Gujarat

અમદાવાદમાં લગ્નમાં છંછેડાયેલા ઘોડાની લાત વાગતાં કિશોરનું મોત

અમદાવાદમાં એક લગ્નપ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. બન્યું એવું હતું કે લગ્ન પ્રસંગે ઘોડાને નચાવવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. ઘોડો નાચતી વેળા છંછેડાયો હતો અને ઘોડા ઉપર ઉડાડેલા પૈસા વણવા ગયેલા એક કિશોરને ઘોડાની લાત વાગતાં તેનું મોત નીપજ્યું હતું.

અમદાવાદના ઈસનપુરમાં એક સમૃદ્ધ પરિવારમાં લગ્નપ્રસંગ હતો અને તેમાં મહેમાનો વિવિધ પ્રકારના મનોરંજનોની સુવિધા ઉભી કરવામાં આવી હતી. ડીજે-ડાન્સ ઉપરાંત ઘોડાને નચાવવા માટેનો કોન્ટ્રાક્ટ પણ યજમાન દ્વારા આપી દેવામાં આવ્યો હતો. મ્યુઝીકના તાલે ઘોડાએ નાચવાનું શરૂ કર્યું હતું અને મહેમાનો ભરપૂર મનોરંજન માણી રહ્યાં હતાં. જે પૈકી કેટલાક મહેમાનોએ ઘોડા ઉપર પૈસા ઉડાડવા શરૂ કર્યાં હતાં અને ઘોડાને ઓવારીને ચલણી નોટોનો વરસાદ શરૂ કરી દીધો હતો.

ઘોડાને ઓવારીને નીચે પડેલાં પૈસા લેવા માટે હાજર લોકો પૈકી કેટલાકે પડાપડી શરૂ કરી દીધી હતી અને તેમાં અવ્યવસ્થા સર્જાવી શરૂ થઈ હતી. મ્યુઝીકની સાથે જ હોબાળો અને ભાગદોડને પગલે ઘોડો છંછેડાયો હતો. એક તબક્કો એવો આવી પહોંચ્યો કે ઘોડાએ લાતો ઉછાળવી શરૂ કરી દીધી હતી. જેમાં રૂપિયા વીણી રહેલો એક કિશોર ઘોડાની લાતનું નિશાન બની ગયો હતો. મજબૂત ઘોડાની લાતનો પ્રહાર તેનું શરીર ખમી શક્યું ન હતું અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. કિશોરને સારવારાર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ તેને મૃત જાહેર કરાયો હતો.

આ ઘટનાને પગલે પરિવારના લગ્નપ્રસંગના રંગમાં ભંગ પડ્યો હતો અને ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. એટલું જ નહીં, સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરતાં પણ લગ્નપ્રસંગના આયોજકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

નોંધનીય છે કે સમૃદ્ધ પરિવારો પોતાની જાહોજલાલી જાહેર કરવા કે પછી દેખાદેખીમાં ડીજે-ડાન્સ, રેઈનડાન્સ, બુફે, હોર્સ ડાન્સ સહિતના અનેક કાર્યક્રમો યોજતાં થઈ ગયા છે. પરંતુ ઘોડાના નચાવવાનો મુદ્દો આ ઘટના બાદ હવે વિચારવા લાયક બની ગયો છે.

Most Popular

To Top