Charchapatra

દારૂ કે ડ્રગ્સ, સમજણ નહીં અપનાવો તો ખુવાર થશો

થોડા દિવસ પહેલાં એક વિચારશીલ વ્યક્તિએ પોતાની વિચારની ધારાનો એક પ્રવાહ પ્રસ્તુત કર્યો હતો કે ગુજરાતમાંથી દારૂબંધી હઠાવી લેવી જોઈએ. આજરોજ ‘ગુજરાતમિત્ર’ના શીર્ષકમાં ગુજરાતમાં ડ્રગ્સની બે ફેક્ટરી ઝડપાઈ અને રૂા. 3600 કરોડનું (અધધધ…) ડ્રગ્સ કબ્જે કરાયાના મથાળામાં ગુજરાતમાં વસતાં લોકો નશાના બંધાણ તરફ આગળ વધી રહ્યાં છે એ દેખાઈ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં એક વ્યવસ્થિત પરંપરાની સ્થાપના હેઠળ 100 વર્ષની વયમર્યાદાના મનુષ્યજીવને ચાર વિભાગમાં  વિભાજીત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ 25 વર્ષ માત્ર બ્રહ્મચર્યાશ્રમ શીખવું અને માત્ર શીખવું વિવિધ કળાઓમાં પારંગત થવું એ એક જ ધ્યેય માત્ર હતું. મનુષ્યની માનસિકતામાં એનેય શિસ્તબધ્ધતતા ગોઠતી નથી. હમણાં જ રજાના દિવસે ચોકથી ભાગાતળાવવાળો રોડ સાંજે 6.30 એ ટ્રાફિકથી ભરાઈ ગયો હતો. દરેક વાહનચાલક પોતાની રીતે એ ટ્રાફિકમાંથી રસ્તો કાઢીને આગળ જવાની કોશિશમાં હતો.

પ્રમાણમાં ઘણી અવ્યવસ્થા હતી. પરંતુ જેવી થોડીક જ વારમાં ટ્રાફિક પોલીસ વ્યવસ્થાની ગોઠવણી થઈ માર્ગદર્શન કંટ્રોલ અને વાહનની બંધી થોડા સમય માટે સ્થાપિત થઈ કે તરત જ ટ્રાફિક હળવો થઈ ગયો. કહેવાનો મતલબ ખરાબ આદતો અશિસ્તને નોતરું દેવાની જરૂર પડતી નથી એ વણનોતર્યે તમારા દરવાજે દસ્તક દેવા તૈયાર જ હોય છે. દારૂબંધી ગુજરાતમાં છે તો આ કંટ્રોલ થકી જાહેરમાં કોઈ અશિસ્ત જોવા ભાગ્યે જ મળે છે. જો દારૂબંધી ઉઠાવી લેવામાં આવે પછી નાગરિકોને મળેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમતાં વાર નહીં લાગશે.
સુરત     – સીમા પરીખ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top