Columns

ભ્રષ્ટાચારનો ડ્રામા, જેમાં ખાલી ઇન્ટરવલ જ પડે છે

ભ્રષ્ટાચાર મુક્ત ભારત”ના નારા પર 8 વર્ષ પહેલાં ચૂંટાઈને આવેલા વડા પ્રધાને હમણાં સ્વતંત્રતા દિવસ પર કહ્યું કે ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ કોતરી રહ્યો છે. આપણે જેને ‘પાપની કમાઇ’(ખરાબ પૈસા) કહીએ છીએ તેની બૂમાબૂમ નવી નથી. છેક 1939માં મહાત્મા ગાંધીએ એક લેખમાં લખ્યું હતું કે કોંગ્રેસમાં જે રીતે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તે જોતાં મારે એક બીજી મોટી લડાઇ લડવી પડશે. ગાંધીજીએ આ લખ્યું ત્યારે અન્ના હઝારે 2 વર્ષના હતા. 77 વર્ષ પછી આ જ અન્ના હઝારે ભ્રષ્ટાચારમુક્ત ભારત માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડીને ખોવાઇ ગયા.

ભારતમાં દરેક સરકાર અને દરેક પ્રધાન મંત્રીએ ભ્રષ્ટાચાર દૂર કરવાની કસમ ખાધેલી છે અને નેક પ્રયાસો કર્યા છે. હકીકતમાં, ભ્રષ્ટાચાર એક એવો ડ્રામા છે, જેના ઉપર ક્યારેય પરદો પડ્યો નથી. મંચ ઉપર ભજવાતા ડ્રામામાં તો ઇન્તિકામ કે ઇન્સાફની મદદથી ડ્રામાનો અંત આવતો હોય છે પરંતુ ભારતમાં ભ્રષ્ટાચારને લઇને જે શુદ્ધિની વાતો થઇ છે તે અંતત: કોરી વાતો જ રહી છે. સામવેદ ભ્રષ્ટાચારને 9 માથાવાળા રાક્ષસ તરીકે ઓળખાવે છે અને કહે છે કે માણસની 5 ઇન્દ્રિયો મારફતે નવેનવ પ્રકારના ભ્રષ્ટાચાર અંદર આવે છે.

રામાયણમાં આ જ 9 માથાના રાક્ષસ ઉપરથી રાવણનું ચરિત્ર લખાયું હતું. મહાભારતમાં અંધ રાજા ધૃતરાષ્ટ્રના 99 પુત્રોના માધ્યમથી 99 પ્રકારના ભ્રષ્ટાચારની વાત છે. ઋગ્વેદમાં 99 પ્રકારના વૃત (દુષ્ટ આત્મા)નો ઉલ્લેખ છે. યજુર્વેદમાં એવું સૂચન છે કે ભ્રષ્ટ વ્યક્તિને રાજાએ ચતુર્વર્ણમાં ભેગો થવા ન દેવો જોઇએ. મહાભારત અને રામાયણની કથા જ ભ્રષ્ટાચાર અને એનાં પરિણામો અંગેની છે. પાપની કમાઇ એ પૌરાણિક ભારતમાંથી ચાલતો આવતો ‘વ્યવહાર’ છે અને ઉત્તરોત્તર એમાં વધારો થતો ગયો છે. બ્લેક મનીને લઇને જેટલી પણ સરકારો કે રાજકીય પક્ષોએ દાવા કર્યા હતા એ બધા જ દાવા જનતાને બેવકૂફ બનાવવા માટે હતા. દરેક પક્ષ સત્તામાં આવ્યા પછી દેશના અર્થતંત્રને ચલાવવા માટે અથવા વિકાસના લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે ધનવાનોની ચાલતી ગાડીમાં બેસી જાય છે. 1948માં તત્કાલીન હાઇ કમિશનર (લંડન) વી. કે. મેનનના જીપ ખરીદી કૌભાંડથી લઇને 2014ના કોલ-માઇન કૌભાંડ સુધી કુલ 55 જેટલાં મોટાં કૌભાંડ થયાં છે.

જેમનો પક્ષ અત્યારે સત્તામાં છે અને જેમના પ્રધાન મંત્રી ભ્રષ્ટાચાર વિરોધી લહેર પર ચૂંટાઇને આવ્યા છે તે BJPના લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક નેતાઓ 1991ના જૈન હવાલા કૌભાંડમાં ફસાયા હતા. આ હવાલા કૌભાંડ પણ એક પ્રકારની બ્લેક મનીની જ વ્યવસ્થા હતી. ગાંધીજીએ સમાજમાં સદાચારની વાત કરી હતી. તેમનો સ્વદેશી પ્રેમ બ્રિટિશરો પ્રત્યેના તિરસ્કારમાંથી નહીં પણ પાપની કમાઇના પૈસા પ્રત્યેની સૂગમાંથી આવ્યો હતો. એમણે કહ્યું હતું કે બ્રિટિશરો ભ્રષ્ટ અને પાપી છે અને ભારતને લૂંટીને બ્રિટનમાં તિજોરીઓ ભરી રહ્યા છે.

સ્વતંત્રતાની આખી ચળવળ જ બ્રિટિશરોની લૂંટફાટ અને શોષિત વ્યવહારના વિરોધમાંથી આવી હતી. બ્રિટિશરો આવ્યા તે પહેલાં મુઘલ બાદશાહો હતા જેમણે પાપની કમાઇમાંથી ‘બંગલા’ બંધાવ્યા હતા. રાજા-મહારાજા અને બ્રિટિશરોની આતતાયી, જુલમી વ્યવસ્થામાંથી છૂટીને એક સદાચારી, સ્વાવલંબી અને સમાન ભારતની રચના માટે જ સ્વતંત્રતાનો સંઘર્ષ કરાયો હતો. આજે જ્યારે વિદેશી બેંકોમાં જમા લાખો-કરોડો રૂપિયાની વાતો આવે ત્યારે ખબર પડે છે કે અગાઉ રાજાઓ અને બ્રિટિશરો દેશને લૂંટતા હતા અને હવે સ્વતંત્ર ભારતના ભારતીય ધનવાનો સંપત્તિહરણ કરી રહ્યા છે.

ભારતમાં વિકસિત દેશ બનવાની ખ્વાહિશ સાથે વૈશ્વિક સત્તા બનવાની જે લાલચ જોડાઇ છે તેનાથી એક એવી વ્યવસ્થા સર્જાઇ રહી છે જેમાં સમાજનો એક નાનો વર્ગ (જે ધનવાન છે અને તાકાતવર છે) સંપત્તિ એકઠી કરી રહ્યો છે અને જે ગરીબ છે, કમજોર છે તે વધુ નીચે ધકેલાઇ રહ્યો છે. મુદ્દો એ છે કે માનવ સમાજની બે વાસ્તવિકતા લાલચ અને જરૂરિયાત, ભ્રષ્ટ આચારના મૂળમાં છે. લાલસા એ માનવવૃત્તિ છે અને કેટલાક લોકો લાલસાને નિયંત્રણમાં રાખી શકે છે તો કેટલાક લોકો માટે લાલસાની પરિપૂર્તિ ક્યારેય થતી નથી. પુરાણથી લઇને આધુનિક સમયમાં પણ ભ્રષ્ટાચારનો ડ્રામા અનંત ચાલતો રહે છે, તેનું કારણ એ છે કે આપણે જે હોહા કરીએ છીએ તેનાથી વિપરીત ભ્રષ્ટાચાર બહુ જ સાધારણ અને સહજ વ્યવહાર છે. આમ જનતા ભ્રષ્ટાચારને જિંદગીનો એક ભાગ માને છે. ભ્રષ્ટાચાર સામર્થ્ય અને પ્રતિભા પણ ગણાય છે.

પાપની કમાઇનું કારણ આપણી અંદર છે. સંપત્તિની જરૂર એટલી જ હોય છે જેટલી જીવનનિર્વાહ માટે અનિવાર્ય હોય પરંતુ આપણે જરૂરિયાત પ્રમાણે નહીં, વધુ મઝા આવે તે માટે સંપત્તિ એકઠી કરીએ છીએ. આહાર માટે કહેવાય છે કે પૂરા સંસારમાં માત્ર મનુષ્ય જ એક એવું પ્રાણી છે જે આનંદ માટે ખાય છે. બાકીનાં બધાં પશુ-પંખી ભૂખ સંતોષવા ખાય છે. પશુઓમાં આનંદની વૃત્તિ નથી. એમના માટે જીવન ટકાવી રાખવું એ જ પ્રાથમિકતા છે. એટલા માટે જ પશુઓમાં આહારની કોઇ બીમારી નથી. મનુષ્ય મઝા આવે એટલે ખાય છે, વધુ ખાય છે અને ખાવાની-ન ખાવાની બીમારીઓથી પીડાય છે. પૈસાનું ય એવું છે. માણસ પૈસાથી સંતુષ્ટ થતો નથી, વધુ પૈસાથી સંતુષ્ટ થાય છે. જંગલી પશુઓ જેમ પોતાના ઇલાકા સાચવી રાખે છે, સ્પર્ધાને બાકાત કરે છે અને રિસોર્સીસ પર કબજો જમાવી રાખે છે તેવી જ રીતે માણસ પણ અંદરના પશુને અનુમતિ આપીને પોતાને પ્રબળ સાબિત કરે છે. આપણે જે સમાજમાં જીવીએ છીએ એ સમાજમાં તમારી કાર હોય એ અગત્યનું નથી, કેટલી કાર છે અને કઇ બ્રાન્ડની કાર છે તે અગત્યનું છે.

કુબેર, જે ધનનો દેવતા છે, તેણે ગણેશને જમવા આમંત્રણ આપ્યું હતું કારણ કે શિવજી એને ભૂખ્યો રાખતા હતા. જમી લીધા પછી ગણેશે કુબેરને કહ્યું કે ‘હજુ ભૂખ છે’ એેટલે કુબેરે ફરીથી ભોજન આપ્યું. ખાધા પછી ગણેશે ફરી ખાવાનું માગ્યું. કુબેરે ફરીથી આહાર બનાવ્યો. આમ ને આમ ગણેશ ખાતા ગયા અને કુબેરનું અન્ન ખૂટી પડ્યું. અંતે ગણેશના પગમાં પડી કુબેરે ક્ષમાયાચના કરી. ગણેશે હસતાં હસતાં કહ્યું, ‘ભૂખને મિટાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ જાય કારણ કે ભૂખનો અંત વધુ ખાવામાં નહીં પણ શિવજી કહે છે તેમ, તેને અતિક્રમી જવામાં છે.’

જગતમાં આજે ઉપભોગની ભૂખ વધી રહી છે અને ગણેશજી ચકિત થઇને જોઇ રહ્યા છે. વિશ્વની અર્થવ્યવસ્થામાં આજે સૌથી વધુ વપરાતો કોઇ શબ્દ હોય તો તે ‘કન્ઝ્યુમર’. કન્ઝ્યુમર એટલે ગ્રાહક, પણ એ શબ્દ આવે છે ‘કન્ઝ્યુમ’ ઉપરથી. કન્ઝ્યુમ એટલે ખાવું, વાપરવું, વ્યય કરવો, ભરી ઊઠવું. ભ્રષ્ટાચાર કન્ઝ્યુમ કરવાની વૃત્તિમાંથી આવે છે. ભ્રષ્ટાચાર રોકવાના તો નિયમ છે પણ કેટલું કન્ઝ્યુમ કરવું એની કોઇને ખબર નથી. આપણે બહાર નિયમો એટલા માટે બનાવ્યા જેથી કમજોર માણસને પણ સમાન રીતે રહેવાની તક મળે. આપણે અંદર કોઇ નિયમ બનાવ્યા નથી એટલે બહારના નિયમ સફળ થતા નથી.

Most Popular

To Top