Columns

સ્વીકાર – અસ્વીકાર

સાવ નાની અમથી વાત પર નેહલ રિસાઈ ગયો.મમ્મીએ રાત્રે જમવામાં આજે નરમ ખીચડી ,કઢી અને સલાડ બનાવ્યા હતા. જે નેહલને ઓછા ભાવતાં હતાં.એટલે તેણે ગુસ્સામાં કહ્યું ,’નહિ જમું …’પપ્પા બોલ્યા, ‘એ નહિ ચાલે, જે ઘરમાં બને તે જ ખાવું પડશે…’અને નેહલ બારણું પછાડી બહાર નીકળી ગયો.બડબડ કરતો ગયો કે ‘આવું થોડું ચાલે ન ખાવું હોય તો પણ ખાવાનું …સાચે કંટાળી ગયો છું…આ ઘરમાં તો ખુશ રહી જ ના શકાય …’પપ્પાના ચહેરા પર ગુસ્સો અને મમ્મીની આંખમાં આંસુ હતાં.દાદા બધું જોતા રહ્યા. થોડા દિવસ બાદ મમ્મીએ ઘૂઘરા અને ગાજરનો હલવો બનાવ્યાં હતાં.બધા આનંદથી જમ્યા અને નેહલ મમ્મીને ભેટીને બોલ્યો, ‘મોમ, તારા જેવું જમવાનું કોઈ ન બનાવે.

તું તો બધું જ બહુ સરસ ટેસ્ટી બનાવે છે.કાલે મારા ફ્રેન્ડસ આવવાના છે પીઝા બનાવીશ.’મમ્મીએ કહ્યું, ‘હા ચોક્કસ..’દાદા આ સાંભળી રહ્યા હતા. બીજે દિવસે પીઝા પાર્ટી પણ થઈ ગઈ.નેહલે કહ્યું, ‘મોમ યુ આર બેસ્ટ …આઈ લાવ યુ ..હું લકી છું કે મને તારા જેવી મોમ મળી છે..’મમ્મી હસી.પણ દાદાએ મોકો સાધી લીધો. તેમણે તરત કહ્યું, ‘બધા અહીં બેસો. મારે વાત કરવી છે.’બધા બેઠા..દાદાએ નેહલની મમ્મી તરફ આંગળી ચીંધી નેહલને કહ્યું, ‘આ કોણ છે?’નેહલે કહ્યું, ‘આવું કેમ પૂછો છો..મારી મોમ છે …’દાદા તરત બોલ્યા, ‘શું તે બદલાઈ ગઈ છે …તો આજે તું તેના હાથનું ખાઈને લકી છે..ખુશ છે અને થોડા દિવસ પહેલાં નાખુશ અને દુઃખી હતો આમ કેમ?’દાદાનો કટાક્ષ બધા સમજી ગયા. નેહલ કંઈ ન બોલ્યો … દાદા આગળ બોલ્યા, ‘નેહલ સમજ મારી વાત…તારી મમ્મી એ જ છે ..તે રસોઈ પણ સરસ બનાવે છે.

તકલીફ છે તારા મનની અને તેની પસંદની …જે ગમે છે તેનો મન સ્વીકાર કરે છે તે આનંદ આપે છે…જે નથી  ગમતું તેનો મન અસ્વીકાર કરે છે અને તે દુઃખ આપે છે અને તારા આ સ્વીકાર અને અસ્વીકારને કારણે તું બીજાને દુઃખી કરે છે.સમજ આ માત્ર ભોજનની વાત નથી;જીવનની સમજ છે…યાદ રાખજે, જીવનમાં સુખ અને દુઃખ જેવું કંઈ નથી હોતું. જે મનને ગમે અને મન સ્વીકારે તે સુખ છે અને જે મનને ન ગમે અને મન ન સ્વીકારે તે દુઃખ છે.આ આખો ખેલ આપણા સ્વીકાર અને અસ્વીકારનો છે. જીવનમાં જે મળે તેનો સ્વીકાર કરતાં શીખ તો હંમેશા સુખી રહીશ… ખુશ રહીશ.. ’દાદાએ નાની વાત પર ઊંડી સમજ આપી. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top