Charchapatra

આત્મનિર્ભર ભારત અને સ્ક્રેપ પોલીસી

હાલમાં જ આપણા દેશમાં સૌથી મોટી સ્ક્રેપ પોલીસીની જાહેરાત થઈ. આ પોલીસીને ‘કચરામાંથી કંચન’ના અભિયાન તરીકે ગણાવી શકાય.આ પોલીસી મુજબ ફક્ત વેપાર માટે વપરાતી ગાડીઓ ૧૫ વર્ષે ભંગારખાને જશે અને તે પણ જો એ ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થશે તો જ. તેવી જ રીતે અંગત વપરાશ માટે વપરાતી ગાડીઓને ૨૦ વર્ષ બાદ સ્ક્રેપ પોલીસી લાગુ પડશે અને એ પણ જો ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થાય તો જ. આને કારણે ઇંધણની પણ બચત થશે. કારણ કે જેમ વાહન જૂનું, એમ ઇંધણ વધુ. સાથે જ જૂનું વાહન તમે સ્ક્રેપમાં આપીને નવું લેશો તો તમને ૩૦ થી ૪૦ હજાર જેટલી કિંમતનું ડિસ્કાઉન્ટ (રોડ ટેક્સ, રજીસ્ટ્રેશન ફી વગેરે) મળવાનું જ છે. એક અંદાજ મુજબ આ પોલીસીથી દેશમાં નવા 3.17 કરોડ જેટલી રોજગારી ઊભી થશે.નવા વાહનની તુલનામાં જૂનું વાહન ઘણું પ્રદૂષણ ફેલાવે છે. સ્ક્રેપ પોલીસીથી પ્રદૂષણમાં ઘણો ઘટાડો થશે.

ભંગારના સામાનમાંથી જ વાહન ઉદ્યોગને ઘણો કાચો માલ મળી રહેશે એટલે નવા વાહનનો ઉત્પાદન ખર્ચ ઓછો થતાં નવા વાહનની કિંમત પણ ઘટશે. આમ ‘ રિયુઝ, રિ-સાયકલ અને રિકવરી’ ના મંત્રથી ઓટો સેક્ટરમાં આત્મનિર્ભરતાને નવી ઊર્જા મળશે. આ પોલીસી “આત્મનિર્ભર ભારત”ના વિઝન હેઠળ ઓટો અને મેટલ ઇન્ડસ્ટ્રીઝને પણ નવી ઊર્જા આપશે. નવી ટેકનોલોજીમાં બદલાવની સાથે દેશનાં નાગરિકોની લાઇફ સ્ટાઇલ અને અર્થતંત્રમાં પણ અનેક ફેરફારો જોવા મળશે. આ પોલીસીથી દેશનાં પ્રત્યેક નાગરિકોમાં , પર્યાવરણમાં , ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર અને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પણ હકારાત્મક પરિવર્તન આવશે.
સુરત     – સૃષ્ટિ કનક શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top