Entertainment

અપૂર્વાને કોલજ રોમાન્સમાં મઝા પડી

અપૂર્વા અરોરા હકીકતે તો સ્મોલ સ્ક્રિન રોમાન્સ કરે છે અને સાથે સાથે જ ફિલ્મો માટે તૈયાર રહે છે. 2011માં તે ‘બબલ ગેમ’માં જેની તરીકે આવી હતી પછી ‘ઓ માય ગોડ’માં જિજ્ઞા નામનું ગુજરાતી પાત્ર પણ ભજવેલું. અપૂર્વા પોતાની સાથે પ્રયોગ કરવા તૈયાર રહે છે એટલે જ હજુ તેનું નામ મોટું થાય તે પહેલાં ત્રીસેક ફિલ્મ, ટી.વી. સિરીયલો, વેબ સિરીઝમાં આવી ચુકી છે. તે જાણે છે કે આપણને કોઇ મોટી ફિલ્મમાં તો લોન્ચ નથી કરવાનું તો કામ મળે તે કરતા રહેવાનું પણ આ કારણે જ તે ‘હોલીડે’માં પણ વિરાટની બહેન તરીકે આવેલી અને ‘માંજા’માં માયા બની હતી. તે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે પણ કયાંય તે થોભી જતી નથી. તે દિલ્હીની છે ને દિલ્હીવાળા કામ મેળવવા બાબત ઝનૂની હોય છે.

સ્મોલ સ્ક્રિનને તે ના નથી પાડતી અને ભુવન બામ સાથે ‘અજનબી’ મ્યુઝિક વિડીયોમાં પણ આવી છે. જો કે મ્યુઝિક વિડીયો માટે તે કયારેક જ તૈયાર થાય છે. તેને અભિનય દાખવવાનો હોય એવા કામ જ ગમે છે. એટલે જ બે વર્ષ પહેલાં તે ‘ફર્સ્ટસ્‌’માં અપૂર્વા તરીકે આવી પછી વેબ સિરીઝ માટે જાણે શુકન થયા. ‘બેઝમેન્ટ કંપની’માં સીમરન તરીકે આવી. પછી ‘બટરફલાઇઝ’માં પણ કામ કર્યું. ‘રોંગ નંબર’માં ખુશી તરીકે તેણે આઠ એપિસોડ કર્યા. ત્યારબાદ ‘ધ ગ્લિચ’માં આવી. આ પાંચે પાંચ સિરીઝ 2020ની છે. ‘21માં પણ કોલેજ રોમાન્સ’, ‘ફૂડ’, ખટ્ટામીઠા’ જેવી સિરીઝ ઉપરાંત એક મ્યુઝિક વિડીયોમાં કામ કર્યું. હવે તે ‘ડૂડ’ની બીજી સિઝન ઉપરાંત ‘કોલેજ રોમાન્સ’ની બીજી સીઝન સાથે તૈયાર છે.

હમણાં તેને ફિલ્મો માટે ફૂરસદ નથી મળતી. અત્યારે 26 વર્ષની અપૂર્વા મુંબઇની ઇન્ડસ્ટ્રીમાં સેટ થઇ ગઇ છે અને ‘કોલેજ રોમાન્સ’નું નાયરાનું પાત્ર તેને ખૂબ ગમે છે. તે કહે છે કે અત્યારે એક પછી એક પ્રોજેકટના કારણે બહુ બિઝી રહેવાય છે પણ સેટ પર જાઉં ત્યારે રિલેકસ થઇ જાઉં છું. જૂદા જૂદા પાત્ર ભજવવાના હોય ત્યારે મનને વિચારોથી ભરેલું ન રાખી શકાય. કોલેજ રોમાન્સમાં યુવાનીમાં બંધાતા અને તૂટતા સંબંધની વાત છે. કન્નડ, પંજાબી, ગુજરાતી, મરાઠી ફિલ્મોમાં કામ કરી ચકેલી અપૂર્વા દરેક નવા પાત્રે નવી રીતે ખીલવા માંગે છે.

તે કહે છે કે મારી જે કાંઇ ઓળખ છે તે મારા શોઝના કારણે જ છે. એક સમયે હું મને દિલ્હીની છોકરી માનતી હતી અને મુંબઇની છોકરી માનું છું. હું કયારેય પાછી પડવામાં માનતી નથી. હમણાં ‘મોટર માચીસ ઓર કટર’ ફિલ્મ માટે તૈયાર થઇ રહેલી અપૂર્વા કહે છે કે ટોપ સ્ટાર સાથે ફિલ્મો મેળવવા બાબતે હું લાલચી નથી કારણ કે હવે એવા ભેદ ઓછા થવા માંડયા છે. મૂળ વાત એ છે કે પોતે કામ કરતા રહેવું.

Most Popular

To Top