Entertainment

આમિર બાદ SRK-સલ્લુ પણ… ‘ખાન’દાનનું નામોનિશાન મટી જશે?

શાહરૂખ ખાન અને સલમાન ખાન હમણાં ચિંતામાં છે. આમીર ખાનની ‘લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મ નિષ્ફળ હતી કે નિષ્ફળ બનાવવા માટેનાં પ્રયત્નને કારણે નિષ્ફળ ગઇ? જે મુસ્લિમ સ્ટાર્સ છે તે અત્યારે ડરી રહ્યા છે કે કોઇને કોઇ મુદ્દો કાઢી તેમની ફિલ્મનો બોયકોટ કરાશે તો? આવા સ્ટાર્સની ફિલ્મોનો વિરોધ ત્યારે જ શરૂ થાય છે જયારે ફિલ્મ રજૂ થવાની ફાયનલ તારીખ જાહેર થાય. આમીર ખાનની ફિલ્મ રજૂ થવામાં હતી ત્યારે તેની અમુક વર્ષ પહેલાંની ટિપ્પણની ફરી યાદ અપાવવામાં આવી હતી. આવા વિરોધ કરનારાઓને રાજકીય સપોર્ટ હોય છે.

શાહરૂખની ફિલ્મનું નામ ‘પઠાણ’ છે. આ ફિલ્મના બોયકોટ કરવાની ય ચહલપહલ શરૂ થઇ છે. જયારે એ ફિલ્મના નિર્માતા યશરાજ ફિલ્મ્સ તરફથી કહેવામાં આવે છે કે આ ફિલ્મ શાનદાર છે અને બોલીવુડને એક અલગ રફતાર આપશે. યશરાજની હમણાં ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને પછી ‘જયેશભાઇ જોરદાર’ એકદમ ફલોપ ગઇ છે. ‘શમશેરા’ના પણ બૂરા હાલ થયા. આવા સંજોગોમાં તેમને સફળતાની ખાસ જરૂર છે અને તેમની આવે રહેલી બંને ફિલ્મોમાં ખાન છે. ‘પઠાણ’માં શાહરૂખ અને ‘ટાઇગર-3’ માં સલમાનખાન. ૨૦૨૨ ની યશરાજની ત્રણ ફિલ્મો માર ખાય ગઇ છે ત્યારે તેઓ હવે સાવધાન તો થશે જ. પણ હવે શાહરૂખ કે સલમાન વિના તો આ રજૂ ન કરાશે, તો શું થશે?

અત્યારે નિર્માતાઓ પર ભારે દબાણ છે કે મુસ્લિમ સ્ટાર્સ વિના ફિલ્મો બનાવો. આ કોઇ સીધુ દબાણ નથી પણ સંજોગો એવા ઊભા કરી દેવાયા છે. આ કારણે જ તમે જુઓ કે આમીર ખાનને ‘લાલસિંહ ચઢ્ઢા’ દરમ્યાન કોઇ નવી ફિલ્મ નથી મળી. શાહરૂખ, સલમાનથી પણ નિર્માતા બચે છે. એક તો એવી ફિલ્મોના બજેટ મોટા થઇ જાય અને જો નિષ્ફળ જાય તો દશા બગડી જાય. બાકી આ ફિલ્મોની સ્ટારકાસ્ટ પણ સારી છે. ‘ટાઇગર-3’ માં સલમાન સાથે કદાચ છેલ્લીવાર કેટરીના કૈફ દેખાવાની છે તો ‘પઠાણ’માં શાહરૂખ સાથે દિપીકા પાદુકોણ છે એ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ તેલુગુમાં ય રજૂ થવાની છે.

એ જ રીતે ‘ટાઇગર-3’ પણ ત્રણ ભાષામાં રજૂ થશે. દક્ષિણના રાજયોમાં ભાજપનો પ્રભાવ ઓછો છે એટલે મુસ્લિમ વિરોધ ઓછો છે પણ શાહરૂખ, સલમાન ત્યાં મોટા સ્ટાર્સની ઓળખ નથી ધરાવતા. સલમાન પાસે ય આમીરખાનની જેમ કોઇ નવી ફિલ્મ નથી. શાહરૂખ ખાન પાસે રાજકુમાર હીરાનીની ‘ડંકી’ ફિલ્મ જરૂર છે. હીરાનીએ ‘પીકે’ બનાવેલી તેનો વિરોધ કરનારા હિંદુ સંગઠનો આજે પણ મળી આવશે. હીરાનીની આજ સુધી એક પણ ફિલ્મ નિષ્ફળ નથી ગઇ, છતાં ‘ડંકી’ માટે તે ખૂબ કાળજી રાખી રહ્યો છે. તેણે તેનું શૂટિંગ પણ મોડું શરૂ કર્યું છે.

જોકે આ ફિલ્મમાં અમેરિકા, કેનેડામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા ભારતીયોની વાત છે. આવી ઘૂસણખોરી ‘ડોન્કી ફાઇટ’થી ઓળખાય છે. હીરાની છે એટલે મનોરંજકતા સાથે ફિલ્મને સાચવી લેશે પણ તે પહેલાં ‘પઠાણ’નું શું હાલ થાય છે તેની રાહ જોશે. શાહરૂખ ઘણીવાર જે અસહિષ્ણુતા વધી રહી છે તેની ટીકા કરે છે. આ અસહિષ્ણુતાનો મુદ્દો વર્તમાન ભાજપ સરકાર જાહેરમાં સ્વીકારવા તૈયાર નથી એટલે ‘ખાન’ને ભીડવશે. સો વાતની એક વાત. અત્યારે ‘ખાન’ સ્ટાર્સના દિવસો સારા નથી.

હા, સૈફઅલીખાન યા નવાઝુદ્દીન સિદ્દીકી કે શાહીદ કપૂર વગેરેને વાંધો નથી. અત્યારે શાણપણનો સમય છે. જાહેરમાં કાંઇ પણ બોલો અને સરકારને એ બોલનાર ન ગમતા હશે તો તેમને ગમતો અર્થ કાઢશે. તમે જુઓ કે દિલીપકુમાર જેવાએ પણ પોતાનું ‘યુસુફ ખાન’ નામ છૂપાવીને જ આખી જિંદગી કામ કરેલું. મધુબાલા, મીનાકુમારી પણ કયાં ઓરિજીનલ નામ છે? ભારતમાં મુસ્લિમ કળાકારોએ જુદી યુકિતઓ અજમાવી પડી હતી. હા, વિત્યા ચારેક દાયકામાં મુસ્લિમ સ્ટાર્સ પોતાની અસલી નામ રાખતા થયા હતા હવે ફરી મુશ્કેલી છે. •

Most Popular

To Top