Columns

સહઅસ્તિત્વને એક ચાન્સ શા માટે આપવામાં ન આવે?

મહમ્મદઅલી ઝીણાએ ભારતીય મુસલમાનો માટે અલગ ભૂમિ(પાકિસ્તાન)ની માંગણી શરૂ કરી, ત્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભારત આવડો મોટો દેશ છે. જેમાં મુસલમાન પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ દરેક પ્રદેશમાં પથરાયેલા છે અને એ જ રીતે જ્યાં પાકિસ્તાન સ્થપાવાની વાત છે, ત્યાં હિંદુઓ પથરાયેલા છે તો શું આટલા મોટા પ્રમાણમાં પ્રજાકીય સ્થળાંતર થશે? શું ગામડે – ગામડેથી કુટુંબો સ્થળાંતર કરશે? આ વ્યવહારુ હશે ખરું? આખો દેશ ઉપરતળે થશે અને ઉથલપાથલ થશે એની કિંમતનો કોઈ અંદાજ ખરો અને કોણ ચૂકવશે એની કિંમત? અને જો ધર્મના આધારે સંપૂર્ણ પ્રજાકીય સ્થળાંતર કરવામાં નહીં આવે તો હિંદુ અને મુસલમાનોના સહઅસ્તિત્વનો પ્રશ્ન કાયમ રહેવાનો છે. આજે પણ છે અને કાલે પણ હશે. જો સરવાળે સાથે જ રહેવાનું છે, તો અલગ ભૂમિની માંગણી શા માટે? તો પછી સહઅસ્તિત્વને એક ચાન્સ શા માટે આપવામાં ન આવે?

ઝીણા પાસે આ પ્રશ્નોના કોઈ જવાબ નહોતા અને તેઓ તેનાથી ભાગતા હતા. ભારતના વિભાજન પછી ઝીણા પાકિસ્તાન જવા રવાના થયા, ત્યારે પત્રકારોને અને વળાવવા ગયેલા મુસ્લિમ નેતાઓને તાકીદ કરવામાં આવી હતી કે તેમણે પાછળ રહેલા ભારતીય મુસલમાનોનું શું થશે અને તમે તેમને માટે શું કરવાના છો એવા પ્રશ્નો ન પૂછવા. એક સર્વોચ્ચ મુસ્લિમ નેતા ભારતીય મુસલમાનોને ખુદાને ભરોસે છોડીને ભાગી રહ્યો હતો. તેઓ એ સમયે શરમ અનુભવતા હતા કે પછી નવા સ્થપાયેલા દેશના સ્થાપક, રાષ્ટ્રપિતા અને શાસક તરીકેનો નશો અનુભવતા હતા એ જાણવાનું આપણી પાસે કોઈ પ્રમાણ નથી. કેટલાક લોકો કહે છે કે ઝીણા શરમસાર – ગ્લાનીગ્રસ્ત હતા, તો બીજા કેટલાક લોકો કહે છે કે તેમણે રત્તીભાર પણ શરમ અને સંકોચ નહોતા અનુભવ્યા.

કોમવાદી રાજકારણ કરનારાઓ શરમ અને સંકોચથી પર હોય છે અને ઝીણા અંગત જીવનમાં ગમે એટલા સેક્યુલર હોય તેમનું રાજકારણ કોમી હતું. દેખીતી રીતે ઉપર કહ્યા એ વ્યવહારુ સવાલો તો તેમને વારંવાર પૂછવામાં આવતા હતા.  એમાં એક વાર તેમણે થોડા ચિડાઈને શો જવાબ આપ્યો હતો એ જાણો છો? તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની બહુમતી પ્રજા પોતાને ત્યાંની લઘુમતી પ્રજાને બાનમાં (હોસ્ટેજ) રાખશે અને એ રીતે કોમી સંતુલન જળવાશે. અર્થાત્ તેઓ એમ કહેવા માંગતા હતા કે જો ભારતમાં હિંદુઓ મુસલમાનોને સતાવશે તો પાકિસ્તાનમાં મુસલમાનો હિંદુઓને સતાવીને વેર વાળશે અને એવું ન થાય એ માટે બન્ને દેશની બહુમતી પ્રજા સંયમ જાળવશે.

ઝીણાના આ કથનમાં બેશરમી તો જોવા મળે છે પણ એનાથી વધુ રાજકીય ભોળપણ જોવા મળે છે. રાજકીય નાદારી જોવા મળે છે. તેમને એ વાત નહોતી સમજાઈ કે જ્યારે સ્વાર્થ આવે છે ત્યારે માણસ સગા ભાઈ સાથે દગો કરે છે, તો સહધર્મી તો દૂરની વાત થઈ. તમને ખબર છે? જ્યારે ભારતીય મુસલમાનો ભારતમાંથી ઉચાળા ભરીને ટ્રેનમાં પાકિસ્તાન જતા હતા, ત્યારે પાકિસ્તાન પંજાબના પંજાબી મુસલમાનો ગેરપંજાબી મુસલમાનોને લાહોર કે બીજા પંજાબના સ્ટેશને ઉતરવા નહોતા દેતા. ‘પાકિસ્તાન આગે હૈ, પાકિસ્તાન આગે હૈ’ કહીને તેમને પરાણે સિંધ મોકલવામાં આવતા હતા. ઇસ્લામના નામે પાકિસ્તાનની રચના થઈ હતી પણ બેઘર બનેલા મુસ્લિમ માટે આવકારો નહોતો. આજે પણ ભારતીય મુસલમાનો સાથે પાકિસ્તાનમાં ઓરમાયો વહેવાર કરવામાં આવે છે.

તો બન્યું એવું કે પાકિસ્તાનની સ્થાપના પછી પાકિસ્તાની મુસલમાનોએ તેમને ત્યાંના હિંદુઓને સતાવવાનું શરૂ કર્યું કે જેથી તેઓ ઘર – બાર અને જમીન – જાયદાદ છોડીને જતા રહે. એમ કરતી વખતે તેમને ભારતના તેમના હમમઝહબી મુસ્લિમભાઈની લેશ માત્ર ચિંતા નહોતી. એનું જે થવાનું હોય તે થાય, અત્યારે પડોશી હિંદુની સંપત્તિ હાથ લાગવી જોઈએ. મુસ્લિમ બનીને હિન્દુને સતાવનારા મુસલમાનને ભારતમાં વસતાં મુસલમાનની ચિંતા નહોતી. આમ, લઘુમતી કોમને બાન પકડીને કોમી સંતુલન જાળવવાની ઝીણાની ધારણા ખોટી પડી.

પાકિસ્તાનના મુસલમાનોએ સ્વાર્થથી પ્રેરાઈને હિંદુઓને સતાવવાનું શરૂ કર્યું હતું અને તેમાં તેમણે કોમવાદનો ઉપયોગ કર્યો હતો.  જેની કિંમત આજે ભારતીય મુસલમાન ચૂકવી રહ્યા છે. ધર્મ માત્ર સપાટી પર હોય છે, બાકી તો સ્વાર્થ અંદર સુધી છુપાયેલો હોય છે અને સ્વાર્થનો કોઈ ધર્મ હોતો નથી. મહમ્મદઅલી ઝીણા અને મુસ્લિમ લીગના નેતાઓએ કેવળ સત્તા માટે ભારતીય મુસલમાનોને મોતના મોંમાં ધકેલી દીધા હતા. પણ ફરક શો પડે છે? જો વિવેકથી, પોતાની બુદ્ધિથી ન જીવો તો ઘેટાંની કિંમત વધેરાવા પૂરતી જ હોય છે.

આપણી વાત કરીએ તો ભારતમાં અત્યારે કયો હિન્દુત્વવાદી હિંદુ બહુમતી કોમી રાજકારણ કરતી વખતે વિચાર કરે છે કે આની કિંમત અન્ય પ્રદેશોમાં કે દેશોમાં જ્યાં હિંદુ લઘુમતીમાં છે, ત્યાં તેણે કઈ રીતે ચૂકવવી પડશે? કાશ્મીરમાં પંડિતોને, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિંદુઓને (આજે પણ બાંગ્લાદેશમાં 10 % હિંદુ વસ્તી છે), ગલ્ફના દેશોમાં વસતાં હિંદુઓને અને અન્ય દેશોમાં કોમવાદી ખ્રિસ્તીઓની વચ્ચે વસતાં હિંદુઓને આની કેવી કિંમત ચૂકવવી પડશે એનો કોઈ વિચાર કરતું નથી. તો પછી હિંદુ એકતા અને હિંદુ ધર્મબંધુતા ક્યાં ગઈ? આપણી શેરીમાં આપણે શેર પછી બીજી શેરીમાં બાપડા હિંદુનું જે થવાનું હોય તે થાય.

જેને ઉશ્કેરીને અને રડાવીને સત્તા ભોગવવી છે, એ લોકો ગલીના શેરોનો ઉપયોગ કરે છે અને બીજી ગલીમાં વસતાં લોકોને મોતના મોંમાં ધકેલી દે છે. આ બાજુ પોતાની શેરીમાં શેર બનીને ફરવાનો નશો (કે પછી નપુંસકતા છુપાવવાની વૃત્તિ) એવો હોય છે કે તે પોતાના ધર્મબંધુની ચિંતા કરતો નથી. આ કોમી રાજકારણનું સ્વરૂપ છે. મુસલમાનોએ અનુભવી લીધું છે અને હિંદુઓ હવે અનુભવી રહ્યા છે. કાશ્મીરમાં રોજ પંડિતોની હત્યા થઈ રહી છે. આ જગતમાં અને અત્યારના જગતમાં તો વિશેષ સહઅસ્તિત્વનો કોઈ વિકલ્પ નથી. અને જો સાથે રહેવું જ નિર્માયેલું છે તો પછી સહઅસ્તિત્વને જ એક ચાન્સ શા માટે આપવામાં ન આવે? મહમ્મદઅલી ઝીણાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

Most Popular

To Top