India

યુસીસી લાગુ કરવા મુદ્દે ફરી રાજકીય વિવાદ છેડાયો

દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાના મુદ્દે સત્તાધારી એનડીએ (NDA)ના મહત્વના સહયોગી પક્ષ જનતા દળ (યુનાઇટેડ)ના નેતાઓના વિરોધાભાષી નિવેદનો સામે આવતા નવો રાજકીય વિવાદ છેડાયો છે.રવિવારે મુંબઈમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો કે 2029 પહેલાં તમામ 21 એનડીએ શાસિત રાજ્યોમાં યુસીસી લાગુ કરી દેવામાં આવશે. આ દાવાના બીજા જ દિવસે, સોમવારે જેડી(યુ)ના નેતાઓએ આ મુદ્દે અલગ-અલગ સૂર વ્યક્ત કર્યા હતા.

શાહના નિવેદન અંગે પૂછાતા જેડી(યુ)ના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાએ સોમવારે દિલ્હીમાં જણાવ્યું હતું કે, રાજ્યોમાં યુસીસી લાગુ કરવાના મુદ્દે ચર્ચા કરવા માટે તેમની પાર્ટીનું નેતૃત્વ ટૂંક સમયમાં જ ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરશે. બીજી તરફ, પટના ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા જેડી(યુ)ના વરિષ્ઠ નેતા શ્યામ રજાકે સ્પષ્ટ શબ્દોમાં દાવો કર્યો હતો કે, તેમની પાર્ટીએ સંસદમાં યુસીસી બિલનું સમર્થન કર્યું હોવા છતાં, બિહારમાં તેને લાગુ કરવાનો સખત વિરોધ છે. રજાકે ભારપૂર્વક કહ્યું હતું કે, પક્ષના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે આ અંગેનું વલણ અગાઉથી જ સ્પષ્ટ કરી દીધું હતું અને બિહારમાં યુસીસી લાગુ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં હાલ ભાજપના નેતા સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી તરીકે સરકાર ચલાવી રહ્યા છે, પરંતુ જેડી(યુ)ના ટેકા વગર ભાજપ માટે કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ સત્તા ટકાવી રાખવી શક્ય નથી. લોકસભામાં 12 સાંસદો સાથે જેડી(યુ) કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ (NDA) ગઠબંધનનો એક અત્યંત મહત્વપૂર્ણ સભ્ય પક્ષ છે.યુસીસીના કારણે લઘુમતી અને મુસ્લિમ મતબેંક નારાજ થવાની ભીતિ જેડી(યુ)ને સતાવી રહી છે. આ તરફ, વિરોધ પક્ષ આરજેડી (RJD)એ પણ આક્રમક વલણ અપનાવતા આક્ષેપ કર્યો છે કે ભાજપ નફરતની રાજનીતિ કરી રહ્યું છે અને બિહારની બિનસાંપ્રદાયિક ભૂમિ પર કોઈ પણ ભોગે યુસીસી લાગુ થવા દેવામાં આવશે નહીં.

Most Popular

To Top