Entertainment

પાન નલીને પહેલી જ વાર ગુજરાતી ફિલ્મ બનાવી અને પહોંચી ગઇ ઓસ્કારમાં

ગુજરાતી ફિલ્મોદ્યોગ માટે આ ગૌરવનો સમય છે કે નહીં તે ખબર નથી પણ ગુજરાતી ફિલ્મ માટે આ ગૌરવનો સમય જરૂર છે. પાન નલીન આમ તો ગુજરાતી ફિલ્મ બનાવતા નથી પણ ‘છેલ્લો શો’ બનાવી અને ઓસ્કાર સુધી પહોંચી ગઇ છે. આમ બનવાનું મોટું કારણ એ છે કે તેઓ વર્ષોથી અંગ્રેજીમાં જ ફિલ્મો બનાવે છે અને તેમની ફિલ્મોનો પ્રેક્ષક ગુજરાત નહીં. ભારત નહીં અમેરિકા, યુરોપના પ્રેક્ષકો હોય છે. વધુ સ્પષ્ટ કહેવું હોય તો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવના પ્રેક્ષકો હોય છે. જો આ પ્રકારે દૃષ્ટિ કેળવાયેલી હોય તો આપોઆપ તેઓ ગુજરાતીમાં બનાવે તે ફિલ્મ પણ એવા આંતરરાષ્ટ્રીય સ્તરને ધ્યાનમાં રાખી જ બનાવે. ભારતના અન્ય રાજયોના ફિલ્મ મેકરોને વિવાદના કારણો જરૂર મળ્યા છે.

ઓસ્કાર માટેની કમિટી પોતાની રીતે ફિલ્મો પસંદ કરતી હોય છે. વિવાદ એવો પણ છે કે ઇટાલીની ‘સિનેમા પેરાડિસો’ની કોપી કરવામાં આવી છે. 14 ઓકટોબરે ફિલ્મ રજૂ થશે પછી નક્કી કરજો કે તે ઓરીજિનલ છે કે નહીં. પાન નલીન કોપી કરે એવું લાગતું નથી. નલીનકુમાર રમણીકલાલ પંડયા કે જે પાન નલીન તરીકે ઓળખાય છે તે અમરેલી જિલ્લાના અડતાળા ગામના છે અને વડાપ્રધાન મોદીએ રેલવે સ્ટેશને ચા વેચી હતી કે નહીં તે તો ખબર નથી પણ નલીનકુમાર પંડયાએ ખિજડીયા જંકશન પર જરૂર ચ્હા વેચી છે. પણ તેમને ફિલ્મો માટેનું ઘેલું હતું એટલે યુવાન થતાની સાથે ઘરગામ છોડી દીધેલું.

વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાં એક વર્ષ ફાઇન આર્ટસ ભણ્યા પછી અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનમાં ભણ્યા. એ વખતે ભણવા માટે પૈસા નહીં એટલે લગ્નના વિડીયો બનાવતા. તેમણે પહેલો ફિલ્મનો કેમેરા પણ ગુજરી બજારમાંથી જ ખરીદેલો. અમદાવાદનું ભણવાનું પૂરું થયું પછી બે વર્ષ સુધી આખા ભારતમાં રઝળ્યા-સમજો કે કાંઇક ગાંધીજી જેવું. સિનેમા સર્જનની ધૂન એવી હતી કે મુંબઇ ભેગા થયા વિના રહેવાયું નહીં અને ત્યાં દુર્ગા ખોટે પ્રોડકશન્સમાં કામ મળ્યું અને તેઓ કમર્શીઅલ અને કોર્પોરેટ ફિલ્મના દિગ્દર્શન કરવા માંડયા. દુર્ગા ખોટેના નિર્માણ હેઠળ જ ગુજરાતી કુદન શાળના દિગ્દર્શનમાં ‘વાગલે કી દૂનિયા’ દૂરદર્શન માટે આ સિરીયલ વિચારનાર પાન નલીન હતા.

હવે તેમનામાં વધુ ઉંચા આકાશે ઉડવાનો આત્મવિશ્વાસ આવ્યો અને એક વર્ષ માટે અમેરિકા અને 6 મહિના માટે યુકે ચાલી ગયા. ભારત પાછા વળી તેમણે ફિલ્મની પટકથા લખવા માંડી અને દસ્તાવેજી ફિલ્મો ય બનાવી. આ દસ્તાવેજી ફિલ્મો ડિસ્કવરી, કેનાલ પ્લસ, બી.બી.સી. સહિતના આંતરરાષ્ટ્રીય ટી.વી. નેટવર્ક પર દર્શાવવામાં આવી. તેમણે શાહરૂખ ખાન અને શ્રીદેવી પર પણ બે દસ્તાવેજી ફિલ્મો બનાવી. જોતજોતામાં તેઓ મોટી ફિલ્મોના સહનિર્માતા બની ગયા અને પોતાની મોનસૂન ફિલ્મ્સ નામે કંપની શરૂ કરી. પેરિસમાં જયારે તેમની દેવદાસી પરની દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી તો ભારે પ્રશંસા મળી અને પછી ‘ખજૂરાહો’ નામની લઘુ ફિલ્મ બનાવી. પણ તેઓ વધારે ચર્ચામાં આવ્યા તે જર્મની સાથે બનાવેલી ‘સમસારા’ ફિલ્મથી.

આ ફિલ્મમાં 14 દેશના કળાકારોએ કામ કર્યું. આ ફિલ્મનો વર્લ્ડ પ્રિમીયર ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયો અને જયુરી એવોર્ડ ઉપરાંત ઓડિયન્સ એવોર્ડ પણ મેળવ્યો. બસ, ત્યારથી તેઓ ગ્લોબલ લાઇમલાઇટમાં છે. તેમણે ત્યાર પછી ભારતીય ભાષામાં ફિલ્મ બનાવી જ ન હોય એવું નથી. ‘વેલી ઓફ ફલાવર્સ’ હિન્દી અને જાપાની ભાષામાં બનાવેલી અને લોસ એંજલસમાં યોજાયેલા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનું સન્માન મેળવેલું. તેમણે કુંભ મેળા પર પણ દસ્તાવેજી ફિલ્મ બનાવી છે અને એજ નહીં ‘એંગ્રી ઇન્ડિયન ગોડેસીસ’ને પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે.

એટલે ‘છેલ્લો શો’ ઓસ્કાર માટે પસંદ થવાના કારણમાં પાન નલીનની સિનેમા વિશેની આંતરરાષ્ટ્રીય ભાષા છે જે તેમણે આટલા વર્ષોમાં કેળવી છે. તેઓ વિશ્વના મહાન ફિલ્મ સર્જકો તાર્કોવસ્કી ફુરોસાવા કુબ્રક, સેર્ગીઓ લિઓનેની ફિલ્મોથી પ્રભાવીત છે. ‘છેલ્લો શો’ તેમણે આત્મકથનાત્મક વિગતો સાથે બનાવી છે. ગુજરાતના એક નાનકડા ગામનો છોકરો કેવી રેતી સપના જોતા જોતા એ સપનાને મળે છે તેની વાત છે. તેમણે આ સપના ગુજરાતના ગામમાં જોયેલા એટલે ગુજરાતીમાં જ ફિલ્મ બનાવી. આ ફિલ્મ ગુજરાતીના જાણીતા અભિનેતા-અભિનેત્રીને લઇને નથી બનાવવામાં આવી બલ્કે ભાવિન રબારી, વિકાસ બતા, રીચા મીના, ભાવેશ શ્રીમાળી, દીપેન રાવલ, રાહુલ કોળી તેના કળાકારો છે. એટલે ગુજરાતી ફિલ્મોદ્યોગવાળા આ ફિલ્મ માટે ગૌરવ લઇ કશે તેમ નથી. તેઓ જે ફિલ્મો બનાવે છે તેનાથી અલગ અને અજાણ રીતે પાન નલીને ફિલ્મ બનાવી છે. હા, તેણે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. બાકી ગુજરાતી ફિલ્મની ઓસ્કારમાં એન્ટ્રી?

Most Popular

To Top