SURAT

આજે વિશ્વ પર્યાવરણ દિવસ: સુરત શહેરમાં 38.34 ટકા ગ્રીન કવર

સુરત: પર્યાવરણનો મુદ્દો દિવસે ને દિવસે ગંભીર બની રહ્યો છે. પ્રદૂષણના કારણે પર્યાવરણ પર મોટુ જોખમ ઉભું થઈ રહ્યું છે અને તેની સીધી અસર લોકો પર પડી રહી છે. જેથી છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણને બચાવવા માટેની ઝુંબેશ મોટા ઉપાડે શરૂ થઈ છે. સરકારી તંત્ર અને સંસ્થાઓ આ કામ માટે હવે આગળ આવી રહી છે. પર્યાવરણને નુકસાન કરતી તમામ વસ્તુઓ અને હિલચાલ સુધારવા માટે હવે કામ કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ગ્રીન કવર વધારવા પર ઘણું ફોકસ કરાઈ રહ્યું છે તેમજ ક્લાઈમેટ એક્શન પ્લાનિંગ અંતર્ગત સુરત મનપા તંત્ર દ્વારા વિવિધ એક્શન પ્લાન પણ તૈયાર કરાયા છે. શહેરમાં દર વર્ષે પાંચમી જુન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવે છે અને વિનામુલ્યે શહેરીજનોને રોપાઓનું વિતરણ પણ કરવામાં આવે છે. શહેરમાં હાલ 38.34 ટકા વિસ્તાર ગ્રીન કવરનું પ્રમાણ છે.

તે ઉપરાંત સુરત શહેરની પ્રજાને ઉચ્ચ ગુણવત્તાનું વાતાવરણ મળે તે હેતુસર સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ભવિષ્યમાં વધુ આ દિશામાં કામ કરવામાં આવશે. સુરત મનપા દ્વારા ‘સુરત રિસિલિયન્ટ સ્ટ્રેટેજીઝ એન્ડ ક્લાઈમેટ એક્શન પ્લાન’ તૈયાર કરાયો છે, જેમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન ઘટાડવા માટે વિવિધ કામગીરીઓનો સમાવેશ કરાયો છે તેમજ ‘ક્લાઈમેટ એક્શન પ્લાન’ની સ્થિતિ પર દેખરેખ અને અહેવાલ આપવા માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરવા માટે શહેર દ્વારા ULB (અર્બન લોકલ બોડી) સ્તરના ક્લાયમેટ કો-ઓર્ડિનેશન સેલની રચના કરવામાં આવી છે.

બાયોડાયવર્સિટી પાર્કથી શહેરમાં અર્બન જંગલ તૈયાર થશે
શહેરમાં ગ્રીનરી વધારવાના હેતુસર મનપા દ્વારા બાયોડાયવર્સિટી પાર્ક તૈયાર કરાયો છે. જેની કામગીરી હજી ચાલી રહી છે. રૂા. 108 કરોડના આ પ્રોજેક્ટમાં 6 લાખ વૃક્ષો હશે અને જેમાં 85 પ્રકારના રોપાઓ હશે. આ પ્રોજેક્ટ સંપુર્ણ રીતે સાકાર થતાં જ એક મોટો ગ્રીન બેલ્ટ એટલે કે, અર્બન જંગલ સાકાર થશે. આ પાર્કમાં સુરતના અસ્સલ જુના વૃક્ષો જે હવે લુપ્ત થઈ ગયા છે તે પણ હશે સાથે સાથે ચીલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન કોર્નર, બાઈસિકલ ટ્રેક, નેચર ટ્રેલ્સ, જાગીંગ ટ્રેક, તળાવો, બટરફ્લાય કન્ઝર્વેટરી, બર્ડ વોચિંગ ટાવર પણ હશે.

ક્લાઈમેટ એક્શન પ્લાનિંગને અનુરૂપ પેટા પ્લાન પણ તૈયાર કરાયા
શહેરના ક્લાઈમેટ એક્શન પ્લાનિંગને અનુરૂપ વિવિધ પેટા-પ્લાન પણ તૈયાર કર્યા છે જેમ કે ક્લીન એર એક્શન પ્લાન, કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન સુરત 2046, ફેકલ સ્લજ એન્ડ સેપ્ટેજ મેનેજમેન્ટ (FSSM) એક્શન પ્લાન 2020-21, ટ્રીટેડનો પુનઃઉપયોગ અને રિસાયકલ વેસ્ટવોટર એક્શન પ્લાન, સુરત હીટ વેવ એક્શન પ્લાન અને સોલાર સિટી માસ્ટર પ્લાન શહેર, સાઉથ એશિયા અને એલાયન્સ ટુ એન્ડ ધ પ્લાસ્ટિક વેસ્ટ (AEPW) સાથે સુરતને પ્લાસ્ટિક વેસ્ટ ફ્રી સિટી તરીકે વિકસાવવા માટે કામ કરશે.

ઈકો ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત નોન મોટરાઈઝ ટ્રાન્સપોર્ટ નેટવર્કનું કવરેજ 53.56 ટકા
સુરત શહેરની જે રીતે વસતી વધી રહી છે તે રીતે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. જેથી શહેરમાં એર પોલ્યુશન કંટ્રોલ કરવા માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન અને નોન મોટરાઈઝ ટ્રાન્સપોર્ટ નેટવર્ક પર ભાર મુકાયો છે. હાલમાં શહેરમાં જાહેર પરિવહન માટે આશરે 120 કિમી બીઆરટીએસ અને 300 કિમી રોડ નેટવર્કમાં 150 નંગ ઇ બસો ચાલી રહી છે અને 150 નંગ ઇ બસો પાઇપલાઇન હેઠળ છે. શહેરમાં નોન-મોટરાઈઝ્ડ ટ્રાન્સપોર્ટ નેટવર્ક (પેડેસ્ટ્રિયન અને સાયકલ)ના કવરેજની ટકાવારી 53.56% છે અને સુરતે પણ સ્માર્ટ સિટી મિશન હેઠળ પબ્લિક સાયકલ શેરિંગ સિસ્ટમનો શરૂ કરી છે.

Most Popular

To Top