Gujarat

અમદાવાદમાં ગાંધીનગરમાં વંટોળ સાથે ભારે વરસાદ, વૃક્ષો ધરાશાયી

ગાંધીનગર: (Gandhinagar) અમદાવાદ – ગાંધીનગરમાં છેલ્લા બે સપ્તાહથી આકરી ગરમી બાદ આજે અચાનક વંટોળ તથા વાવાઝોડા સાથે તોફાની વરસાદ તૂટી પડયો હતો. ખાસ કરીને તેજ ગતિએ પવન ફુંકાવાના કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. અમદાવાદમાં (Ahmedabad) એક કલાકમાં જોધપુર, સેટેલાઈટ, બોપલ-ઘુમા, ઉસ્માનપુરા, વાડજ અને આશ્રમ રોડ પર એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગાંઘીનગરમાં પણ ભારે વરસાદ (Rain) વરસ્યો હતો.

અમદાવાદ શહેરના મેમનગર, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી હાઈવે, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ, વિસલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો.જો કે દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ વચ્ચે તીવ્ર ગરમી અનુભવાઈ હતી. બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. નારણપુરા, વસ્ત્રાપુર અને બોડકદેવમાં 15થી 20 જેટલા વૃક્ષો તૂટી પડયા હતા. ગાંધીનગરમાં પણ રવિવારે બપોર પછી અચાનક વંટોળ સાથે કાળા વાદળો છવાઈ ગયા હતા. તે પછી વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે ગરમી તથા બફારાનો સામનો કરી રહેલા શહેરીજનોએ રાહતનો દમ લીધો હતો.

શહેરના બોપલ, મેમનગર, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી હાઈવે, થલતેજ, નહેરુનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, વેજલપુર, પ્રહલાદનગર, ઘાટલોડિયા, પાલડી, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ, વિસલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ અમદાવાદવાસીઓ લાંબા સમય બાદ ધોધમાર વરસાદની મજા માણવા નિકળી પડ્યા હતા. જેને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

Most Popular

To Top