Gujarat

સફેદ ચામરી ગાયની પૂંછડીના વાળમાંથી બનાવેલી ચામર અંબાજીમાં માતાજીને અર્પણ કરાશે

ગાંધીનગર: જગપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી (Ambaji) ખાતે આગામી તા. 12 મી થી 16 ફેબ્રુઆરી સુધી માં અંબાના પ્રાગટય સ્થાન ગબ્બર તળેટી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં હિમાલય પર્વત પર લેહ (લદ્દાખ) પાસે જોવા મળતી સફેદ ચામરી ગાયની (Cow) પૂંછડીના વાળમાંથી બનાવેલી ચામર (Chamar) માતાજીને અર્પણ કરાશે. અંબાજીમાં ચામર યાત્રા પણ યોજાનાર છે.

શિવ મહાપુરાણમાં વર્ણિત કથા મુજબ, સતિ માતા પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભાગ લેવા કૈલાશથી જઇ રહ્યા હતા, ત્યારે ભગવાન શિવજીએ તેમની સાથે વિશેષ સન્માન અને ઉત્કૃષ્ટ અલૌકિક પવિત્રતાનાં પ્રતિક રૂપ ચામર અર્પણ કરી હતી. અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા ચામર મેળવવા માટે સંશોધન કર્યુ હતું. જેમાં હિમાલયમાં જોવા મળતી સફેદ ચામરી ગાયની પુંછડીના વાળમાંથી ચામર બને છે. ચમરી ગાયનો વસવાટ અને ઉત્પતિ હિમાલય પર્વત ઉપર અરુણાચાલ પ્રદેશ અને લેહ લદાખના ચાઈના બોર્ડરના વિસ્તારમાં જોવા મળે છે. જય ભોલે ગ્રુપના કેટલાંક સભ્યો લેહથી 200 કિ.મી. દૂર સોમોરીરીથી આગળ એક જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકો દ્વારા જાણવા મળ્યુ હતું કે આવી 45,000 ગાયો છે. તેમાંથી ફક્ત 8 ગાય સફેદ છે. સફેદ ગાયમાં પણ જે નર નથી અને માદા પણ નથી એવી ગાયના પૂંછડામાંથી બનાવેલી ચામર માતાજીને ચડાવાય છે અને આવી ફક્ત 2 ગાયો જ મળી આવી હતી.

હિમાલયના પહાડોમાં જોવા મળતી દુર્લભ સફેદ ગાયની પૂંછડીના વાળ લાવીને તેમાંથી ચામર બનાવવામાં આવી છે.
અગ્નિપુરાણમાં વર્ણન છે તે મુજબ 8, 16 અને 32 ગાંઠ મારીને આકર્ષક અને પવિત્રતા ધરાવતી ચામર અમદાવાદમાં બનાવવામાં આવી હતી. 51 શક્તિપીઠ ખાતે પ્રથમ વખત આયોજીત થનાર આ અલૈાકિક ચામર યાત્રામાં રાજયભરમાંથી માઈ ભકત્તો – શ્રધ્ધાળુઓ ઉમટી પડનાર છે.

Most Popular

To Top