Business

જ્યાં બ્રિટીશ સૈન્ય શોખ માટે ક્રિકેટ રમતું તે હવે ટુર્નામેન્ટ્સ માટે ફેવરિટ

1 CC 2020 વર્લ્ડ કપ ભારતમાં યોજવો શક્ય નથી તેવું BCCIએ તારણ કાઢ્યું. રોગચાળાને કારણે સંજોગો વિપરીત છે. આખરે ભારતને બદલે આ વર્લ્ડ કપ યુનાઇટેડ આરબ એમિરેટ્સ – UAEમાં યોજાશે તેવો નિર્ણય લેવાઇ ચૂક્યો છે. આ નિર્ણય જાહેર થયો તે પહેલાં ઘણી ચર્ચાઓ થઇ, BCCIના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે પહેલાં તો એવાં જ વિધાન કર્યાં કે ભારત આ ટુર્નામેન્ટ UAEમાં હોસ્ટ કરશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેરાત કરી કે 17 ઑક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન ટુર્નામેન્ટ થશે તે સાથે ઓમાનની જાહેરાત થઇ કે ક્વૉલિફાયર્સ માટે ઓમાન કો-હોસ્ટ બનશે.

UAEમાં દુબઇ, અબુધાબી અને શારજાહના ત્રણેય મોટા ગ્રાઉન્ડ નજીક છે એટલે ટ્રાવેલિંગ ટાઇમ બચી જાય તે સ્વાભાવિક છે, વળી હોટેલમાં ખેલાડીઓ બાયો બબલમાં રહી શકે અને બીજી બધી સવલતો પણ સચવાય જાય. ભારતે આ વર્ષે શરૂઆતમાં ઇંગ્લેન્ડને હોસ્ટ કર્યો અને IPL પણ આ ઉનાળે શરૂ તો થઇ પણ વાઇરસના ફેલાવાને કારણે આખરે  IPL સસ્પેન્ડ કરવી પડી અને બાકી રહી ગયેલી મેચિઝ UAEમાં સપ્ટેમ્બરમાં યોજાશે તેવી જાહેરાત થઇ.

ભારતે એક વર્ષ માટે તો બધી જ ડોમેસ્ટિક ક્રિકેટ મેચ કે ટુર્નામેન્ટ સ્થગિત કરી દીધી. આંતરારાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે હોસ્ટ તરીકે ભારતનું જે સ્ટેટસ હતું તે જરા નબળું પડ્યું. જોવાનું એ છે કે UAE અચાનક જ એક તટસ્થ ડેસ્ટિનેશન તરીકે મોખરેની પસંદ બની ગયું. UAE અને ક્રિકેટના સંબંધની વાત કરીએ તો નેવુંના દાયકામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે તે મોકાનું સ્થાન ગણાતું. ક્રિકેટ સાથે UAEનો સંબંધ ઘણો જૂનો છે.

1892માં ત્યાં મિલીટરી બેઝ પર ક્રિકેટ રમાતી. 1969માં UAE બન્યું તેના બે વર્ષ પહેલાં ત્યાં જે વિદેશીઓ હતા તેમણે દાર્જીલિંગ સીસીની સ્થાપના કરી હતી અને દુબઇ એક્ઝાઇલ્સ રગ્બી ક્લબની બાજુમાં સિમેન્ટના વિકેટ સ્ટેન્ડવાળું ગ્રાઉન્ડ હતું.  જેની પર તેઓ ક્રિકેટ રમતા. મેડેન (Meydan) પ્રોજેક્ટ માટે 2008માં આ ગ્રાઉન્ડ પર બુલડોઝર ફેરવી દેવાયું પણ ક્લબ તો આજે પણ અસ્તિત્વમાં છે. 1974માં એમિરેતના કન્સ્ટ્રક્સન ટાયકૂન અબ્દુલ રહેમાન બખ્તિયારે શારજાહમાં સ્થાનિક ક્રિકેટ લીગ શરૂ કરી હતી અને બખ્તિયાર લીગને કારણે ઉપખંડના ક્રિકેટ પ્રેમીઓને સારી એવી સ્પર્ધા પુરી પાડી હતી.

1977માં શેખ સુલતાન બિન મોહમંદ અલ કસિમી સહીતના 3000 દર્શકોની હાજરીમાં સ્થાનિક ક્રિકેટર્સ અને પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇનની ટુરિંગ ટીમ વચ્ચે શારજાહમાં મેચ રમાડાઇ હતી. આ મેચ પછી જ શારજાહમાં સ્ટેડિયમ બનશે તેવી જાહેરાત બખ્તાયારે કરી હતી. 1891માં સુનીલ ગાવસ્કર ઇલેવને, જાવેદ મિયાંદાદ ઇલેવન સાથે 8000 ફેન્સની હાજરીમાં નવા નક્કોર શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ પર મેચ રમી હતી અને પછી તો સ્ટાર ક્રિકેટર્સનો ત્યાં ખેલ રમવાનો શિરસ્તો શરૂ થઇ ગયો. 1984માં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં સૌથી પહેલી આંતરરાષ્ટ્રિય ક્રિકેટ મેચ રમાઈ જે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી.

આજે 35 વર્ષે આ સ્ટેડિયમ પર સૌથી વધુ વન ડે ઇન્ટરનેશનલ મેચિઝ રમાઇ છે અને શારજાહ કપનું મહત્ત્વ અનેરું જ રહ્યું. એમિરેટ્સ ક્રિકેટ બોર્ડની રચના 1989માં થઇ અને તે ICCનો એફિલિયેટ મેમ્બર પણ બન્યું.  UAEની પહેલી નેશનલ ટીમ સુલતાન ઝરવાણીએ લીડ કરી હતી અને પહેલીવાર વર્લ્ડ કપમાં આ ટીમે 1994માં ભાગ લીધો હતો. 2005માં ICCએ લોર્ડ્ઝમાં ઑફિસ બંધ કરી અને દુબઇમાં ઑફિસ શરૂ કરી. અબુ ધાબીમાં જ્યારે ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થયું ત્યારે પાકિસ્તાની પ્રેસિડન્ટ પરવેઝ મુશર્રફ ત્યાં હાજર રહ્યાં હતા અને ત્યાં ODI સિરીઝની બે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. 2009માં શ્રીલંકાની ટીમની બસ પર હુમલો થયો જ્યારે તેઓ લાહોર જઇ રહ્યા હતા અને ત્યાર પછી UAE જાણે એક્સાઇલમાં જે પાકિસ્તાન હતું તેને માટે આગામી દાયકા સુધી ઘર બની રહ્યું. 

2013માં પહેલીવાર નેશનલ ટીમે 2020 વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું અને UAE માટે તે ઇન્ટરનેશનલ ક્રિકેટ માટેનું સૌથી વ્યસ્ત વર્ષ રહ્યું.  2014માં ટીમનું મહત્ત્વ વધ્યું અને ખુર્રમ ખાન જેવા કેપ્ટનને લીધે 50 ઓવરના વર્લ્ડ કપમાં પણ ટીમને સ્થાન મળ્યું. એ જ વર્ષે આપણે ત્યાં ચૂંટણી હતી અને આઇપીએલ UAEમાં યોજાઇ. 2015માં તેમણે બીજી વાર 50 ઓવરના વિશ્વકપમાં રમવાનો મોકો મેળવ્યો જો કે તેમને જીત ન મળી.  2016માં ફ્રેન્ચાઇઝી ક્રિકેટે UAEમાં તેજીનો ધડાકો કર્યો અને પોતાના વતન પાછા ફરતાં પહેલાં પાકિસ્તાન સુપર લીગે પણ અહીં સારી એવી જમાવટ કરી. માસ્ટર્સ ચેમ્પિયન લીગ લાંબુ ન ચાલી. 2017માં દેશને પોતાની ફ્રેન્ચાઇઝી લીગ મળી અને ટી10 લીગ શારજાહમાં લૉન્ચ થઇ.

2018માં ત્યાં એશિયા કપ રમાઈ, જેમાં ભારતે બાંગ્લાદેશને પછાડી જીત મેળવી. 2020માં રોગચાળાના પ્રશ્નને કારણે ક્રિકેટ માટે UAE પર ફરી પસંદગીનો કળશ ઢોળાયો.  આમ UAE સમયાંતરે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પસંદગીનું સ્થળ બન્યું. ક્રિકેટના રસિયાઓને ખબર હશે કે એક સમયે શારહજાહમાં સચિન તેંડૂલકર અને જાવેદ મિયાંદાદ જેવાઓનો દબદબો હતો. ભારત એ સમયે ઘણી બાબતોથી દૂર રહ્યું, કારણ કે બૂકીઓના કૌભાંડ અને ઑફ ફિલ્ડ ભ્રષ્ટાચારની વાતો બહાર આવી.  આ દરમિયાન પાકિસ્તાન માટે UAE જાણે પોતાની હોમ ફ્રંન્ટ બની ગઇ. કારણ કે બીજા સ્પર્ધકોને કરાચી કે લાહોરમાં નહોતું આવવું. હવે ભારતે જીતના ટાઇટલ પર નજર રાખવી રહી. કેમ કે 2007માં સાઉથ આફ્રિકામાં ICC વર્લ્ડ કપ ટી ટ્વેન્ટી જીત્યા પછી ભારત પાસે નવું કોઇ ટાઇટલ આવ્યું નથી. આઇપીએલ UAEમાં રમાય છે તેનાથી ભારતીય ક્રિકેટ ટીમને ફાયદો એ થશે કે ત્યાંના અને ભારતની મોસમમાં બહુ મોટો ફેર નથી.

Most Popular

To Top