Columns

વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં દર વર્ષે ૧૬ લાખ લોકોનાં મોત થાય છે

દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. દર વર્ષે વાયુ પ્રદૂષણને કારણે અકાળે મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પુષ્ટિ કરી છે કે દર વર્ષે વિશ્વભરમાં લગભગ ૭૦ લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. શિયાળાના આગમનની સાથે જ દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવા લાગ્યું છે. સવારે સૌથી ખરાબ સ્થિતિ સર્જાય છે. માત્ર દિલ્હી જ નહીં, પરંતુ ગુરુગ્રામ, નોઈડા સહિત એનસીઆરના અન્ય વિસ્તારો પણ ગંભીર પ્રદૂષણ હેઠળ છે. મંગળવારે પણ રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાનો ગુણવત્તા સૂચકાંક (AQI) નબળો રહ્યો હતો.

દિલ્હીના ધૌલા કુઆંમાં સૌથી વધુ ૩૦૩ AQI નોંધવામાં આવ્યો હતો. આ ખતરનાક છે કારણ કે દર વર્ષે વાયુ પ્રદૂષણને કારણે અકાળે મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવેલા સ્ટાન્ડર્ડ મુજબ AQI ૧૦૦ સુધી હોવો જોઈએ, પરંતુ દિલ્હીમાં તે ૩૦૦નો આંકડો વટાવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે દિવાળી પહેલાં આગામી દિવસોમાં ફટાકડા ફૂટવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી જશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ અનુસાર આકાશમાં રહેલું ધુમ્મસ અને ધુમાડો લોકોના જીવન માટે મોટો ખતરો છે, જેના કારણે લોકો સ્ટ્રોક, હૃદય રોગ, ફેફસાંના કેન્સર તેમ જ તીવ્ર અને ક્રોનિક શ્વસન રોગોનો શિકાર બની રહ્યા છે. પરિણામે વાયુ પ્રદૂષણ દર વર્ષે લગભગ ૭૦ લાખ લોકોના અકાળ મૃત્યુનું કારણ છે. ખાસ કરીને ભારતમાં તેનું સૌથી વધુ જોખમ છે. બોસ્ટન કોલેજની ગ્લોબલ ઓબ્ઝર્વેટરી ઓન પોલ્યુશનના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૯માં એકલા ભારતમાં જ વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામનારની સંખ્યા ૧૬ લાખ હતી. જો વિશ્વના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો કુલ મૃત્યુના ૧૮ ટકા મૃત્યુ એકલા ભારતમાં થયાં છે. આ મામલામાં ચીન બીજા સ્થાને છે. આ સંશોધનને લાન્સના વિખ્યાત પ્લેનેટરી હેલ્થ જર્નલમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું.

દિલ્હી સરકારના પર્યાવરણ વિભાગના જણાવ્યા અનુસાર દિવાળી પહેલાં દિલ્હીમાં થઈ રહેલા પ્રદૂષણ માટે બાયોમાસ જવાબદાર છે. તેણે ૨૧ ઓક્ટોબરે દિલ્હીના પ્રદૂષણમાં ૨૧.૫ ટકા યોગદાન આપ્યું હતું. ૨૪ ઓક્ટોબર સુધીમાં આ આંકડો વધીને ૩૨.૭ ટકા થઈ ગયો હતો. આ ઉપરાંત વાહનોનું પ્રદૂષણ અને બાંધકામનાં કામોમાંથી ઊડતી ધૂળ પણ પ્રદૂષણનાં મુખ્ય કારણો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઠંડીમાં વધારો થવાને કારણે વાતાવરણમાં પીએમ ૨.૫નું પ્રમાણ વધ્યું છે. પવનની ધીમી ગતિને કારણે ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે.

આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થવાની આશંકા છે. માત્ર બોસ્ટન કોલેજ દ્વારા જ નહીં પરંતુ શિકાગો યુનિવર્સિટી દ્વારા પણ વાયુ પ્રદૂષણ પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે વાયુ પ્રદૂષણને કારણે લોકોની સરેરાશ ઉંમર ૧૦ વર્ષ ઘટી રહી છે. રિપોર્ટમાં દિલ્હીના વાયુ પ્રદૂષણનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૨૦૨૧માં હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા સંશોધન મુજબ ભારતમાં કુલ અકાળ મૃત્યુમાંથી ત્રીજા ભાગના મૃત્યુ એકલાં પ્રદૂષણને કારણે થાય છે.

દિલ્હીમાં પ્રદૂષણનું સૌથી મોટું કારણ હરિયાણા અને પંજાબમાં ખેતરોમાં પરાળ સળગાવવાને માનવામાં આવે છે. હાલમાં પરાળનું દહન પ્રદૂષણમાં ફાળો આપતું નથી, પરંતુ તે ભવિષ્યમાં મોટી સમસ્યા બની શકે છે. આ વર્ષના હિસાબે ૨૩ ઓક્ટોબર સુધીમાં પંજાબમાં માત્ર ૭૧૪ અને હરિયાણામાં ૧૭૯૪ પરાળ સળગાવવાની ઘટનાઓ નોંધાઈ છે, જ્યારે પાછલાં વર્ષોમાં તેની સંખ્યા વધુ હતી. જો ગત વર્ષની વાત કરીએ તો ૪૯,૯૨૨ પરાળ બાળવાની ઘટનાઓ નોંધાઈ હતી. પંજાબમાં અને હરિયાણામાં ૩૬૬૧ કેસો નોંધાયા હતા.

૨૦૨૧માં પંજાબમાં આ આંકડો ૭૧,૩૦૪ હતો તો હરિયાણામાં ૬,૯૮૭ હતો. ૨૦૨૦માં પંજાબમાં સૌથી વધુ ૭૬,૫૯૦ અને હરિયાણામાં ૪,૨૦૨ હતો. ૨૦૧૯માં પંજાબમાં ૫૫,૨૧૦ અને હરિયાણામાં ૬૩૩૪ પરાળ સળગાવવાના કેસો નોંધાયા હતા. જૂના જમાનામાં ખેડૂતો પોતાના ઘરમાં ઢોર રાખતા હતા, જેને પરાળ ખવડાવી દેવામાં આવતી હોવાથી તેને બાળવાની જરૂર પડતી નહોતી. હવે ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરતા હોવાથી તેમને બળદની જરૂર પડતી નથી. જો તેઓ ડાંગરની લણણી પછી પરાળ કાપીને બજારમાં વેચવા જાય તો તેની મજૂરી મોંઘી પડે છે. બજારમાં પરાળનો ભાવ મળતો નથી. આ કારણે ખેડૂતો પરાળ બાળીને જમીન સાફ કરી નાખે છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બાળવામાં આવતી પરાળનો ધુમાડો દિલ્હી પહોંચીને તેની હવાને પ્રદૂષિત કરી નાખે છે.

દિલ્હી સરકારે પ્રદૂષણ સામે લડવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) સ્ટેજ II લાગુ કર્યો છે. આ અંતર્ગત શહેરમાં જાહેર પરિવહન સેવાઓ વધારવામાં આવી રહી છે અને બે મેટ્રો ટ્રેન વચ્ચેનો સમયગાળો ઘટાડવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે. જ્યાં અત્યાર સુધી તફાવત પાંચથી છ મિનિટનો સમયગાળો હતો તે ઘટાડીને ૨ થી ૩ મિનિટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાનગી બસો પણ ભાડે લેવામાં આવી રહી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે સોમવારે વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં આ દિશામાં ઘણા મહત્ત્વના નિર્ણયો લીધા હતા. તેમણે કહ્યું હતું કે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના બીજા તબક્કા હેઠળ જે વિસ્તારોમાં AQI વધારે હતો ત્યાં વિશેષ ટીમો મોકલવામાં આવી છે. પ્રદૂષણને ડામવા માટે પાણીની સાથે રસાયણોનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે. વાહનો માટે ઓડ-ઇવન સ્કીમનો અમલ પણ વિચારણા હેઠળ છે.

છેલ્લાં પાંચ વર્ષમાં હવાની ગુણવત્તાના વિશ્લેષણ પર બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ દેશનાં ચાર મોટાં શહેરોમાં વાયુ પ્રદૂષણમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. જો કે, લખનૌ અને પટના જેવાં શહેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ઓક્ટોબર ૨૦૨૩માં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતામાં પીએમ ૨.૫માં વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, મુંબઈમાં ૨૦૧૯ થી ૨૦૨૩ દરમિયાન ઓક્ટોબરમાં પીએમ ૨.૫ ના સ્તરમાં સતત વધારો જોવા મળ્યો છે, જે હવાની ગુણવત્તા બગડતી દર્શાવે છે. મુંબઈમાં એક વર્ષ અગાઉ ગયા મહિનાની સરખામણીએ પ્રદૂષણમાં ૪૨ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હૈદરાબાદ અને કોલકાતામાં ઓક્ટોબરમાં પીએમ ૨.૫નું સ્તર ૨૦૨૨ની સરખામણીમાં આ વર્ષે વધ્યું છે. હૈદરાબાદમાં ૨૦૧૯ અને ૨૦૨૦ વચ્ચે પીએમ ૨.૫ માં ૫૯ ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે ૨૦૨૧માં અહીં ૨.૯ ટકાનો થોડો ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી ૨૦૨૨માં ૨૯.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો, પરંતુ ૨૦૨૩માં તેમાં ફરી ૧૮.૬ ટકાનો વધારો થયો હતો. કોલકાતામાં પીએમ ૨.૫ ૨૦૧૯ અને ૨૦૨૦ વચ્ચે ૨૬.૮ ટકા ઘટ્યો હતો, પરંતુ ૨૦૨૧માં તેમાં ૫૧.૭ ટકાનો વધારો થયો હતો. જો કે, ૨૦૨૨માં તેમાં ૩૩.૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ વર્ષે ફરી એક વાર અહીં ૪૦.૨ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ભારતનાં શહેરોનો વિકાસ કરવા માટે સ્માર્ટ સિટીની યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે, પણ તેમાં જળ અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે કોઈ નક્કર ઉપાયો સૂચવવામાં આવ્યા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top