Dakshin Gujarat

બિયરના બે ટીન માટે 1 લાખની લાંચ માંગનાર વલસાડના કોન્સ્ટેબલને બાવળના ખેતરમાં ભાગવું પડ્યું

વલસાડ: દમણથી (Daman) બિયરના બે ટીન મોપેડની (Moped) ડિકીમાં લઈને જતા યુવક પાસે રૂપિયા 1 લાખની લાંચ (Bribe) માંગવાનું નારગોલના પોલીસ કોન્સ્ટેબલને ભારે પડ્યું છે. રૂપિયા 70 હજારમાં પતાવટ થયા બાદ યુવકે 50 હજાર રૂપિયા લાંચ પેટે આપી દીધા હોવા છતાં બાકીના 20 હજાર માંગી કોન્સ્ટેબલ યુવકને હેરાન કરી રહ્યો હોય આખરે યુવકે એન્ટી કરપ્શન બ્યુરોની મદદ લીધી હતી. વલસાડના એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવીને કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ પકડી જેલભેગો કર્યો હતો.

આ કેસની મળતી વિગત અનુસાર પાલીગામ ચાર રસ્તા પાસે નારગોલ મરીન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નૈનેષ મણીયા હળપતિ (ઉં.વ. 36, રહે. નારગોલ મરીન પો.સ્ટે. પાલીધુયા ગામ, ગુજરાતી સ્કૂલ પાસે)ને વલસાણ એન્ટી કરપ્શન બ્યૂરોએ લાંચ રૂશ્વતના કેસમાં પકડ્યો છે.

આ કેસની વધુ વિગત એવી છે કે ગઈ તા. 21 જૂનના રોજ ઉમરગામના કનાડુમાં રહેતો યુવક દમણથી પોતાના ગામ પોતાની મોપેડ પર જઈ રહ્યો હતો ત્યારે તેના મોપેડની ડિકીમાં બિયરના બે ટીન હતા. દરમિયાન નૈનેષ હળપતિ નારગોલ ચોકી પર ચેકિંગમાં હતો, ત્યારે નૈનેષે યુવકને અટકાવીને તેના મોપેડની ડિકી ચેક કરી હતી. દરમિયાન ડિકીમાંથી બિયરના બે ટીન મળી આવ્યા હતા, જેથી નૈનેષે યુવક સામે ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી.

આથી ગભરાયેલા યુવકે પતાવટ માટે વિનંતી કરી હતી ત્યારે નૈનેષ હળપતિએ બિયરના બે ટીનની હેરફેરના કેસ નહીં દાખલ કરવા તેમજ માર નહીં મારવા બદલ યુવક પાસેથી રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ ખૂબ વધુ હોય યુવકે ઘટાડવા વિનંતી કરી હતી. આખરે રૂપિયા 70 હજારમાં સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી.

યુવકે તેના ભાઈ પાસે રૂપિયા 50,000 મંગાવી સ્થળ પર જ કોન્સ્ટેબલ નૈનેષને ચૂકવી આપ્યા હતા. બાકીની 20 હજારની રકમ બાદમાં આપવાનું નક્કી થયું હતું. દરમિયાન કોન્સ્ટેબલ નૈનેષ અવારનવાર બાકીના 20 હજારની ઉઘરાણી કરતો હોય આખરે કંટાળી જઈને યુવકે એસીબીમાં ફરિયાદ કરી હતી.

એસીબીથી બચવા કોન્સ્ટેબલ જંગલી બાવળના ખેતરમાં ભાગી ગયો
યુવકની ફરિયાદના પગલે વલસાડ એસીબીએ લાંચિયા કોન્સ્ટેબલને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. દરમિયાન યુવક પાસે રૂપિયા 20 હજાર લેવા કોન્સ્ટેબલ આવ્યો ત્યારે એસીબી તેને પકડવા ત્યાં પહોંચી હતી. એસીબીના અધિકારીઓને જોઈ કોન્સ્ટેબલ જંગલી બાવળના ખેતરમાં ભાગી ગયો હતો. ફિલ્મીઢબે તેની પાછળ દોડીને એસીબીના અધિકારીઓએ કોન્સ્ટેબલને પકડી પાડ્યો હતો. એસીબીએ કોન્સ્ટેબલ નૈનેષની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top