Entertainment

બોલો, ઐશ્વર્યા રાયએ 21 હજારનો ટેક્સ નહીં ભર્યો, નોટીસ ફટકારાઈ

મુંબઈ: ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવુડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન (Ashwariya Rai) ટેક્સ ન ભરવાને કારણે ચર્ચામાં આવી છે. એવા સમાચાર સાંપડ્યા છે કે નાશિકના મામલતદારે ઐશ્વર્યા રાય બચ્ચનને તેની જમીન પરનો બાકી ટેક્સ જમા ન કરવા બદલ નોટિસ (Tax Notice) ફટકારી છે. એવા અહેવાલો છે કે અભિનેત્રીની પાસે નાશિકના સિન્નરના અદવાડી શિવરાતમાં જમીન છે. આ જમીન પર નીકળતો પાછલા એક વર્ષનો કર અભિનેત્રીએ ભર્યો નથી. ટેક્સની રકમ રૂ. 21,960 થાય છે. આ બાકી ટેક્સના કારણે તહસીલદારે ઐશ્વર્યા રાય સામે નોટિસ ફટકારી છે. મામલતદાર દ્વારા ગઈ તા. 9 જાન્યુઆરીના રોજ નોટીસ ઈસ્યૂ કરાઈ હતી. આ નોટિસ ઐશ્વર્યા રાય બચ્ચનને તે મળી છે કે નહીં તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

  • ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયે નાશિકના સિન્નરના થાનગાંવ પાસે ખરીદેલી 1 હેક્ટર જમીન પર પાછલા એક વર્ષથી મહેસૂલ કર ભર્યો નથી: મહેસૂલ વિભાગ દ્વારા નોટીસ ફટકારાઈ
  • માત્ર રૂપિયા 21, 960ની રકમ માટે મહેસૂલ વિભાગ દ્વારા ઐશ્વર્યા રાયને નોટીસ ફટકારાઈ: ઐશ્વર્યા સહિત અન્ય 1200 મિલકત માલિકોને પણ નોટીસ મોકલાઈ

સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ઐશ્વર્યા પાસે સિન્નરના થાનગાંવ પાસે અડવાડીના પહાડી વિસ્તારમાં લગભગ 1 હેક્ટર જમીન છે. આ જમીન પર ઐશ્વર્યાનો એક વર્ષનો ટેક્સ બાકી છે. ઐશ્વર્યાની સાથે અન્ય 1200 મિલકત માલિકોને પણ ટેક્સની બાકી રકમ માટે નોટિસ પાઠવવામાં આવી છે.

નાણાંકીય વર્ષના અંતિમ મહિના માર્ચ પહેલાં સરકારી કચેરી દ્વારા વસૂલાત પ્રક્રિયા ઝડપી બનાવાઈ હોઈ તેના ભાગરૂપે જેટલા જમીન માલિકો દ્વારા કર જમા કરાવવામાં આવ્યો નહીં હોય તેઓને નિયમિત પ્રક્રિયા અનુસાર મામલતદાર કચેરી દ્વારા નોટીસો ઈસ્યુ કરવામાં આવી છે. માર્ચ અંત પહેલાં વસૂલાતના ટાર્ગેટને પહોંચી વળવા આ નોટીસો ઈશ્યુ કરાઈ છે. મહેસૂલ વિભાગ દ્વારા વસૂલાતના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.

જો કે ઐશ્વર્યા રાયે આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. ઐશ્વર્યા રાય બચ્ચનને આ નોટીસ મળી છે કે નહીં તે પણ જાણવા મળ્યું નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યાએ વિન્ડ પાવર જનરેશન કંપની સુઝલોનમાં રોકાણ કર્યું છે. ઐશ્વર્યા રાય બચ્ચન સાથે અનેક સેલિબ્રિટીઓએ પણ વિન્ડ પાવર કંપની સુઝલોનમાં રોકાણ કર્યું છે.

Most Popular

To Top