Sanidhya

મારી પત્ની મને સેક્સમાં સપોર્ટ આપતી નથી, શું તે કોઈ બીજા સાથે…

શીઘ્ર સ્ખલનની તકલીફના કારણે સ્ત્રીને ચરમસીમાનો અનુભવ મળતો નથી
સમસ્યા: 
મારી ઉંમર 36 વર્ષની અને પત્નીની 32 વર્ષની છે. લગ્નને 9 વર્ષ થયેલ છે. અમારે બે સંતાનો છે. હું નોકરિયાત માણસ છું. મારી પત્ની મને સેક્સમાં સપોર્ટ આપતી નથી. પહેલાં આવું ન હતું. મારે શું કરવું? મારું લગ્ન જીવન ડામાડોળ છે અને મને લાગે છે પત્ની આ અસંતોષના કારણે બીજા પુરુષ જોડે પણ સંબંધ બાંધી શકે છે.

ઉકેલ: એક વાત નિશ્ચિત છે કે જો સ્ત્રી પુરુષને જાતીય જીવનમાં સાથ ન આપતી હોય તો તેનું કોઇક કારણ અચૂક હોવું જોઇએ. અમુક વખતે બે બાળકો પાછળ સમય આપતા સાંજે તે એકદમ થાકી જતી હોય તેમ પણ બને. આ થાકને કારણે પણ સ્ત્રીને સેકસમાંથી ઇચ્છા ઓછી થઇ શકે છે. કેટલીક સ્ત્રીઓને ભારતીય સામાજિક ઢાંચાને કારણે સેક્સની બાબતોમાં રસ ઓછો થઇ જાય છે. ઘણી વાર અતિ ચુસ્ત ધાર્મિક વાતાવરણને કારણે સ્ત્રીઓ સેક્સની બાબતમાં કાયમી નીરસ બની જઇ શકે છે. તો ઘણા કિસ્સાઓમાં પતિ પણ જવાબદાર હોઇ શકે છે. કેટલીક વાર ફોરપ્લેનો અભાવ, શીઘ્ર સ્ખલનની તકલીફના કારણે સ્ત્રીને ચરમસીમાનો અનુભવ મળતો નથી. તેથી પણ સ્ત્રીને જાતીયજીવન કંટાળાજનક લાગે છે. તો વળી કેટલાક પતિઓને તમાકુ, સિગારેટ, બીડી, દારૂનું વ્યસન હોય છે અને જ્યારે તે પત્ની પાસે જાય છે ત્યારે આ વ્યસનોની બદબૂના કારણે પણ પત્નીની ઉત્તેજના શમી-ઓછી થઇ શકે છે.

જે સ્ત્રીને મૂળભૂત રીતે, સ્વભાવગત રસ હોય પણ જીવનના કોઇ એક તબક્કે એને સેક્સમાંથી રસ ઊડી જાય તો એનાં કારણોમાં ડિપ્રેશન, શારીરિક બીમારી, પતિ-પત્નીના કથળેલા સંબંધો વગેરેમાંથી કોઇક હોઇ શકે છે. આપની પત્નીના અસહકારનું કારણ શોધવું જોઇએ. જેમ સ્ત્રીની ઇચ્છા મરી જાય છે તેમ યોગ્ય વાતાવરણ સર્જાતા ઇચ્છા ફરીથી પ્રગટી પણ શકે છે. લગ્નજીવન હંમેશાં વિશ્વાસ ઉપર ટકેલું હોય છે. ઘણી બધી વાર આવો અવિશ્વાસ લગ્નજીવનના પાયાને ડગમાગવી મૂકતો હોય છે.

ઇન્દ્રિયનો રંગ બાકીના શરીર કરતાં કાળો છે
સમસ્યા: 
મારી ઉંમર 19 વર્ષની છે. મને સેક્સનો અનુભવ નથી. મારી ઇન્દ્રિયનો રંગ બાકીના શરીર કરતાં કાળો છે. તો શું આ કોઇ બીમારી હશે? ભવિષ્યમાં તકલીફ તો નહીં થાય ને?

ઉકેલ: જાતીય સુખ, આનંદ, કુશળતા વગેરે ઇન્દ્રિયના રંગ અને સાઇઝ ઉપર આધાર નથી રાખતા. કેટલાક લોકોની ઇન્દ્રિય બાકીના શરીર કરતાં સહેજ વધુ ડાર્ક હોય છે, એનાથી જાતીય જીવનમાં વિપરીત અસર થતી નથી. આ બાબતમાં આપ નિશ્ચિંત રહી શકો છો.

ગર્ભનિરોધક ગોળીથી  માસિક પણ નિયમિત થતું હોય છે.
સમસ્યા:
મારે એ જાણવું છે કે ડૉક્ટર Copper Tની સલાહ એક બાળક થઇ ગયા પછી જ કેમ આપે છે? શું Copper T મુકાવ્યા પછી ગર્ભ રહેવાની શક્યતા ઘટી જાય છે? કેટલા ટકા શક્યતા ઘટતી હોય છે?

ઉકેલ: સામાન્ય રીતે જે સ્ત્રીને એક પણ બાળક ના થયેલ હોય તેવી સ્ત્રીઓમાં ગર્ભાશયનું મુખ ટાઇટ હોય છે. જેથી Copper T મૂકતી વખતે સ્ત્રીને દુખાવો થવાની શકયતા વધુ રહેતી હોય છે. આવી સ્ત્રીઓમાં ગર્ભાશયનો સોજો પણ આવી શકતો હોય છે. જેનાથી ભવિષ્યમાં બાળક રહેવામાં મુશ્કેલી થઇ શકે છે. જ્યારે એક બાળકને જન્મ આપી ચૂકેલ સ્ત્રીઓમાં આમ બનતું નથી. તેથી ડૉક્ટર હંમેશાં માતા બની ચૂકેલ સ્ત્રીઓમાં જ Copper Tની સલાહ આપે છે. જે સ્ત્રીઓને ક્યારેય બાળક રહેલ નથી હોતું તેમના માટે ગર્ભનિરોધક ગોળી એ ઉતમ કોન્ટ્રાસેપ્ટીવ છે. આ ગોળીઓથી ગર્ભ રહેતો તો અટકે છે સાથે સાથે માસિક પણ નિયમિત થતું હોય છે. માતા બની ચૂકેલ સ્ત્રીઓમાં Copper T કાઢી લેવામાં આવે તો બીજા જ મહિનાથી તે ફરીથી માતા બની શકે છે. આવી સ્ત્રીઓમાં સામાન્ય સંજોગોમાં Copper T કાઢ્યા પછી બાળક રહેવાની શક્તતામાં કોઇ જ ઘટાડો થતો  નથી.

લગ્ન ટકી રહે માટે શું કરવું જોઇએ?
સમસ્યા:
મારી ઉંમર 26 વર્ષની છે. હું પોતે ડૉક્ટર છું અને મેં MBBS કરેલ છે. મારા માતા-પિતાની પસંદના જ છોકરા જોડે લગ્ન કરવાનું મેં નક્કી કરેલ છે કારણ કે આજકાલ ડિવોર્સના કેસ વધી રહ્યા છે. મારે જાણવું છે કે લગ્ન ટકી રહે માટે શું કરવું જોઇએ?

ઉકેલ: લગ્નજીવન કુંડળીના મેળથી સફળ થતા નથી. સુખી લગ્ન આપમેળે બનતાં નથી, બનાવવા પડે છે. એનો દાખલો એક ઉત્તમ ગાર્ડન જેવો છે. સુંદર છોડને નિયમિત ખાતર નાખી અને સિંચન કરવું પડે છે. સુખી લગ્નની એક માત્ર ચાવી છે ‘કોમ્પ્રોમાઇઝ’ એટલે એકબીજાને અનુરૂપ થવું. કોઇ પણ વ્યક્તિ 100% હોતી નથી. લગ્ન એટલે આ ખૂટતો ભાગ પૂરવાનો છે. આમાં વ્યક્તિની સહનશીલતા મહત્ત્વનો ભાગ ભજવે છે. સફળ લગ્નજીવન માટે ‘તારો’ અને ‘મારો’ ભાવ ત્યજીને ‘આપણો’ ભાવ લાવવો જોઇએ.

મારો છાતીનો ભાગ ફૂલેલ છે
સમસ્યા:
મારી તકલીફ ખૂબ જ વિચિત્ર છે. હું  27 વર્ષનો યુવાન છું.  ભગવાને મને સરસ હાઇટ, બોડી આપેલ છે. ઇન્દ્રિય પણ પૂરતી લંબાઇ અને જાડાઇ ધરાવતી છે. ઉત્તેજના પણ પૂર્ણ આવે છે પરંતુ મારો છાતીનો ભાગ ફૂલેલ છે. તે સ્ત્રીના સ્તન જેવો લાગે છે. ઘણી વાર મારી સ્ત્રી મિત્ર પણ આની મજાક કરે છે. મને તેનાથી લઘુતાગ્રિંથિ થાય છે. મારે આમાંથી છૂટકારો મેળવવો છે તો રસ્તો બતાવશો.

ઉકેલ: તમારી આ તકલીફને મેડિકલ ભાષામાં ગાયનેકોમેસ્ટિયા કહેવામાં આવે છે. જેમાં પુરુષનો છાતીનો ભાગ સ્ત્રીના સ્તન જેવો હોય છે. જે મોટા ભાગના કિસ્સાઓમાં બિન નુકસાનકારક હોય છે. જો આપને ઇન્દ્રિયમાં ઉત્થાન બરાબર આવતું હોય, તેનો વિકાસ પૂર્ણ થયેલ હોય, જાતીય ઇચ્છાઓ થતી હોય, પૂરતા પ્રમાણમાં દાઢી-મૂંછ આવતા હોય તો ચિંતા કરવા જેવું નથી. માત્ર દેખાવ માટે આપ આનો ઇલાજ કરાવી શકો છો. મેં ઘણા આ તકલીફને કારણે લઘુતાગ્રંથિ અનુભવતા પુરુષો જોયલ છે. તેઓ હેલ્થ કલબમાં મિત્રોની વચ્ચે શર્ટ બદલી શકતા નથી. સ્વીમિંગ કરવામાં તેમને શરમ અનુભવાતી હોય છે. આનો ઇલાજ એક જ છે. કિહોલ ઓપરેશન. નવી ટેક્નિકથી કરાતા આ ઓપરેશન બાદ શરીરમાં કોઇ કાપો કે ટાંકા દેખાતા નથી અને છાતી બિલકુલ સભાર નોર્મલ પુરુષોની જેમ માત્ર એકાદ કલાકમાં જ થઇ જતી હોય છે. જો તમને આના કારણે તકલીફ કે શરમ આવતી હોય તો આપે આ સારવાર કરાવવી જોઇએ. ઓપરેશન દ્વારા નીકળેલ ચરબીને હંમેશાં બાયોપ્સી માટે મોકલવી જોઇએ.

એઇડ્સ કોઈપણ વ્યક્તિને થઈ શકે છે
સમસ્યા:
મારે પરિણીત સ્ત્રી જોડે લગ્નેતર સંબંધ છે. હું મુખમૈથુન કરું તો જ તેને આનંદ આવે છે અને આ પછી જ અમે સમાગમ કરીએ છીએ. શું આ મુખમૈથુનથી એઇડ્સ થઇ શકે છે?

ઉકેલ: HIV એઇડ્સ તમને, મને કે દેશના વડા પ્રધાનને પણ થઇ શકે છે. કહેવાનો મતલબ એ કે આ બીમારી કોઇ પણ વ્યક્તિને, ઉંમર હોદ્દાવાળીને થઇ શકે છે. કોઇના ચહેરા ઉપર આના નિશાન લખેલ હોતા નથી. આપનો આ લગ્નેતર સંબંધ આગ સાથે રમત કરવા જેવો છે. જે તમને અને સ્ત્રીમિત્ર, બન્નેને કોઇક વાર સમાજમાં મુશ્કેલીમાં મૂકી શકે છે. સામાન્ય રીતે એઇડ્સ મુખમૈથુનથી ફેલાતો નથી પરંતુ ચેપી વ્યક્તિના યોનિમાર્ગમાં કે આપના મુખમાં કાપા પડેલ હોય કે તે વખતે દાંત વાગે તો HIV/એઇડ્સ થવાની શક્યતા નકારી શકાય નહીં માટે જો શક્ય હોય તો લગ્નેતર સંબધ બંધ કરો અને લગ્ન કરી સ્થાયી થઇ જાવ અને જો આમ શક્ય ના હોય તો હંમેશાં નિરોધનો પ્રયોગ કરવાનું રાખો. પછી ભલે ને તે પાત્રને માત્ર તમારી જોડે જ કેમ સંબંધ ના હોય અથવા જાણીતું કેમ ના હોય?

મારા પતિને ભરાવદાર સ્તન ખૂબ જ ગમે છે
સમસ્યા:
મારી ઉંમર હાલમાં 27 વર્ષની છે. મારે 3 વર્ષનો બાબો છે. મારો પ્રશ્ન એ છે કે મારા સ્તન ખૂબ નાના છે. ડિલિવરી પછી સ્તન ભરાવદાર અને સુડોળ લાગતા હતા પરંતુ દીકરાએ ધાવણ છોડ્યું પછી સ્તન ઢીલા, સંકોચાયેલા અને નાના લાગે છે. મારા પતિને ભરાવદાર સ્તન ખૂબ જ ગમે છે. પરંતુ હું શું કરું? ફીગર સરસ હોય તો કોઇ પણ કપડાં આપણે પહેરીએ તો સૂટ થઇ જાય. બજારમાં કેટલાક ક્રીમ સ્તન સુડોળ કરવાના આવે છે. તેઓ કહે છે કે આયુર્વેદિક છે પરંતુ મને ડર છે કે એ લગાવવાથી ભવિષ્યમાં મને કેન્સર તો નહીં થાય ને? માટે તમે મને એનો યોગ્ય ઉપાય બતાવો. ડોક્ટર સાહેબ આ બધી વાત કરવી શરમદાયક છે પણ પ્રશ્ન મારા માટે ગંભીર છે.

ઉકેલ: સગર્ભાવસ્થા અને સ્તનપાન વખતે શરીરમાં હોર્મોન્સના ફેરફાર થાય છે. આ વખતે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના બે હોર્મોન્સનું પ્રમાણ સ્ત્રીના શરીરમાં વધી જતું હોય છે. જેના કારણે સ્તનની અંદર આવેલ કોષોની સંખ્યા વધતી હોય છે અને સાથે સાથે તેઓ કદમાં મોટા પણ થતા હોય છે. જેથી આ સમયે સ્તન મોટા અને ભરાવદાર લાગતા હોય છે પરંતુ  સ્તનપાન બંધ થતાં આ હોર્મોન્સનું પ્રમાણ ધીરે-ધીરે ઓછું થઇને સંતુલિત થઇ જાય છે. જેથી સ્તનની અંદર આવેલ કોષોની સંખ્યા અને કદ ઘટે છે અને સ્ત્રીને સ્તન ઢીલા અને નાના લાગવા માંડે છે. આ ઘટના દરેક સ્ત્રી સાથે થતી હોય છે. આ માટે સ્ત્રીએ સગર્ભાવસ્થાની શરૂઆતથી જ ધ્યાન આપવું જોઇએ. જેમ કે યોગ્ય સાઇઝ અને ફિટીંગવાળી જ બ્રાનો ઉપયોગ કરવો, નિષ્ણાત ડોક્ટર પાસેથી પ્રસવ સારી રીતે થાય અને પ્રસવ બાદની કસરતોનું જ્ઞાન મેળવી અમલમાં મૂકવું. હજી પણ આપના કિસ્સામાં મોડું થયેલ નથી. નિષ્ણાત ડૉક્ટર પાસેથી આ કસરતોનું જ્ઞાન મેળવી શરૂઆત કરી દો. જેથી સ્તનના સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા પાછી મેળવી શકશો અને ઢીલાપણાનો અહેસાસ થશે નહીં.

સ્તનના આકાર અને સાઇઝને લીઘે જો આપને લઘુતાગ્રંથિ અનુભવાતી હોય તો જાહેર જીવન પૂરતો પેડેડ બ્રાનો ઉપયોગ કરી શકો છો. વધુ પડતી ચિંતા કરશો નહીં. ચિંતાને કારણે વજનમાં ઘટાડો થશે જેથી સ્તન તમને વધુ નાના લાગશે. યોગ્ય પૌષ્ટિક ખોરાક લો. ક્રીમ કે તેલના માલિશથી સ્તનના કદમાં કોઇ ફાયદો થતો નથી. આપ કોઇ પણ ક્રીમ, તેલ કે પાવડર વડે માલિશ કરશો તો પણ કદાચ સમય પૂરતો સ્તનનો વિકાસ થયેલ લાગશે કારણ કે માલિશ કરવાથી એ ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને લોહીનો ભરાવો થાય છે. જેથી માલિશ વખતે અને તેની બાદના થોડા સમય સુધી કદાચ એમ લાગે કે આમ કરવાથી ફાયદો થયેલ છે.  યોગ્ય કસરતો અને પૌષ્ટિક આહાર મદદરૂપ થઇ શકે છે પરંતુ કાયમી રાહત માટે માત્ર ઓપરેશન મદદરૂપ થઇ શકે છે. વિજ્ઞાનની પ્રગતિના લીધે આજના સમયના ઓપરેશન ખૂબ આસાન થઇ ગયેલ છે. સાથે સાથે સ્તન પાછા ભરાવદાર કરવા આપે ઓપરેશન કરાવેલ છે તેની ખબર પણ કોઇને પડતી નથી અને ઓપરેશનની કોઇ જ આડઅસર નથી.

Most Popular

To Top