National

રાજસ્થાનમાં ફરી પેપર લીક, ઉમેદવારો ક્લાસમાં પહોંચ્યા અને 10 જ મિનિટમાં પરીક્ષા થઈ રદ્દ

રાજસ્થાન: ગુજરાતની (Gujarat) જેમ રાજસ્થાન (Rajasthan) પણ ભરતી પેપર લીક (Paper leak) થયા હોવાના કિસ્સા બની રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર રાજસ્થાનમાં સિનિયર શિક્ષકની (senior teacher recruitment) ભરતીની પરીક્ષાનું (Exam) પેપર લીક થયું હોવાનું જાણવા મળ્યું છે. પરીક્ષા શરૂ થવા પહેલા જ પેપર લીક થયું હોવાનું જાણવા મળતા પરીક્ષા રદ્દ (cancelled) કરી દેવામાં આવી છે. પેપર લીક થયા બાદ રાજસ્થાન સરકારે પેપર શરૂ થાય તે પહેલા જ ભરતી પરીક્ષા રદ કરી દીધી છે. પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પરીક્ષા રદ થવાના કારણે ઉમેદવારો હાલાકીમાં મુકાયા હતા. તમને જણાવી દઈએ કે આ અગાઉ પણ ફોરેસ્ટ ગાર્ડ ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હતું.

મળતી માહિતી મુજબ, આજે એટલે કે 24 ડિસેમ્બરે રાજસ્થાનમાં સેકન્ડ ગ્રેડ ટીચર રિક્રુટમેન્ટ માટેની પરીક્ષા યોજાવાની હતી. પરીક્ષા શરૂ થાય તે પહેલા જ તેનું પેપર લીક થયું હતું, તેમજ સોશિયલ મીડિયામાં પણ ફરતું થયું. મામલો સત્તાધીશો સુધી પહોંચ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લેતા સરકારે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ તાત્કાલિક તેને રદ કરવાની જાહેરાત કરી હતી. એવું કહેવાય છે કે રાજ્યની સાથે સાથે સેકન્ડ ગ્રેડ શિક્ષકની ભરતી માટે પણ મોટી સંખ્યામાં ઉમેદવારો દૂર-દૂરથી આવ્યા હતા. શનિવારે સવારે પણ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પરીક્ષા કેન્દ્રોમાં પણ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉમેદવારો પણ પરીક્ષા આપવા માટે પરીક્ષા હોલમાં ફાળવેલ સીટ પર બેઠા હતા.

પરીક્ષા રદ થયાની જાણ થતાં ઉમેદવારો પેપર વિતરણ અને પરીક્ષા શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. ઉમેદવારોને કહેવામાં આવ્યું હતું કે પરીક્ષાનું પેપર બહાર લીક થયું છે. પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા આજે લેવામાં આવશે નહીં. તેમજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બપોર બાદ લેવાનારી પરીક્ષાના સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાનના પેપર પણ લીક થયા છે.

પરીક્ષાના પેપરો બસમાંથી મળી આવ્યા
મળતી માહિતી મુજબ, ઉદયપુરના બેકરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બસ પકડાઈ હતી. આ બસમાં રાજસ્થાન સેકન્ડ ગ્રેડ ટીચર ભરતી પરીક્ષાના 40 થી 45 જેટલા ઉમેદવારો સવાર હતા. કહેવાય છે કે ઉદયપુરના બકેરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલી આ બસમાં મુસાફરી કરી રહેલા કેટલાક ઉમેદવારો પાસેથી આ ભરતી પરીક્ષાનું પેપર મળી આવ્યું હતું. જ્યારે ઉમેદવારો પાસેથી મળેલ પેપર ભરતી પરીક્ષાના પેપર સાથે મેચ કરાતા તે મેચ થયા હતા. પરીક્ષાના પેપર સાથે ઉમેદવારોને મળેલા પેપરનું મેચિંગ થતાં પોલીસ વિભાગ એક્ટિવ મોડમાં આવી ગયું હતું અને તેની માહિતી તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી હતી. મામલો રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે RPSC સુધી પહોંચ્યો અને કમિશને પેપર રદ કરી દીધું હતું.

પોલીસ અને એસઓજીએ તપાસ શરૂ કરી
રાજસ્થાન સેકન્ડ ગ્રેડ ટીચર રિક્રુટમેન્ટ પરીક્ષાના પેપર લીક મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસની સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ અને એસઓજીની અનેક ટીમોએ આ મામલે તપાસ શરૂ કરી છે.

આ અગાઉ ગયા મહિને પણ પેપર લીક થયું હતું
રાજસ્થાનમાં છેલ્લી ફોરેસ્ટ ગાર્ડની ભરતીની પરીક્ષાનું પેપર પણ લીક થયું હતું. 12 નવેમ્બરના રોજ રાજસ્થાન સ્ટાફ સિલેકશન બોર્ડ દ્વારા વન વિભાગમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. બીજી શિફ્ટની પરીક્ષાનું પેપર પરીક્ષા શરૂ થાય તે પહેલા જ લીક થઈ ગયું હતું, ત્યારબાદ રાજસ્થાન સ્ટાફ સિલેકશન બોર્ડે ભરતી પરીક્ષા રદ કરી હતી.

તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં ભરતી પરીક્ષા પહેલા જ પેપર લીકના મામલાની યાદી લાંબી છે. પેપર લીક થયા બાદ હાઈકોર્ટના આદેશ પર એલડીસી ક્લાર્કની ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્યની સૌથી મોટી શિક્ષક ભરતી પરીક્ષા REETનું પેપર લીક થતાં તેને પણ રદ કરવું પડ્યું હતું. રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની ભરતીનું પેપર પણ લીક થયું હતું જેને રદ કરવું પડ્યું હતું.

રાજસ્થાન સરકાર દ્વારા ભરતી પરીક્ષા લીક કેસમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા, પેપર લીકને રોકવા માટે વિવિધ દાવા કરવામાં આવ્યા છે. સરકાર તેનો કડકાઈથી સામનો કરવાનો દાવો કરે છે, પરંતુ પેપર લીકના કેસમાં કોઈ ઘટાડો થયો નથી.

Most Popular

To Top