Columns

પર્યાવરણની પ્રતિબદ્ધતનાં 50 વર્ષ અને ઇંદિરા ગાંધીનું પ્રભાવી વક્તવ્ય…

આજે ‘વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે’ છે અને આ દિવસે તેની ઉજવણી થવી જોઈએ તે નિશ્ચયને 50 વર્ષ પૂરાં થયાં છે. પર્યાવરણને સાચવવાના ઉપક્રમમાં વિશ્વના તમામ દેશોની હિસ્સેદારી હોવી જોઈએ તેવું ઠર્યું 1972માં સ્વીડનમાં યોજાયેલા સ્ટોકહોમ સંમેલનમાં. આ સંમેલન 5થી 16 જૂનમાં સ્વીડનના સ્ટોકહોમમાં આયોજિત થયું હતું. ‘યુનાઇટેડ નેશન્સ’ની આ પહેલ હતી અને તેમાં વિશ્વસ્તરે પ્રથમ વાર ‘એન્વાયર્મેન્ટલ ગવર્નન્સ’નો ખ્યાલ મૂકવામાં આવ્યો. પર્યાવરણના દરેક મુદ્દાને સ્પર્શે અને તેની સુરક્ષા અર્થે 26 મુદ્દાઓનો ઠરાવ કરવામાં આવ્યો. આજે પણ આપણે થોડાં ઘણાં પર્યાવરણની જાગૃતિ સાથે જીવી રહ્યા છીએ તેમાં સ્ટોકહોમ સંમેલનની ભૂમિકા મહત્ત્વની છે. સ્ટોકહોમ સંમેલનમાં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમણે આપેલા વક્તવ્યમાં પર્યાવરણીય નિસબત ઝળકે છે. આ ભાષણમાંથી કેટલાક મુદ્દાઓને આજના સંદર્ભમાં જોવા જોઈએ.

ઇંદિરા ગાંધીએ વક્તવ્યના આરંભે જ કહ્યું કે, “હું નસીબવંતી છું કે મને પ્રકૃતિના તમામ સ્વરૂપો સાથે રહેવાની તક મળી. પક્ષીઓ, ગ્રહો અને પથ્થર તમામ મારા મિત્રો હતા. તારાચ્છાદિત આકાશ નીચે રાત પસાર કરવાથી હું નક્ષત્રોના નામ અને તેમની ગતિથી પરિચિત થઈ હતી. જો કે તેમના પ્રત્યે મારો ઊંડો લગાવ એક માત્ર પૃથ્વીના કારણે નહીં બલકે તમામ મનુષ્યોના એક ઉપયોગી ઘરરૂપી હતો.” આગળ તેઓ સમ્રાટ અશોકનો હવાલો આપીને પર્યાવરણની વાત મૂકે છે : “કોઈ પણ સાચો વ્યક્તિ અને સભ્ય નાગરિક ત્યાં સુધી નથી બનતો, જ્યાં સુધી તે માત્ર પોતાના મિત્રવત્ લોકોને જ નહીં, બલકે તમામ જીવજંતુઓને પોતાના દોસ્તની જેમ ન જોઈ શકે.

પૂરા ભારતમાં, પથ્થરો અને લોહસ્તંભ પર આલેખાયેલા શિલાલેખ તેની સ્મૃતિ કરાવે છે કે 22 સદી અગાઉ સમ્રાટ અશોકે રાજાનું કર્તવ્ય માત્ર નાગરિકોની સુરક્ષા કે ખોટા કામ કરનારને દંડિત કરવા સુધી જ સીમિત ન રાખ્યું, બલકે પશુપક્ષીઓ અને વનને સંરક્ષિત કરવામાં પણ જોયું હતું. થોડાં વર્ષો પહેલાં સુધી અશોક સમ્રાટ એક માત્ર એવા રાજા હતા જેમણે રમત કે આહાર અર્થે મોટી સંખ્યામાં પ્રાણીઓને મારવાને લઈને પ્રતિબંધ લાધ્યો હતો.” પર્યાવરણના આ સંમેલનમાં તત્કાલીન વડા પ્રધાન ઇંદિરા ગાંધીના ભાષણમાં ક્યાંય રાજકીય મુદ્દા દેખાતા નથી અને ભારત સરકારની પર્યાવરણની સિદ્ધિના પણ તેમણે ગુણ ગાયા નથી. તેઓ ભારતની વાસ્તવિક સ્થિતિને બયાન કરતાં હોય તેમ લાગે છે.

આગળ તેઓ જણાવે છે : “પૂરી દુનિયા સહિત અમે ભારતીયો પણ અશોકની આ શિખામણને નજરઅંદાજ કરીને અમારાં ભરણપોષણ અર્થે પ્રકૃતિના સ્ત્રોતોની અનિયંત્રિત ઉપેક્ષા કરી છે. વનસ્પતિ અને પશુપક્ષીઓનો ઝડપથી નાશ કરવાને લઈને અમારી ચિંતા તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. અમારા વન્યજીવનો કેટલોક હિસ્સો પૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યો છે. ઇતિહાસના મૂક સાક્ષી સમા સદીઓ જૂના સુંદર માઇલો લાંબા જંગલો આજે બરબાદ થઈ ચૂક્યા છે. જો કે અમારા ઉદ્યોગોનો વિકાસ હજુ આરંભે છે ત્યારે અમે સૌથી પડકારભર્યા તબક્કામાં છીએ. અને તેના કારણે થઈ રહેલા પર્યાવરણીય અસંતુલનને અટકાવવા માટે અમે પગલાં ભરી રહ્યા છીએ. આ પગલાં વ્યાપક સ્તરે લેવાઈ રહ્યા છે કારણ કે અમારી ચિંતા સમગ્ર માનવજાતિ પ્રતિ છે.”

પ્રદૂષણ સમૃદ્ધિથી નીપજે છે તેવું ઇંદિરા ગાંધીએ અહીં વક્તવ્યમાં જણાવ્યું હતું અને ગરીબીનું પરિણામ કુપોષણ અને બીમારીનું જોખમ છે અને યુદ્ધથી કમજોરીનું. આગળ તેઓ તેમના પિતા નેહરુનો એક કિસ્સો ટાંકતા કહે છે : “એવું કહેવાય છે કે પ્રગતિ પ્રકૃતિ પર થઈ રહેલા હુમલાની પર્યાય બની જાય છે. આપણે સૌ જે પ્રકૃતિનો હિસ્સો છીએ અને આપણી દરેક આવશ્યકતા માટે તેના પર આધારિત છીએ, તેમ છતાં તેના શોષણને લઈને અમલ અંગે કશું કરતા નથી. 1953માં જ્યારે દુનિયાના સૌથી ઊંચા પર્વત પર પર્વતારોહી પહોંચ્યો હતો ત્યારે જવાહરલાલ નેહરુએ ‘એવરેસ્ટ પર વિજય’ના શબ્દપ્રયોગ પર નારાજગી દર્શાવી હતી અને તેને અહંકારી રૂપ વલણ ગણાવ્યું હતું.” આગળ તેમણે ભાષણમાં વિકસિત દેશોની ઝાટકણી કાઢતાં હોય તેમ જણાવ્યું હતું કે, “આપણે અહીંયા સંયુક્ત રાષ્ટ્રના બેનર નીચે એકત્રિત થયા છીએ.

અમારી અપેક્ષા છે કે આપણે સૌ અહીં એક પરિવારની જેમ છીએ. જેમના ગુણો એકસમાન છે અને આકાંક્ષાઓ પણ તેમ છતાં આપણે વિભાજિત દુનિયામાં વસીએ છીએ.” આવું કેમ છે? તેનો ઉત્તર આપતાં આગળ ઇંદિરા ગાંધી કહે છે : “આજે પણ આપણી વચ્ચે સમાનતા નથી અને એકબીજા પ્રત્યેનું સન્માન પણ નથી. જ્યાં સુધી રંગ અને જાતિ, ધર્મ અને માન્યતાઓનો પ્રશ્ન છે સમાજ પૂર્વ નિર્ધારિત ધારણાઓથી સંચાલિત થઈ રહ્યો છે. લોકોની ઉગ્રતા અને શ્રેષ્ઠ હોવાપણાંના દંભથી તનાવ હંમેશાં વધે છે. મહાસત્તાઓની શક્તિ વાસ્તવિકતા હોવા છતાં તે કોઈ સારાં કાર્ય માટે નહીં બલકે કાલ્પનિક ઇચ્છાઓની પાછળ દોડવામાં પોતાની શક્તિ ખર્ચે છે.

આ જ કારણે બીજાના અધિકારમાં દખલ કરવી અને કાર્યવાહી કરવાનો હક મેળવી લેવામાં આવે છે. સામાન્ય રીતે તેની મંજૂરી કોઈને આપવામાં આવતી નથી. આજના અનેક વિકસિત દેશો અન્ય દેશોના લોકો પર પ્રભુત્વ મેળવીને સંપન્ન થયા છે. તેમણે પ્રાકૃતિક સંસાધનોનો ખૂબ ઉપયોગ કર્યો છે. તેમણે આરંભથી જ ક્રૂરતાભર્યું વલણ રાખ્યું અને દયા, સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય જેવાં મૂલ્યોને પાછળ હડસેલીને આગળ વધવાનો નિર્ણય કર્યો. નાગરિકોના રાજકીય અધિકાર હોય કે સૌથી નીચેની વ્યક્તિના આર્થિક અધિકાર, તે તમામ બાબતોની ત્યારે જ ચર્ચા થઈ જ્યારે આ દેશો પોતાનો પૂરતો વિકાસ કરીને અત્યાધુનિક થઈ ગયા.”

તે વખતે આપણા દેશને આઝાદ થયા અઢી દાયકા જેટલો જ સમય વીત્યો છે અને તેમાં પશ્ચિના દેશો તરફ આ રીતે ઇંદિરા ગાંધીએ નિશાન સાધ્યું હતું અને આગળ આ સ્થિતિથી કેવી રીતે આગળ વધવું અને તે માટે શું ધ્યાને રાખીશું તે પણ કહ્યું : “આજે આપણે બિલકુલ અલગ સ્થિતિમાં છીએ અને આપણું જીવન વધુ સારું બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક છે કે એના પર દૃષ્ટિ રાખીશું કે અમારા આવશ્યક કામ અર્થે પણ પર્યાવરણને નુકસાન ન પહોંચવું જોઈએ. અમે અમારા આદર્શોથી બંધાયેલાં છીએ. અમે અમારા મજદૂરના અધિકારો માટે પ્રતિબદ્ધ છીએ અને અમે આંતરરાષ્ટ્રિય સંગઠનોના ચાર્ટરમાં લિખિત સિદ્ધાંતોનું પાલન પણ કરીશું. તેનાથી પણ આગળ એ કે, અમે અમારા દેશના રાજકીય અને જાગૃત કરોડો નાગરિકો પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. આ તમામ બાબતો પ્રગતિને મોંઘેરી અને જટિલ બનાવે છે.”

 ભારતમાં મહદંશે તે વખતે ગરીબ વર્ગની સંખ્યા વધુ હતી તેથી તેમણે પ્રદૂષણને ગરીબી સાથે જોડતાં કહ્યું : “પર્યાવરણને નુકસાન થાય તેવું કશુંય કરવાની અમારી ઇચ્છા નથી પરંતુ અમે એ ભૂલતાં નથી કે મોટી સંખ્યામાં અમારાં નાગરિક ગરીબ છે. શું ગરીબી અને સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનારા એક જ સિક્કાના બે પાસાં છે? દાખલા તરીકે, જ્યાં સુધી અમે જંગલોમાં રહેતાં અમારા આદિવાસી લોકોને રોજગારી આપવા કે કશુંક ખરીદ કરી શકે તે સ્થિતિમાં નથી લાવી શકતા ત્યાં સુધી તેમનાં આહાર કે આજીવિકા અર્થે તેમને જંગલો પર નિર્ભર ન રહેવાનું અમે ન કહી શકીએ. જ્યાં સુધી તેઓ પોતે ભૂખ્યા છે ત્યાં સુધી અમે તેમને પ્રાણીઓને બચાવવાનો આગ્રહ કેવી રીતે કરી શકીએ? અને જે લોકો ગામડાં અને કાચા મકાનમાં રહે છે તેમને દરિયા, નદીઓ અને હવા બચાવવા માટે કેવી રીતે કહી શકીએ જ્યારે તેમનું જ જીવન બદ્તર સ્થિતિમાં છે. ગરીબોની સ્થિતિમાં સુધાર ન આવે ત્યાં સુધી પર્યાવરણ સુરક્ષા નિશ્ચિત થઈ શકતી નથી. સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિના પણ ગરીબી દૂર ન થઈ શકે.”

ઇંદિરા ગાંધીએ તેમના આ વક્તવ્યમાં હજુ પણ અનેક મુદ્દા સમાવ્યા છે. શબ્દમર્યાદાના કારણે તેની ચર્ચા અહીંયા થઈ શકતી નથી પરંતુ તેમણે વક્તવ્યના અંતે જે કહ્યું છે તે સારરૂપી વાતમાં તેઓ કહે છે : “આધુનિક મનુષ્યે પ્રકૃતિ અને જીવન સાથે અતૂટ સંબંધ પુનઃસ્થાપિત કરવો જોઈએ અને તેણે સદીઓ પહેલાં ભારતના પૂર્વજોએ કર્યું હતું તે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પૃથ્વી અને વાતાવરણથી એટલું જ લઈ શકે જેટલું તે તેને પાછું આપી શકે.”

Most Popular

To Top