SURAT

સુરતમાં પિતાના અંતિમ સંસ્કાર બાદ અશ્રુભીની આંખે ભાઈ-બહેને બોર્ડની પરીક્ષા આપી

સુરત: રાજ્યમાં હાલ ધો. 10 અને ધો. 12 બોર્ડની એક્ઝામ (Board Exam) ચાલી રહી છે. અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી પરીક્ષા આપી રહ્યાં છે, ત્યારે આજે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. પિતાના મોત બાદ અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરી ભાઈ-બહેને અશ્રુભરી આંખો સાથે હિંમતભેર બોર્ડની પરીક્ષા આપી હોવાનો કિસ્સો આજે સુરતમાં બન્યો હતો.

આજે તા.15મી માર્ચના રોજ ધો. 10 બોર્ડની સમાજવિદ્યાની પરીક્ષા હતી. એલપી સવાણી વિદ્યાભવનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કદમ કશિશ પ્રકાશની ભૂલકાં વિહાર સ્કૂલમાં પરીક્ષા હતી. દરમિયાન ગઈ કાલે રાત્રેએ તેના પિતા પ્રકાશભાઈનું દુ:ખદ અવસાન થયું હતું. દીકરી અને પુત્ર ભાંગી પડ્યા હતાં. જોકે, પરિવાર, સ્કૂલ, પરીક્ષા કેન્દ્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની મદદથી બંને જણા પરીક્ષા આપી શક્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે અડાજણમાં રહેતા પ્રકાશ કદમની દીકરી કશિશ ધો. 10 અને પુત્ર ધ્રુવ ધો. 12માં ભણે છે. બંને બાળકોની હાલ બોર્ડની એક્ઝામ ચાલી રહી છે. ગઈ મોડી રાત્રિએ 11.30 કલાકે પ્રકાશ કદમનું મૃત્યુ થયું હતું. પિતાના મોતને પગલે સંતાનો પરીક્ષા આપી શકશે નહીં તેવું લોકો અને તેના સંબંધો માની રહ્યા હતા. જોકે બંને ભાઈ-બહેનની હિંમતને સલામ. બંનેએ પિતાની અંતિમ વિધિ આટોપ્યા બાદ પરીક્ષા આપી હતી. પિતાના સપનાને પૂર્ણ કરવા વિદ્યાર્થીનીએ પિતાની અંતિમવિધિ પૂર્ણ થઈ ગયા બાદ પરીક્ષા સેન્ટર પર પરીક્ષા આપવા પહોંચી હતી.

કશિષે કહ્યું કે, મારા પિતા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. છેલ્લા થોડા સમયથી ચાલવામાં પણ તકલીફ પડતી હતી. તેઓ બેંકમાં નોકરી કરતા હતા. મારી માતા બ્યુટી પાર્લર નું કામ કરે છે. ગઈકાલે રાત્રે 11:00 વાગ્યા બાદ પપ્પાને અચાનક જ વધારે પ્રોબ્લેમ થઈ હતી અને પથારીમાં જ ઢળી પડ્યા હતા.

કશિષે વધુમાં કહ્યું કે પપ્પાનું સપનું હતું કે હું 10માં ધોરણાં સારા માર્કસ સાથે પાસ થાઉં. તે સપનું પુરું કરવા હું પરીક્ષા આપવા આવી છું. આજે નહીં તો કાલે પરીક્ષા તો આપવાની જ હતી. લોકો શું કહેશે?, પેપર સારું નહીં જાય? તેવા અનેક પ્રશ્નો મનમાં હતા. પરંતુ હિંમત કરી પરીક્ષા આપી છે. વિચાર્યા કરતા પણ વધારે આજનું પેપર સારું ગયું છે.

પિતાના અવસાન બાદ અંતિમ ક્રિયા પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપવા પાલ ગામની ભૂલકા વિહાર શાળામાં પહોંચતા શાળાના સૌ શિક્ષકો પણ વિદ્યાર્થીનીની હિંમતને આશ્રુભીની આંખે બિરદાવી હતી. આ અંગે ભૂલકા વિહાર શાળાના આચાર્ય મીતા વકીલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીની ના ભાઈ નો સવારના અમારા ક્લાર્ક પર ફોન આવ્યો હતો. પિતાના અવસાન થયા બાદ આજે સવારે અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ પરીક્ષા આપવા આવે તો કેટલો સમય મોડું ચાલે તે માટે ફોન આવ્યો હતો. જેથી શાળા દ્વારા તેને 10:30 સુધીનો સમય આપ્યો હતો. જોકે વિદ્યાર્થીને તેના મામા સાથે સમયસર પહોંચી ગઈ હતી. જે રીતે વિદ્યાર્થીને પરીક્ષા આપી છે તેની હિંમત ને જોઈ શાળાના સૌ કોઈ શિક્ષકો સલામ કરી રહ્યા છે.

વિદ્યાર્થીની સાથે બનેલી ઘટના અંગે તે જે શાળામાં ભણતી હતી તે એલ પી સવાણી શાળાના શિક્ષકોને પણ જાણ થતા તેઓ વિદ્યાર્થીનીના બોર્ડના પરીક્ષા સેન્ટર પર પહોંચી ગયા હતા. પરીક્ષા આપ્યા બાદ તેઓ વિદ્યાર્થીને મળ્યા હતા. અને ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

Most Popular

To Top