Vadodara

વાસણા-ભાયલી રોડ પર વરસાદી કાંસમાં પડી જતાં આધેડનું મોત

વડોદરા : વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર વરસાદી કાંસમાં એક વ્યક્તિ ડૂબી જતા  મોત થયું છે. સ્થાનિકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ દ્વારા આ આધેડને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવાનો  પ્રયાસ કરાયો હતો. જોકે, તેને બહાર કાઢતા તેનું મોત નીપજ્યું હતું. આમ પાલિકાના પ્રિ-મોન્સુનની કામગીરી પોકળ સાબિત થઈ હોય તેવું લાગે છે.

વડોદરાના વાસણા ભાયલી રોડ પર ગઇકાલે સાંજે એક વ્યક્તિ ખુલ્લી વરસાદી કાંસમાં પડ્યો હતો. જેને લઈને વિસ્તારનાં અચાનક કૂતરા ભસવા લાગ્યા હતા અને તેના કારણે આસપાસની સોસાયટીના લોકો કાંસ તરફ જોતા  કે, કૂતરા કેમ ભસે છે. તો વરસાદી કાંસમાં જોતા આશરે 50 વર્ષની આસપાસનો એક આધેડ વ્યક્તિ કાંસમાં પડ્યો હતો અને તે પોતે બહાર નીકળવાનો ખુબ પ્રયાસ કર્યો હતો. જોકે, તે કાંસમાં ડૂબતો ગયો હતો. ત્યાં લોક ટોળા જમ્યા હતા. કાંસમાં ડૂબતા વ્યક્તિનો વીડિયોમાં સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યો હતો. જેમાં તે બહાર નીકળવાનો બહુજ પ્રયાસ કરતો હોય તેવું દેખાતું હતું . પરંતુ તે પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું.

સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરતા ફાયરબ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને કાંસમાં ડૂબેલા વ્યક્તિને બહાર કાઢીને  તેને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનો પ્રયાસ કર્યો હતો.  તેમજ 108 એમ્બ્યુલન્સને પણ  કોલ કરી બોલાવી લેવામાં આવી હતી. એમ્બ્યુલન્સમાં તેને ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે  સયાજી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.  જોકે, વરસાદી કાંસમાં આ વ્યક્તિ કેવી રીતે પડ્યો તે જાણી શકાયું નથી. પરંતુ, આ વ્યક્તિ નશાની હાલતમાં કાંસમાં પડ્યો હોવાની શંકા છે. કાંસમાં ડૂબીને મોતને ભેટેલા વ્યક્તિને મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે અને તેના વાલીવારસોની શોધ હાથ ધરાઇ છે.

Most Popular

To Top