Editorial

પીએફઆઈ પર માત્ર પ્રતિબંધ પૂરતો નથી, સરકાર વધુ કડક થાય તે જરૂરી

આખરે કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મુકી જ દીધો. કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુકતા હવે પીએફઆઈ દ્વારા દેશમાં કોઈજ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકાશે નહીં. જેમાં કોઈ કાર્યક્રમથી માંડીને ના તો કોઈને સભ્ય બનાવી શકશે કે પછી ઓફિસ ચલાવી શકશે. લોકો પાસેથી તે ભંડોળ પણ લઈ શકશે નહીં. જ્યારે પીએફઆઈ પર દેશભરમાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે જ એ નક્કી થઈ ગયું હતું કે પીએફઆઈ પર હવે પ્રતિબંધ મુકી દેવામાં આવશે. મંગળવારે પીએફઆઈ પર દેશના 8 રાજ્યોમાં 25 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં 170થી વધુની અટકાયત પણ કરવામાં આવી.

સાથે સાથે પીએફઆઈ ઉપરાંત ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ સહિત 8 સંગઠનો પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુકવાની સાથે એ કારણો આપ્યા છે કે આ સંસ્થા દ્વારા યુવા, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ઈમામો, વકીલો તેમજ સમાજના નબળા વર્ગો વચ્ચે પોતાની પહોંચને વધારવા માટે સંગઠનની રચના કરવામાં આવી હતી. જેમાં સભ્યો બનાવવાની સાથે ભંડોળ પણ એકત્ર કરવાનું હતું પરંતુ અંદરખાને આ સંસ્થા દ્વારા સમાજના ચોક્કસ વર્ગને કટ્ટરપંથી બનાવવામાં આવતો હતો. જેને કારણે દેશમાં માહોલ બગડતો હતો.

પીએફઆઈના સંબંધો આઈએસઆઈએસ સાથે પણ હતા. જ્યારે પીએફઆઈના નેતાઓ અગાઉ સિમી સાથે સંકળાયા હતા તેમજ સાથે સાથે તેમના તાર જમાત ઉલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતા. આ બંને સંસ્થા પર અગાઉથી જ પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. જેને કારણે આ નવી સંસ્થા ઉભી કરવામાં આવી હતી. પીએફઆઈ દ્વારા ચોક્કસ વર્ગને દેશમાં અસુરક્ષિતતા બતાવવામાં આવતી હતી અને તેમના દ્વારા કટ્ટરવાદને વધારવામાં આવી રહ્યો હતો. પીએફઆઈ સામે જે આક્ષેપો છે તે પ્રમાણે તેણે કેટલાકની કરપીણ હત્યાઓ પણ કરી છે. એક પ્રોફેસરનો હાથ કાપી નાખ્યો હતો. જ્યારે અન્ય ધર્મના લોકોની હત્યા તેમજ અગ્રણી લોકોને નિશાન બનાવવાનું પણ સામેલ છે.

પીએફઆઈ સામે જે આક્ષેપો મુકવામાં આવ્યા છે તે પ્રમાણે આ સંગઠનની પ્રવૃત્તિ દેશને તોડવાની હતી. કેન્દ્ર સરકારે તેની પર પ્રતિબંધ મુકી દીધો છે પરંતુ તેનાથી આ સમસ્યા હલ થવાની નથી. કારણ કે આ જ સંસ્થાના લોકો અગાઉ સિમી સાથે સંકળાયેલા હતા. જો આ સંગઠન પર પ્રતિબંધ મુકાશે તો તેમના દ્વારા નવું સંગઠન ઉભું કરવામાં આવશે અને પોતાની પ્રવૃત્તિઓ ચાલુ જ રાખવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ સંગઠન પર પ્રતિબંધ તો મુક્યા પરંતુ સાથે સાથે આ સંગઠનને ચલાવનારા કોણ છે? તેઓ ક્યાંથી કેવી રીતે ભંડોળ મેળવે છે? દેશમાં તેમના મદદગાર કોણ છે?થી માંડીને આ સંગઠન ક્યાં અને કેવી રીતે કટ્ટરવાદ ઊભો કરી રહ્યું છે તેની તમામ વિગતો મેળવવી પડશે. કેન્દ્ર સરકારે આશરે 170 જેટલા લોકોને અટકાયતમાં તો લીધા પરંતુ જે રીતે આ સંગઠન દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી તે જોતાં આ સંગઠનનો વ્યાપ ઘણો મોટો હોવાની સંભાવના છે. આ સંગઠન દ્વારા ચોક્કસ વર્ગના લોકો પર અત્યાચાર થઈ રહ્યો હોવાની બુમરાણો મચાવીને કટ્ટરવાદને ફેલાવવામાં આવી રહ્યો હતો. અગાઉ સિમીના આશરે 100થી વધુ કાર્યકરો સુરતમાં પકડાયા હતા. ત્યારે સિમીની કાર્યપદ્ધતિનો ખુલાસો થયો હતો. સિમીનું સંમેલન પકડાયા બાદ કેવી રીતે યુવાનોને કટ્ટરવાદમાં ધકેલવામાં આવતાં હતાં અને કેવી રીતે તેમને આતંકવાદની તાલીમ આપવામાં આવતી હતી તેનો પર્દાફાશ થયો જ હતો.

કેન્દ્ર સરકારે હવે કોઈપણ રીતે આ સંગઠન સામે ઢીલું મુકવું જોઈએ નહીં. જો આક્ષેપો પ્રમાણેની તેની પ્રવૃત્તિ હોય તો કેન્દ્ર સરકારે આ મામલે વધુ ગંભીરતા બતાવીને ભવિષ્યમાં અન્ય કોઈપણ આવા સંગઠનો બનાવીને દેશવિરોધી પ્રવૃત્તિ કરી શકે નહીં તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. ભારતના બે-બે પડોશી દેશ દુશ્મન છે. ગમે ત્યારે ભારતને તોડી પાડવા માટે આ બંને દુશ્મન પાકિસ્તાન અને ચીન દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં સરકારને સ્હેજેય ગાફેલ રહેવું પોસાય તેમ નથી. જો સરકાર આ મુદ્દે રાજકીય લાભ કરતાં પણ દેશને જોશે તો ભવિષ્યમાં આવા સંગઠનોને કાબુમાં કરી શકાશે તે નક્કી છે.

Most Popular

To Top