Columns

અગ્નિપથની ભેદી યોજના લશ્કરનું ખાનગીકરણ કરવા માટેનું સાધન છે?

ભારતના ગરીબ કિસાનોનું કલ્યાણ કરવા માટે જે 3 કાયદાઓ ઘડવામાં આવ્યા હતા, તેનો વાસ્તવિક હેતુ ખેતપેદાશોનો ધંધો કરતી ખાનગી કંપનીઓને ફાયદો કરાવવાનો હતો. આ કાયદાઓથી કિસાનો પાયમાલ થઈ જવાના હોવાથી, તેમણે પ્રચંડ અહિંસક આંદોલન કરીને સરકારને 3 કાયદાઓ પાછા ખેંચવાની ફરજ પાડી હતી. કિસાનો પછી હવે સરકાર જવાનોનું કલ્યાણ કરવા અગ્નિપથ યોજના લાવી છે. કિસાનો દ્વારા જેમ 3 કૃષિ કાયદાઓ માંગવામાં આવ્યા નહોતા, તેમ દેશના જવાનો દ્વારા ક્યારેય અગ્નિપથ યોજના માંગવામાં આવી નહોતી.

માત્ર 4 વર્ષ લશ્કરમાં સેવા આપીને કોઈ સૈનિકને 21 થી 25 વર્ષ વચ્ચે નિવૃત્ત કરી દેવામાં આવે તો તેનું ભવિષ્ય કેવું હોઈ શકે? અગ્નિપથ યોજના લાગુ કરવામાં આવશે તે પછી 4 વર્ષે વર્ષના જે હજારો સૈનિકો ફરજિયાત નિવૃત્ત થશે, તેમને નોકરી કોણ આપશે? જાણકારો કહે છે કે આ યોજના ભારતીય લશ્કરનું ખાનગીકરણ કરવા માટેની ભેદી યોજના છે. જે સૈનિકો 4 વર્ષ સુધી સરકારના હિસાબે અને જોખમે લશ્કરી તાલીમ લઈને બહાર પડ્યા હશે, તેઓ મસમોટી ખાનગી કંપનીઓનાં ખાનગી સૈન્યમાં જોડાઈ જશે. વર્તમાનમાં અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગ ગૃહો દેશનાં બંદરો, રસ્તાઓ, હવાઈ અડ્ડાઓ, રેલવે સ્ટેશનો, હાઇ વે, બસ વગેરે પર કબજો જમાવી રહ્યા છે.

તેમને પોતાની ફેક્ટરીઓ ઉપરાંત અનાજના ગોદામો અને આ બધાં સ્થાનોની રક્ષા માટે ખાનગી લશ્કરની જરૂર પડશે. આ ખાનગી લશ્કરમાં ભરતી થનારા સૈનિકો અગ્નિપથ યોજના આપશે. ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વેપાર કરવાના બહાને આવી. તે પછી તેણે પણ પોતાનું ખાનગી સૈન્ય ઊભું કર્યું હતું. કોઈ પણ બે રાજાઓ લડતાં ત્યારે તેનું ખાનગી લશ્કર કોઈ રાજાને મદદ કરવા દોડી જતું. આવું ખાનગી લશ્કર હવે ખાનગી કંપનીઓ ઊભું કરશે અને દેશને નવેસરથી ગુલામ બનાવશે. આવતી કાલે કોઈ દેશ સાથે ભારતનું યુદ્ધ થશે તો પણ આ ખાનગી લશ્કરની મદદ લેવાની ફરજ પડશે.

માત્ર ભારતમાં જ નહીં, પણ દુનિયાભરમાં ખાનગીકરણનો પ્રવાહ જોરદાર ચાલી રહ્યો છે. ભારત સરકાર તેની નફો કરતી કેટલીક કંપનીઓ ખાનગી ક્ષેત્રના હવાલે કરી રહી છે. એર ઇન્ડિયા કંપની વેચાઈ ગઈ છે. LICને વેચવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને રેલવેનું પણ ખાનગીકરણ શરૂ થઈ ગયું છે. ટૂંક સમયમાં ‘વંદે ભારત’ યોજના અંતર્ગત ખાનગી ટ્રેનો પણ શરૂ કરવામાં આવશે. અમેરિકા અને રશિયા જેવા દેશોમાં ખાનગી લશ્કરની સેવાઓ આપતી પ્રાઇવેટ કંપનીઓ પણ અસ્તિત્વમાં આવી છે.

આ કંપનીઓ બીજા દેશ સાથે યુદ્ધ લડવા ભાડૂતી સૈનિકો પણ પૂરા પાડે છે. રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો, તેમાં ભાડૂતી સૈનિકો પણ રશિયા વતી લડી રહ્યા છે. અમેરિકાએ પણ ઇરાકમાં ‘બ્લેક વોટર’ નામની કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું પ્રાઇવેટ આર્મી ગોઠવ્યું હતું. આ ભાડૂતી લશ્કરના સૈનિકો દ્વારા આડેધડ ગોળીબાર કરતા ઇરાકના 20 નિર્દોષ નાગરિકોના જાન ગયા તેનો ભારે વિવાદ થયો હતો. તેનો ખટલો અમેરિકામાં ચાલ્યો હતો પણ અમેરિકાના પ્રમુખે હત્યા કરનારા ભાડૂતી સૈનિકોને માફ કરી દીધા હતા.

ભારત સરકાર દ્વારા અગ્નિપથની યોજના બહાર પાડવામાં આવી તે પછી લેફ્ટનન્ટ જનરલો K.J. સિંઘ અને જયશંકર મેનન ઉપરાંત મેજર જનરલો V.K. મધોક અને રાજ મહેતા દ્વારા તેની આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી છે. તેમના કહેવા મુજબ યુદ્ધના મોરચે લડનારા સૈનિકોને 4 વર્ષમાં પર્યાપ્ત તાલીમ આપી શકાય તે સંભવિત નથી. જો તેવા તાલીમી યુવાનોને યુદ્ધ કરવા માટે મોકલવામાં આવશે તો દેશની સલામતી જોખમાઈ જશે.

વળી માત્ર 4 વર્ષની નોકરી પછી સૈનિકોને કાઢી મૂકવામાં આવશે, તો 25 વર્ષની ઉંમરે યોગ્ય નોકરી ન મળવાથી તેમાં હતાશા પેદા થશે. આ યુવાનો ગુનાખોરી કરતી ગેન્ગો, આતંકવાદી સંસ્થાઓ અને કદાચ ભારતમાં જાસૂસી કરતી વિદેશી સંસ્થાની જાળમાં સપડાઈ શકે છે. 4 વર્ષ લશ્કરમાં નોકરી કરતાં જવાનને લશ્કરની સંવેદનશીલ વાતોની જાણકારી પણ મળી ચૂકી હોય છે. આ માહિતી જો દુશ્મન દેશોની જાસૂસી સંસ્થાઓના હાથમાં ચાલી જાય તો ભારતની સલામતી જોખમમાં મૂકાઈ જાય તેમ છે.

વર્તમાનમાં જે સૈનિકો સેવામાંથી નિવૃત્ત થાય છે, તેઓ 38 વર્ષની ઉંમરે નિવૃત્ત થતા હોય છે. ત્યારે તેમનો યુવાનીનો કાળ લગભગ પૂરો થઈ ગયો હોય છે. તેઓ પોતાની કારકિર્દીથી સંતુષ્ટ હોય છે. માટે ગુનાખોરી તરફ વળે તેવી સંભાવના હોતી નથી. વળી, તેમને જિંદગીભર પેન્શન તેમ જ અન્ય લાભો મળતા હોય છે. આ લાભો વગર નિવૃત્ત થતા યુવાનો દેશના દુશ્મન પણ બની શકે છે. ભારતના નિવૃત્ત લશ્કરી જનરલો કહે છે કે સરકાર દ્વારા 4 વર્ષ દરમિયાન અગ્નિવીરોને તાલીમ આપવા પાછળ અબજો રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. આટલો ખર્ચો કર્યા પછી તેમાંના 75 % ને ફરજિયાત નિવૃત્ત કરી દેવા તે રાષ્ટ્રીય સંસાધનોનો ભયંકર દુરુપયોગ હશે.

તેને બદલે 4 વર્ષ પછી નિવૃત્ત થયેલા અગ્નિવીરોને ફરજિયાત સરહદ સુરક્ષા દળમાં, કેન્દ્રીય અનામત પોલીસ દળમાં અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સમાં નોકરી આપવી જોઈએ. તે પછી પણ જે અગ્નિવીરો નોકરી વગરના રહે, તેમને રાજ્યોના પોલીસ દળમાં નોકરી આપવી જોઈએ. તેમ કરવાથી યુવાન વયે નિવૃત્ત થયેલા અગ્નિવીરનું ભવિષ્ય નિશ્ચિત બનશે અને દેશને અનુભવી સૈનિકની દાયકાઓ સુધી સેવા મળશે. હકીકતમાં અર્ધલશ્કરી દળોમાં અગ્નિવીરની જ ભરતી કરવી તેવો કાયદો પણ સરકાર ઘડી શકે છે. સરકાર જો તેવો કાયદો ઘડે તો ખાનગી કંપનીઓ મફતમાં પોતાનું ખાનગી લશ્કર કેવી રીતે ઊભું કરી શકે? આ ખાનગી સૈન્યને જ ભવિષ્યમાં ભારતની સરહદોની સુરક્ષા પણ સોંપવામાં આવશે. તેનાથી ભારતનું સાર્વભૌમત્વ જ ખતરામાં આવી જશે.

જગતના કેટલાક ધનકુબેરોની યોજના વિશ્વમાં એક સરકારની સ્થાપના કરવાની છે. તે માટે તેઓ વિવિધ બેન્કોનું વિલીનીકરણ કરીને એક જ બેન્ક અને એક કરન્સીની સ્થાપના કરવા તરફ આગળ વધી રહ્યા છે. જગતનું સામ્રાજ્ય જ્યારે ચંદ ધનકુબેરોના હાથમાં આવી જશે, ત્યારે તેમને જગતના લોકોને પોતાના નિયંત્રણમાં રાખવા માટે ખાનગી લશ્કરની પણ જરૂર રહેશે. ભવિષ્યમાં જ્યારે ‘વન વર્લ્ડ ગવર્નમેન્ટ’ આવશે ત્યારે વિશ્વનું લશ્કર પણ એક જ હશે. આ રીતે વન આર્મીની કલ્પના ત્યારે જ સાકાર કરી શકાય, જ્યારે દેશનું લશ્કર નબળું પડે. આ કામ અગ્નિપથ યોજના દ્વારા કરવામાં આવી રહ્યું છે. લશ્કરના ખાનગીકરણનું આ પહેલું પગથિયું છે.

આ ખાનગી લશ્કર પછી કોઈ દેશની સરકારને વફાદાર નહીં હોય. જો કોઈ દેશના ચૂંટાયેલા વડા ધનકુબેરોની બનેલી વર્લ્ડ ગવર્નમેન્ટની આજ્ઞા માનવાનો ઇનકાર કરશે તો આ ખાનગી લશ્કર જ તેમની હત્યા કરાવી નાખશે. ભારતની સમૃદ્ધિનો પાયો ‘જય કિસાન’ છે તો સલામતીનો પાયો ‘જય જવાન’ છે. કેન્દ્ર સરકારે 3 કૃષિ કાનૂનો દ્વારા કિસાનોનું શોષણ કરવાનો અને દેશનું કૃષિ ક્ષેત્ર કોર્પોરેટ ક્ષેત્રને હવાલે કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી જોયો છે. હવે તે અગ્નિપથની ભેદી યોજનાને નામે જવાનોને બરબાદ કરીને દેશની સલામતી ખાનગી ક્ષેત્રને સોંપવા તરફ આગળ વધી રહી છે. કૃષિ કાનૂનોના વિરોધમાં જેમ આંદોલન પેદા થયું, તેમ અગ્નિપથના વિરોધમાં પણ પ્રચંડ આંદોલન આકાર લઈ રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top