World

અમેરિકામાં ચૂંટણી પહેલાં ટ્રમ્પનો મોટો દાવ, કોંગ્રેસમાં રિપબ્લિકન જીતશે તો $5,000નું ડિવિડન્ડ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી મિડટર્મ ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટું આર્થિક વચન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો નવેમ્બરની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી અમેરિકી કોંગ્રેસના બંને ગૃહો એટલે કે પ્રતિનિધિ સભા અને સેનેટ પર પોતાનો કબજો જાળવી રાખશે તો દરેક પુખ્ત અમેરિકનને $5,000નું ‘ટ્રમ્પ ડિવિડન્ડ’ આપવામાં આવશે. ટ્રમ્પે આ જાહેરાત 9 સપ્ટેમ્બરે ડલાસમાં યોજાયેલા રિપબ્લિકન મિડટર્મ સંમેલનમાં કરી હતી.

લગભગ 24 કરોડ પુખ્ત અમેરિકનોને ફાયદો?

રોઇટર્સના અહેવાલ મુજબ અમેરિકામાં આશરે 24 કરોડ પુખ્ત નાગરિકોને આ ચુકવણી મળી શકે છે. જો દરેકને $5,000 આપવામાં આવે તો કુલ ખર્ચ આશરે $1.2 ટ્રિલિયન થાય છે. અન્ય અંદાજોમાં આ રકમ $1.3 ટ્રિલિયન સુધી હોવાનું જણાવાયું છે. ટ્રમ્પે આ યોજનાને ‘ડિવિડન્ડ’ ગણાવી છે. તેમનો દાવો છે કે અમેરિકાની મજબૂત આર્થિક સ્થિતિ અને ટેરિફથી મળતી આવકના કારણે લોકોને આ રકમ પરત આપી શકાય છે. જોકે, આ પૈસા ક્યાંથી આવશે અને ચુકવણી કઈ રીતે કરવામાં આવશે તેની ચોક્કસ યોજના ટ્રમ્પે જાહેર કરી નથી.

ટેરિફની કમાણીમાંથી પૈસા આપવાની વાત

આ યોજનાના નાણાં માટે ટેરિફની આવકનો ઉપયોગ કરવાની વાત સામે આવી છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પણ ટેરિફથી મળતી આવકને સંભવિત સ્ત્રોત તરીકે રજૂ કરી છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે ટેરિફથી મળતી હાલની આવક $1.2 ટ્રિલિયન જેટલી મોટી ચુકવણી માટે પૂરતી નથી. રોઇટર્સ મુજબ અમેરિકાની વર્તમાન ટેરિફ વસૂલાત આશરે $167 બિલિયન છે. એટલે આખી યોજના માટે સરકારને વધુ ઉધાર લેવું પડી શકે છે અથવા આવકના બીજા રસ્તા શોધવા પડી શકે છે.

માત્ર વચનથી પૈસા નહીં મળે

ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોવા છતાં પોતાની રીતે દરેક અમેરિકનને $5,000નો ચેક આપી શકે નહીં. આવી મોટી સરકારી ચુકવણી માટે કોંગ્રેસની મંજૂરી જરૂરી રહેશે. રોઇટર્સે કાનૂની નિષ્ણાતોના હવાલાથી જણાવ્યું છે કે આવી રાજકીય જાહેરાત કરવી કાયદેસર હોઈ શકે છે, પરંતુ તેને અમલમાં મૂકવા માટે કાયદો પસાર કરવો પડશે. રિપબ્લિકન પાર્ટી પાસે બંને ગૃહોમાં જરૂરી સમર્થન હોય તો બજેટ સંબંધિત પ્રક્રિયા દ્વારા આ યોજના આગળ વધારવાનો પ્રયાસ થઈ શકે છે.

ટ્રમ્પના જૂના વચનો પણ ચર્ચામાં

આ પહેલી વખત નથી જ્યારે ટ્રમ્પે અમેરિકનોને સીધી નાણાકીય મદદ આપવાની વાત કરી હોય. અગાઉ તેમણે ટેરિફથી મળેલી આવકમાંથી $2,000નું ‘ટેરિફ ડિવિડન્ડ’ આપવાની વાત કરી હતી. ડોજ ડિવિડન્ડની પણ ચર્ચા થઈ હતી, પરંતુ આ પ્રકારની કેટલીક યોજનાઓ અમલમાં આવી નથી. આ કારણે નવી $5,000 યોજનાની જાહેરાત બાદ તેની વાસ્તવિક શક્યતા અંગે પણ સવાલો ઊભા થયા છે.

અર્થશાસ્ત્રીઓએ ફુગાવા અંગે ચિંતા વ્યક્ત કરી

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે જો સરકાર એકસાથે એક ટ્રિલિયન ડોલરથી વધુની રકમ લોકોના હાથમાં મૂકે તો તેનો મોટો હિસ્સો ખરીદી અને વપરાશમાં જઈ શકે છે. આવી સ્થિતિમાં પહેલેથી જ ઊંચા ફુગાવા પર વધુ દબાણ આવી શકે છે. એપીના અહેવાલ મુજબ અમેરિકાનું રાષ્ટ્રીય દેવું પહેલેથી જ $40 ટ્રિલિયનથી વધુ છે અને વાર્ષિક ખાધ પણ ખૂબ મોટી છે. તેથી આટલી મોટી રકમનું સીધું વિતરણ સરકારની નાણાકીય સ્થિતિ પર વધુ ભાર મૂકી શકે છે.

ચૂંટણી પહેલાં મોટી જાહેરાત

અમેરિકાની મિડટર્મ ચૂંટણી 3 નવેમ્બર 2026ના રોજ યોજાવાની છે. આ ચૂંટણીમાં પ્રતિનિધિ સભાની તમામ 435 બેઠકો અને સેનેટની 35 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ટ્રમ્પનું $5,000નું વચન આ ચૂંટણી પહેલાં રિપબ્લિકન મતદારોને આકર્ષવાનો મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. જોકે, ચુકવણીની ચોક્કસ પદ્ધતિ, આવકનો સ્ત્રોત, પાત્રતા અને કોંગ્રેસની મંજૂરી જેવા મહત્વના સવાલોના જવાબ હજુ બાકી છે.

અત્યારે એટલું ચોક્કસ છે કે અમેરિકાના દરેક પુખ્ત નાગરિકના હાથમાં $5,000 પહોંચાડવાની વાત થઈ છે, પરંતુ આ રકમ ખરેખર મળશે કે નહીં તે ચૂંટણી પરિણામ ઉપરાંત કોંગ્રેસની મંજૂરી અને યોજનાના નાણાકીય માળખા પર નિર્ભર રહેશે.

Most Popular

To Top