Feature Stories

જો એક જ વસ્તુ માંગવાની હોય તો ઇશ્વર પાસે તમે શું માંગો?, સુરતીઓએ આપ્યા અનોખા જવાબ

હાલમાં ક્રિસમસની તૈયારીઓ જોરશોરમાં થઈ રહી છે અને સાથે જ નવા વર્ષને વધાવવાનો ઉલ્લાસભર્યો માહોલ પણ જોવા મળી રહ્યાો છે. ક્રિસમસની ઉજવણીની વાત હોય એટલે નાનાં બાળકોને તો સાંતા ક્લોઝ યાદ આવી જ જાય અને બાળકોએ વાર્તામાં સાંભળ્યું કે જોયું હોય એમ એવું જ વિચારે કે સાચે જ સાંતાકલોઝ આવીને તેમની વિશ પૂરી કરશે જ પણ તમને ખબર છે કે બાળકો તો ઠીક પણ મોટેરાંઓ પણ ઈશ્વર પાસે કેટલીક માંગણીઓ પૂરી કરાવવા માટે આતુર જણાઈ રહ્યાાં છે. તો હળવી પળોમાં આવા જ કેટલાક શહેરીજનો પાસે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, ‘ઈશ્વર તમને કોઈ એક જ વરદાન આપવાના હોય તો તમે એવું શું માંગો કે જે તમને મળી જાય તો તે પછી તમને બીજા કશાની જ જરૂર ન પડે અને તમારી બધી ઈચ્છાઓ તૃપ્ત થઈ જાય એવું તમને લાગે? તો ચાલો જાણીએ લોકો ઈશ્વર પાસે શું માંગી રહ્યાાં છે અને કેમ?

દ્રષ્ટિ આપીને લોકોની જિંદગીમાં પ્રકાશ પાથરી શકું : ડૉ. સેજલ દેસાઇ
શહેરના વેસુ વિસ્તારમાં રહેતાં અને સ્મીમેર હોસ્પિટલમાં આઈ સ્પેશ્યાલિસ્ટ તરીકે ફરજ બજાવતાં 45 વર્ષીય ડૉ. સેજલ દેસાઇ જણાવે છે કે, ‘‘મને મારા માટે કંઈ નથી જોઈતું પણ જો મારે કોઈ એક વસ્તુ માંગવી જ હોય તો હું ઈશ્વર પાસે એ માંગીશ કે મને એટલી કેપેબલ બનાવે કે જેમની દ્રષ્ટિ હંમેશાં માટે જતી રહી છે તેમને ફરીથી દેખતા કરી શકું કારણ કે હું સ્મીમેર હોસ્પિટલમાં જોબ કરું છું જ્યાં ખાસ કરીને એવા દર્દીઓ આવતા હોય છે જેઓ પૈસાના અભાવે પોતાનો ઈલાજ યોગ્ય રીતે કરાવી શક્યા ન હોય અને જેને કારણે કાયમી દ્રષ્ટિ પણ ગુમાવી ચૂક્યા હોય. જો કે હું મારાથી બનતી મદદ તો કરું જ છું પણ ઘણા કેસોમાં અમે હેલ્પલેસ થઈ જઈએ છીએ ત્યારે એવા કિસ્સામાં હું જો ફરીથી આવા લોકોના જીવનમાં પ્રકાશ પાથરી શકું તો સમજીશ કે જીવનમાં બધું મળી ગયું કારણ કે કોઈ સારું કાર્ય કરવાનો સંતોષ મળે ત્યારે લાગે કે હવે કોઈ ભૌતિક વસ્તુની જરૂર નથી.’’ •

આંતરિક શાંતિની જરૂર છે : મેઘના મહેતા
શહેરના આનંદમહેલ વિસ્તારમાં રહેતાં 46 વર્ષીય મેઘનાબહેન મહેતા છેલ્લાં 25 વર્ષથી ભરતનાટ્યમના ક્લાસ ચલાવે છે. મેઘનાબહેન જણાવે છે કે, ‘‘મને જો ઈશ્વર કોઈક એક જ વસ્તુ માંગવાનું કહે તો હું તો મનની શાંતિ જ માંગું કારણ કે જો તમને આંતરિક શાંતિ હશે તો તમે પરિવારને પણ સારી રીતે સાચવી શકશો, જેથી પરિવારમાં પણ સુખશાંતિ જળવાયેલી રહેશે. શાંતિ તમે અંદરથી અનુભવી શકો છો જ્યારે પૈસા, ઘર,ગાડી વગેરે વસ્તુઓ તો નાશવંત છે. જો કે હું તો એટલું જ કહીશ કે તમે મનથી શાંત હશો તો તમારું આરોગ્ય પણ જળવાયેલું રહેશે અને બીજી બધી ભૌતિક વસ્તુઓ મેળવવામાં તમને કોઈ મુશ્કેલી નહીં પડે.’’ •

પત્ની અને દીકરી પાછાં જોઈએ છે : રાકેશ રાઠોડ
શહેરના પાલનપુર વિસ્તારમાં રહેતા 42 વર્ષીય રાકેશ રાઠોડ કવિતા લખવાનો શોખ ધરાવે છે પણ તેમની જિંદગીમાંથી તેમની કવિતાની પ્રેરણા સમાન તેમની પત્ની દૂર થઈ ગયાં છે. આ અંગે રાકેશ રાઠોડ જણાવે છે કે, ‘‘8 વર્ષ અગાઉ મારી જ ભૂલના કારણે મારી પત્નીએ મારાથી છૂટાછેડા લીધા હતા, એ સમયે મારી એક નાનકડી દીકરી પણ હતી જેને લઈને મારી પત્ની અલગ થઈ હતી. જો કે ત્યારે હું મારી આર્થિક અને માનસિક પરિસ્થિતિના કારણે તેમને જતાં રોકી શક્યો ન હતો પણ છેલ્લાં 8 વર્ષોમાં મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને આજે પણ હું તો એ જ માંગું છું કે મારી પત્ની અને દીકરી મને માફ કરીને પરત આવી જાય કારણ કે હું તો એવું જ માનું છુ કે, લગ્ન ઉપરથી લખાઈને આવે છે, છૂટાછેડા નહીં. લગ્ન એ સાત જન્મોનું બંધન છે જેથી આ જન્મે તો પત્ની તરીકે હું એને જ માંગીશ. જો ઈશ્વર મારી આ ઈચ્છા પૂરી કરી દે તો ફરીથી હું આવી ભૂલ ક્યારેય નહીં જ કરું એવી ખાતરી આપું છું.’’ •

ઈશ્વર પાસે ઘણા બધા પૈસા માંગીશ: દિનેશ ચોટલીયા
શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા દિનેશભાઇ ચોટલીયા કહે છે કે, ‘‘જો મને ઈશ્વર કોઈ એક વરદાન માંગવાનું કહે તો હું તો ઘણા બધા પૈસા જ માંગું.’’ આ માટેનું કારણ જણાવતાં દિનેશભાઇ કહે છે કે, ‘‘કેટલાક લોકો એવા છે જેઓ પૈસા ન હોવાના કારણે પૂરતું ખાવાનું પણ નથી મેળવી શકતા, ત્યારે જો મને પૈસા મળી જાય તો હું મારી આસપાસ વસતા તમામ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માંગું છું.’’ જો કે તેમને પૈસાના બદલામાં સારું આરોગ્ય માંગવા અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મારું આરોગ્ય જળવાય એ માટે હું રોજ સવારે 4 વાગે ઊઠીને યોગ, સાધના, સ્વિમિંગ તથા એકસરસાઈઝ કરું જ છું જેથી મને પૈસા જ જોઈએ છે અને એ પણ તેનો સદુપયોગ થાય એ માટે.’’ •

આત્મનિર્ભરતા જોઈએ : ગૌરવ ત્રિવેદી
શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા 34 વર્ષીય બિઝનેસ ટ્રેનર અને કોચ એવા ગૌરવ ત્રિવેદી હસતાં હસતાં જણાવે છે કે, ‘‘ભગવાન ઊભો છે સાગર આપવા માટે અને તમે ઊભા છો લઈને ચમચી માંગવા માટે.’’ જો કે ગૌરવને જ્યારે એક જ વાક્યમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે એમણે સરળતાથી કહી દીધું કે ઈશ્વર પાસે ક્યારેય કશું માંગવું જ નહીં પડે એવું માંગું છું. ગૌરવ આગળ જણાવે છે કે, ‘‘મારે બિઝનેસ અર્થે ઘણા લોકોને મળવાનું થાય છે જેથી દરેક પ્રકારના અનુભવો થતાં રહે છે જેથી અત્યાર સુધી તો હું એટલું જરૂર શીખ્યો છું કે જો તમે આત્મનિર્ભર હશો તો પોતાના માટે તો ઠીક પણ બીજાનું પણ ભલું કરી શકશો’’ ને આ માટે અંતમાં એક પંક્તિ ટાંકીને ગૌરવ પોતાની વાત પૂરી કરે છે.
‘ઇતની શક્તિ દિજિયે કી આત્મનિર્ભર હોય,
ખુદ કા ભી મંગલ કરે, ઔરો કા ભી કલ્યાણ હોય.’ •

સારું આરોગ્ય હશે તો પૈસા તો કમાઈ લઇશ : ધર્મેન્દ્ર માટલીવાળા
છેલ્લાં 30 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા અને ભટાર વિસ્તારમાં રહેતા એડવોકેટ ધર્મેન્દ્ર માટલીવાળા પ્રથમ તો જણાવે છે કે, ‘‘હું વિચારતો હતો કે પૈસા મળી જાય તો બધું મળી જાય પણ કોરોનાકાળ દરમિયાન મારો આ ભ્રમ ભાંગી ગયો. જ્યારે કોરોનાએ આખી દુનિયાને બાનમાં લીધી હતી ત્યારે મને પણ વાયરલ તાવના કારણે થોડી ઘણી અસર થઈ હતી જે આજે પણ અનુભવાય છે. આ સમયગાળો એવો હતો જ્યારે લોકો જીવ બચાવવા માટે પોતાના સ્વજનોથી પણ દૂર રહ્યા હતા અને તેમ છતાં કેટલાંકે પોતાના અંગત ગુમાવી દીધા જેમાં કેટલાંક બાળકોએ તો પોતાનાં માતપિતા પણ ગુમાવ્યાં. જેથી હું હવે એવું વિચારું છું કે મને જો એવી કોઈ એક વસ્તુ માંગવાનું કહેવામાં આવે કે તમે ઈશ્વર પાસે કોઈ એક વસ્તુ માંગી શકો તો હું સારું આરોગ્ય જ માંગીશ કારણ કે આરોગ્ય સારું હશે તો પૈસા તો કમાઈ લઇશ અને મને હવે જિંદગી સામે પૈસાનો કોઈ મોહ રહ્યો નથી.’’ •

માણસની ઇચ્છાઓનો ક્યારેય અંત નથી થતો. આજે આપણને એવું થાય કે આ વસ્તુ કે વ્યક્તિ મળી જાય તો પછી મારે બીજું કશું નહીં જોઈએ. પણ થોડા સમયમાં એ વસ્તુ કે વ્યક્તિ કરતાં કંઈક બીજું જ ગમવા લાગે છે. થોડાં વર્ષો અગાઉ જ તમે એવું વિચારતા હશો કે મને એક મોબાઈલ ફોન મળી જાય તો કેવું સારું. જ્યારે આજે તમારી પાસે આવો ફોન હોય તો તમે વધુ સારા ફોનની આશા રાખશો. આવી જ રીતે કપડાં, ઘરેણાં, કાર કે કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે. જો કે આમાં કેટલાક લોકો અપવાદ પણ હોઈ શકે છે. આ ઇચ્છાઓમાં કેટલાક લોકો પોતાના માટે માંગણી કરે છે તો વળી કેટલાક અન્યના ભલા માટે પણ કોઈ ચીજ કે પૈસાની માંગણી કરતાં હોય છે. ત્યારે આજના સમયમાં લોકોની માંગણીઓ જોતાં એટલું તો કહેવું જ પડે કે સમય ભલે બદલાયો છે અને લોકો પણ સ્વાર્થી બન્યા છે પરંતુ તેમ છતાં કેટલાક લોકો એવા પણ છે જેઓ સ્વાર્થીપણું છોડીને લોકો માટે ઈશ્વર પાસે વરદાન માંગી રહ્યા છે જે એ વાત સાબિત કરી આપે છે કે આજે પણ માનવતા મરી પરવારી નથી. દરેક વ્યક્તિને તેમની જરૂરત અને નસીબ મુજબનું મળતું જ રહે છે પણ સમયાંતરે લોકોની ઈચ્છાઓ બદલાતી રહે છે.

Most Popular

To Top