SURAT

ચરસ સાથે ઝડપાયેલી 20 વર્ષની યુવતીએ એવો જવાબ આપ્યો જે સાંભળી સુરત પોલીસ ચોંકી ગઈ

સુરત: સુરત (Surat) શહેર પોલીસ કમિશનર નો ડ્રગ્સ ઈન સિટીની (No Drugs In City) ઝૂંબેશ ચલાવી રહ્યાં છે બીજી તરફ નશાનો ધંધો કરનારા રોજ અવનવા કિમીયા અજમાવીને સુરતમાં નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયાસ કરતા રહે છે. આવો જ એક પ્રયાસ સુરત પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે સોમવારે રાત્રે રેલવે સ્ટેશન પરથી 79,240 ગ્રામ ચરસ સાથે એક યુવક અને એક યુવતીને પકડ્યા છે. બંને જણા પોતાના અંગત ઉપયોગ માટે હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કુલુથી ચરસ (Charas) લાવ્યા હતા.

  • અડાજણના યુવક અને યુવતી અંગત ઉપયોગ માટે હિમાચલ પ્રદેશના કુલુથી ચરસ ખરીદી લાવ્યા, રેલવે સ્ટેશન પર જ ઝડપાઈ ગયા

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે રાત્રે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવવામાં આવી હતી. લગભગ 8.30 કલાકે ચંદીગઢથી ગોવા તરફ જતી સંપર્ક ક્રાંતિ ટ્રેન આવી હતી. ટ્રેનમાંથી સુરત સ્ટેશને ઉતરેલા મુસાફરો પાર્કિંગ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે ક્રાઈમ બ્રાન્ચને બાતમી અનુસારની કદ કાઠી ધરાવતા યુવક અને યુવતી નજરે ચઢ્યા હતા. તેથી પોલીસે બંને જણાની અટકાયત કરી હતી. ત્યાર બાદ નજીકની ટ્રાફિક ચોકીમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. યુવક અને યુવતી પાસે બે બેગ હતી જેમાં કપડાંની વચ્ચે પ્લાસ્ટીકની બે પારદર્શક ઝીપ બેગમાંથી કુલ 79,240 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો.

યુવકનું નામ શ્રેયાંસ રાકેશ ગાંધી (ઉં.વ. 23, રહે હનીપાર્ક સોસાયટી, હનીપાર્ક રોડ, અડાજણ, સુરત) જ્યારે યુવતીનું નામ પ્રીતિ જીતેન્દ્ર પટેલ (ઉં.વ. 20, શિવમ સોસાયટી, પ્રાઈમ આર્કેડ પાસે, અડાજણ સુરત) હતું. ક્રાઈમ બ્રાન્ચે બંનેની અટકાયત કરી તેમની પાસેથી કુલ રૂપિયા 11, 886ની કિંમતનું ચરસ ઉપરાંત 45 હજારની મત્તાના બે મોબાઈલ ફોન, રોકડા 1080 મળી કુલ 59,996નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અંગત ઉપયોગ માટે ચરસ લાવ્યા હોવાની કબૂલાત
યુવક અને યુવતીએ પોતાના અંગત ઉપયોગ માટે ચરસ લાવી રહ્યાં હોવાની કબૂલાત કરી છે. તેઓએ હિમાચલ પ્રદેશના કુલુમાંથી બ્રિજ નજીક કેફેની દુકાનવાળા નેપાળી જેવા દેખાતા એક ચાચા પાસેથી ચરસ ખરીદયું હતું. ક્રાઈમ બ્રાન્ચે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top