત્યારે અમેરિકી સત્તાવાળાઓએ હાલ થોડા સમય પહેલા જ બહાર પાડેલા આંકડા જાણવા જેવા છે. ઓકટોબર ૨૦૨૨ અને સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતા વિક્રમી ૯૬૯૧૭ ભારતીયોની ધરપકડ થઇ છે એમ યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન(યુસીબીપી)ના છેલ્લામાં છેલ્લા આંકડાઓ જણાવે છે. અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે પકડાઇ જતા ભારતીયોના પ્રમાણમાં છેલ્લા કેટલાક વર્ષમાં પાંચ ગણો વધારો થયો હોવાનું કહેવાય છે.

૨૦૧૯-૨૦માં આ રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ૧૯૮૮૩ ભારતીયો પકડાયા હતા. ૨૦૨૦-૨૧માં ૩૦૬૬૨ ભારતીયોની ધરપકડ થઇ હતી જ્યારે ૨૦૨૧-૨૨માં આ આંકડો ૬૩૯૨૭નો થયો હતો એમ ડેટા પરથી જાણવા મળે છે. ઓકટોબર ૨૦૨૨ અને આ વર્ષન સપ્ટેમ્બર વચ્ચે જે ૯૬૯૧૭ ભારતીયો પકડાયા છે તેમાંથી ૩૦૦૧૦ કેનેડિયન સરહદે અને ૪૧૭૭૦ મેક્સિકો સાથેની સરહદેથી પકડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાનું નાણાકીય વર્ષ ૧ ઓકટોબરથી ૩૦ સપ્ટેમ્બર સુધીનું હોય છે તેથી આ સમયગાળા માટે આંકડાઓ આપવામાં આવે છે.

ભારતીયોની રીતે જોઇએ તો નાણાકીય વર્ષ ૨૦૨૩માં એકલા પ્રવેશવાનો પ્રયાસ કરતા પુખ્તોનું પ્રમાણ સૌથી વધારે હતું જેમાં ૮૪૦૦૦ ભારતીય પુખ્તોએ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. આ વર્ષ દરમ્યાન ધરપકડ કરાયેલા લોકોમાં ૭૩૦ સંગાથ વિનાના સગીર વયના લોકોનો પણ સમાવેશ થતો હતો! અને છેલ્લા કેટલાક સમયમાં આપણા ગુજરાતીઓ અમેરિકામાં જોખમી રીતે ગેરકાયદે પ્રવેશવા જતા નાના બાળકો સાથે મોતને ભેટ્યા હોવાની ચકચારી ઘટનાઓ પણ બની ચુકી છે.

અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા માટે અનેક રસ્તાઓ અપનાવવામાં આવે છે જેમાંથી કેટલાક તો ખૂબ જોખમી છે. આમાં સૌથી વધુ પ્રચલિત માર્ગ મેક્સિકોનો છે. એક અમેરિકી સેનેટરે સંસદમાં બોલતા આ અંગેની માહિતી આપી હતી જે આવી ઘૂસણખોરી અંગે કેટલાક અમેરિકી રાજકારણીઓની સખત નારાજગી પણ સૂચવે છે. ગેરકાયદે ઘૂસણખોરી અંગે સેનેટમાં બોલતા સેનેટર જેમ્સ લેંકફોર્ડે કહ્યું હતું આ લોકો અમેરિકા આવવા માટે ચાર જેટલી ફ્લાઇટો પકડે છે અને મેક્સિકો પહોંચે છે. મેક્સિકોમાં અમેરિકાથી સૌથી નજીકના એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ ત્યાંથી અમેરિકા સરહદ નજીક આવવા માટે બસ પકડે છે જે બસો કેટલીક ટોળકીઓ ચલાવે છે.

આ લોકોને છેવટે સરહદ નજીક મૂકી દેવામાં આવે છે જ્યાંથી તેઓ અમેરિકામાં પ્રવેશે છે. …તેઓ કહી શકે છે કે મને મારા દેશમાં ભય છે. લેન્ડફોર્ડ ભારતીયોનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું કે આ વર્ષે ૪૫૦૦૦ ભારતીયો દક્ષિણ સરહદેથી(મેક્સિકોથી) અમેરિકામાં પ્રવેશ્યા છે. તેઓ કહે છે કે મેક્સિકન ગુનાખોર મંડળીઓ દુનિયાભરમાંથી આવતા લોકોને શીખવે છે કે અમેરિકામાં કેવી રીતે પ્રવેશવું અને શું જવાબ આપવો. અને આ બધી કવાયત કર્યા બાદ જો પકડાઇ ગયા તો અમેરિકાની સરકાર હકાલપટ્ટી કરે અને લાખો રૂપિયા પાણીમાં જાય. આ બધું જાણવા છતાં ઘણા લોકોની અમેરિકા ઘેલછા તેમને આવા જોખમો ઉપાડવા પ્રેરે છે.

Most Popular

To Top