Gujarat

અમદાવાદમાં ગેરકાયદે રહેતા 18 બાંગ્લાદેશીઓ ઝડપાયા

અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા એસઓજી ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા હાથ ધરાયેલા સર્ચ અભિયાનમાં ગેરકાયદેસર રીતે રહેતા 18 બાંગ્લાદેશીઓની (Bangladeshi) ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બાંગ્લાદેશીઓ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ભારતમાં (India) ઘૂસણખોરી કરી અમદાવાદ આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

  • અમદાવાદમાં ગેરકાયદે રહેતા 18 બાંગ્લાદેશીઓ ઝડપાયા
  • છેલ્લા 3 વર્ષમાં 63 બાંગ્લાદેશીઓ ઝડપાયા, સૌથી વધુ 2023માં અત્યાર સુધીમાં 33 બાંગ્લાદેશી ઝડપાયા

અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદેસર રહેતા 18 જેટલા બાંગ્લાદેશીઓની શહેરના ઓઢવ સોનની ચાલી, ઘાટલોડિયા અને ઇસનપુર વિસ્તારમાંથી ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા તમામ બાંગ્લાદેશીઓ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ભારતમાં ઘૂસી અમદાવાદમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ તાજેતરમાં જ ગુજરાત એટીએસ દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. તેવામાં આ બાંગ્લાદેશીઓની અલકાયદા સાથે કોઈ સંડોવણી છે કે કેમ ? તે અંગે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં ગેરકાયદેસર રહેતા 63 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ 2023માં અત્યાર સુધી 33 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે.

Most Popular

To Top