Entertainment

અજય, અક્ષય, અમિતાભ ભૂલી જાવ ‘K’ (Khan) બોલિવૂડમાં હવે ‘A’નું વર્ચસ્વ

‘મહાભારત’માં દ્વૌપદી સ્વયંવરનો પ્રસંગ છે. મંડપમાં એક બૃહદાકાર ધનુષ મુકાયું હતું જેની દોરી તારોની બનેલી હતી અને ઉપર ઘણી ઉંચાઇએ એક સોનેરી માછલી ટાંગવામાં આવી હતી. એ માછલી પર સીધું નહીં બલ્કે નીચે પાણીમાં તેનું પ્રતિબિંબ પડતું હતું એ પ્રતિબિંબ જોઇને ઉપર નિશાન તાકી માછલીને નીચે પાડવાની હતી. જે પાડે તેની દ્વૌપદી, તે દ્વૌપદીનો વર. અનેક રાજાઓ, યોધ્ધાઓ, તિરંદાજો એ માછલીને વીંધી નહોતા શકયા કર્ણ પણ નહીં. આખર અર્જુને એ ાછલી વીંધી અને પાંચાલદેશની કન્યા તેની થઇ હતી.

અત્યારે ફિલ્મોની સફળતા બાબતે એવું જ થઇ રહ્યું છે. અક્ષયકુમારે, આમીરખાન જેવા બોક્સ ઓફીસ યોધ્ધા પણ નિષ્ફળ ગયા છે. રણબીર કપૂર, રણવીર સીંઘના તીર પણ સફળતાની માછલીને વીંધી નથી શકયા. શાહીદ કપૂર, ટાઇગર શ્રોફ, આયુષ્યમાન ખુરાના, વરુણ ધવન, અને હમણાં વિજય દેવરકોન્ડા પણ નિષ્ફળ ગયા છે. તો કોણ બાણાવળી છે જે સકસેસની સોનેરી માછલી વીંધશે ને બોક્સ ઓફિસને વરશે?

અજય દેવગણને પણ તિરંદાજ ગણવામાં આવે છે. 2022ના વર્ષમાં તેની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’, ‘આર.આર.આર.’, ‘રનવે 34’ આવી ગઇ પણ પ્રથમ બેમાં ફિલ્મની સફળતાનો ભાર તેના પર નહોતા અને ‘રનવે 34’ સફળ રહી શકી નથી. હમણાં ગયા અઠવાડિયે જ તેની ‘ભોલા’ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું જે તબુ સાથેની તેની નવમી ફિલ્મ છે. આ ફિલ્મ અજયના દિગ્દર્શનમાં બની છે અને તમિલ ફિલ્મ ‘કૈથી’ની રિમેક છે. ફિલ્મોદ્યોગને બોકસઓફિસ પર તડાકો પાડે એવી ફિલ્મની અને સ્ટાર્સની તાતી જરૂર છે. અજયની ‘થેન્ક ગોડ’ ઓકટોબરમાં રજૂ થવાની છે. નવેમ્બરમાં ‘દૃશ્યમ-2’ રજૂ થશે. શું આ ફિલ્મો સકસેસ અપાવશે? અજય દેવગણની આ વખતે કસોટી થવાની છે. સલમાન, શાહરૂખ, આમીર સકસેસની ગેરંટી ગણાતા હતા પણ તેઓ નિષ્ફળ ગયા છે.

અક્ષય, રણવીરને રણબીર પણ નથી ચાલ્યા તો અજયનું બાણ માછલી વીંધશે ? હવે આ વર્ષના ચાર મહિના જ બાકી રહ્યા છે. આ દરમ્યાન મોટી કહેવાતી ફિલ્મો તો આવી રહી છે પણ હકીકતે એ ફિલ્મ જ મોટી કહેવાય જે રજૂ થયા પછી બોકસ ઓફીસની માછલી વીંધે. ‘બ્રહ્માસ્ત્ર’, વિક્રમ વેધા’ (ઋત્વિક, સૈફ) ‘તેજસ’ (કંગના), ‘ગુડબાય’ (અમિતાભ-રશ્મિકા મંદાના), ‘રામ સેતુ’ (અક્ષયકુમાર-જેકલીન)’, ‘ફોન ભૂત’ (કેટરીના-ઇશાન ખટ્ટર), ‘યોધ્ધા’ (સિધ્ધાર્થ મલ્હોત્રા-દિશા પટની), ‘ઊંચાઇ’ (અમિતાભ, અનુપમ, પરિણીતી ચોપરા) ‘શરકસ’ (રણવીર સીંઘ), ‘ગનપથ’ (ટાઇગર શ્રોફ- અમિતાભ), ‘મેરી ક્રિસમસ’ (કેટરીના વિજય સેતુપથી) અને ‘કભી ઇદ કભી દિવાલી’ (સલમાન-પૂજા હેગડે) ફિલ્મો ડિસેમ્બર સુધીમાં આવી રહી છે.

જો ‘બ્રહ્માસ્ત્ર’ સફળ જશે તો વાત જૂદી બાકી અમિતાભ, અક્ષય, અજય પર જ મોટી આશા છે. અજયની એક રીત સારી છે કે તે પોતાની ફિલ્મનાં લાંબા પ્રચારમાં માનતો નથી. ફિલ્મ તૈયાર થઇ જાય પછી જ તે છેલ્લે પ્રચાર કરી લે છે. આમ કરવાની પ્રચારનું બજેટ મર્યાદામાં રહે અને લોકો બહુ મોટી અપેક્ષા વિના માત્ર અઝય પરના વિશ્વાસના આધારે ફિલ્મો જોવા આવે. અજયની ફિલ્મ નિષ્ફળ જાય તો પણ ભારે ચર્ચા થતી નથી કારણ કે તે સ્વયં નિર્માતા હોય ત્યારે બીજાને ખોટ ખમવાનું કયારેક જ આવે છે. અજયનું સ્ટારડમ માત્ર બોકસઓફિસ સકસેસ પર જ નભતું નથી કારણ કે તેના સ્ટારડમમાં બીજાએ મોટું રોકાણ કરવું પડતું નથી. આમ છતાં સકસેસ વિના તો કોઇને ન ચાલે અને અત્યારે તો પ્રેક્ષકને ફરી થિયેટરમાં પાછો લાવવાનો છે. હમણાં મોટા ઉત્સવો ચાલી રહ્યા છે તેમાં ફિલ્મો જોવા કોણ જશે? જબરદસ્ત ફિલ્મ વિના પ્રેક્ષક ખેંચાશે નહીં, બાકી અજયની શાખા તો ઘણી છે. અક્ષય તો ઓટીટી પ્લેટફોર્મની ‘કટપુતલી’ બની ગયો હવે કોણ બોકસઓફીસ પર ત્રાટકશે? •

Most Popular

To Top