Gujarat

અમદાવાદ: PSIએ રેડ પાડતા સોનાના બિસ્કીટ, ડોલરનો જથ્થો મળી આવ્યો અને સસ્પેન્ડ પોતે થઈ ગયા

અમદાવાદ: જેના ઉપર લોકો ભરોસો કરે છે તેવા પોલીસ (Police) અઘિકારીઓ કાયદાનો ભંગ કરે કે તેનો અયોગ્ય રીતે ઉપયોગ કરે તો સામાન્ય માણસે શું કરવું આ પ્રશ્ન લોકોને હંમેશા સતાવતો રહે છે. આવી જ એક ઘટના આજરોજ ફરી એકવાર પ્રકાશમાં આવી છે. જેના કારણે પોલીસની ખાખી વર્દી ઉપર ડાધ લાગયા છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં છેલ્લા કેટલાક સમયમાં પોલીસ કર્મીઓએ જ તોડબાજી અને લાંચ લીધાની ઘટના સામે આવી છે. પોલીસ કર્મીઓ પોતાની સત્તાનો ઉપયોગ કરી રોકડી કરવાથી લઈ ઘરમાંથી દારૂ, સોનાના બિસ્કિટ પડાવી લેતા ખચકાટ અનુભવતા નથી. અમદાવાદના પોલીસ કમિશનરે પણ આવા કિસ્સાની નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ PSI જે.જે. રાણાનું નામ સામે આવ્યું છે. રાણાનો મુખ્ય રોલ હોવાનું બહાર આવતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તેમને સસ્પેન્ડ કર્યા હતા.

મળતી માહિતી મુજબ અમદાવાદના શહેરના સોલા વિસ્તારના એક ફલેટ પર સ્થાનિક પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ PSI જે.જે. રાણાએ ક્રિકેટ સટ્ટાની રેડ કરી હતી. રેડ દરમિયાન ઘરમાંથી 30 સોનાના બિસ્કીટ, યુએસ ડોલરનો જથ્થો, 35 જેટલી બ્લ્યુલેબલની મોંઘીદાટ સ્કોચ વ્હીસ્કી બોટલો મળી આવી હતી. આમાંથી કશું મુદ્દામાલ તરીકે ચોપડે નોંધવામાં આવ્યું નથી. આ કેસની પતાવટ માટે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેને પગલે ઇન્ચાર્જ અધિકારી, એક ઉચ્ચ અધિકારીના માણસે અને ડિસ્ટાફે પૈસા લીધા હોવાની ફરિયાદ પોલીસ કમિશનર સુધી પહોંચી હતી. આ કેસમાં PSI જે. જે. રાણાનો મુખ્ય રોલ હોવાનું બહાર આવતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તેમને સસ્પેન્ડ કર્યા હતા. એટલું જ નહીં આ મામલે તપાસના આદેશ પણ આપ્યા છે કારણકે ધટના પછી ઉપરના આધિકારી અચાનક જ રજા પર ઉતરી ગયા હતા.

આ ઘટનાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, પોલીસ સામે કરવામાં આવેલી આવી ફરિયાદો તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતું આવું કૃત્ય ગંભીર વાત છે. પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સામે લાલ આંખ કરી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરી છે. આ સાથે તેઓએ વઘુમાં જણાવ્યું હતું કે હવે પછી જો કોઈ પણ રીતે આવા કેસો સામે આવશે તો ગુનો દાખલ કરી તેની કડક તપાસ કરવા માટેની તૈયારી તેઓએ બતાવી હતી.

Most Popular

To Top