Columns

ઉંમર ભિક્ષુની

એક બૌધ્ધ મઠમાં દૂરથી એક ભિક્ષુ આવ્યા.ભિક્ષુ વૃદ્ધ હતા.લગભગ ૮૦ વર્ષની આસપાસની ઉંમર હશે.મઠના વડા ગુરુએ તેમને આવકાર આપ્યો અને વિચાર્યું આટલા વૃદ્ધ ભિક્ષુ છે…..અનુભવ અને જ્ઞાન સમૃધ્ધ હશે ..તેમની પાસેથી મને અને મારા ભિક્ષુ શિષ્યોને ઘણું જાણવા શીખવા મળશે.પણ શરીર સફરથી થાક્યું હશે …આરામની જરૂર હશે….પછી તેમની જોડે વાતો કરીશ. આમ વિચારી મઠના વડાએ તેમના આરામની વ્યવસ્થા કરી અને કહ્યું, ‘આપ થાક્યા હશો …આજે આરામ કરો ..આવતી કાલે વાતો કરીશું …તમારા જ્ઞાનનો લાભ અમને આપજો.’વૃદ્ધ ભિક્ષુ કંઇક બોલવા ગયા તે પહેલાં તો વડા ત્યાંથી ચાલ્યા ગયા. બીજે દિવસે સવારે પ્રાર્થના માટે મઠના દરેક ભિક્ષુઓ ભેગા થયા.

વૃદ્ધ ભિક્ષુ પણ હાજર હતા.પ્રાર્થના બાદ મઠના વડાએ નિયમ પ્રમાણે પોતાનું પ્રવચન કર્યું અને પછી જાહેર કર્યું ‘આપણા મઠમાં જ્ઞાની અનુભવ સમૃધ્ધ વયોવૃદ્ધ ભિક્ષુ પધાર્યા છે. આપણને આજે તેમની વાણીનો જ્ઞાનનો લાભ મળશે.’આટલું કહી તેમને વૃદ્ધ ભિક્ષુને બોલાવ્યા. વૃદ્ધ ભિક્ષુ આગળ આવ્યા. સૌથી પહેલાં તેમણે મઠના વડા જેઓ ઉંમરમાં તેમનાથી નાના હતા તેમને પ્રણામ કર્યા..વડા બોલી ઊઠ્યા, ‘ભિક્ષુ, આ શું કરો છો…તમારી ઉંમર કેટલી વધારે છે ..તમારે મને નહિ; મારે તમને પ્રણામ કરવાના હોય.’વૃદ્ધ ભિક્ષુ બોલ્યા, ‘મારી ઉંમર તો માત્ર સાત વર્ષ જ છે…!!!’વૃદ્ધ ભિક્ષુ જેમની ઉંમર ૮૦ વર્ષ જેટલી જણાતી હતી તેઓ પોતાની ઉંમર માત્ર સાત વર્ષ કહી રહ્યા હતા.

આવો વિચિત્ર જવાબ સાંભળી બધાને નવાઈ લાગી.અમુક યુવાન ભિક્ષુઓએ મનમાં વિચાર્યું કે ‘નક્કી આ વૃદ્ધ ભિક્ષુ પાગલ છે ..અથવા તેમને મતિભ્રમ થયો છે…’ મઠના વડાએ કહ્યું, ‘આપ કેવી વાત કરો છો??’વૃદ્ધ ભિક્ષુ બોલ્યા, ‘શાંતિથી મારી વાત સાંભળો અને મારી ઉંમરનો હિસાબ કરવાની રીત સમજો.હું ભિક્ષુ તો યુવાન વયમાં બની ગયો હતો …..પણ જીવનની સાચી સુગંધ …સાચું જ્ઞાન મને છેલ્લાં સાત વર્ષથી મળ્યું છે …મને જીવન શું છે? …હું કોણ છું?….ભગવાન કયાં છે? વગેરે અનેક પ્રશ્નોના જવાબ છેલ્લાં સાત વર્ષમાં જ મળ્યા છે.જીવનની સમજણ મળી છે.પહેલાં હું જીવિત હતો.ભિક્ષુના વાઘા પહેરી ફરતો હતો.આ તનની ઉંમર ૮૦ વર્ષ હશે …પણ માત્ર સમય જ પસાર થયો.ભગવાન બુદ્ધના ઉપદેશ …જ્ઞાન …પુસ્તકોનું વાંચન કરી કરી મને સાચી સમજણ મળી ….જીવનનો અર્થ સમજાયો….તે જ વર્ષોની ગણતરી હું મારા જીવનની ઉંમરમાં કરું છું.બાકીનો સમય તો બસ નિદ્રા અને સપનામાં જ વીત્યો છે…મારી જેમ તમે બધા પણ આ રીતે તમારી ઉંમરની ગણતરી કરી લેજો.’વૃદ્ધ ભિક્ષુએ સાચી સમજણ આપી.
          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top