વર્ષ ૨૦૨૦થી જર્જરિત રસ્તા અંગે પાલિકા તંત્ર અને નિષ્ક્રિય કોર્પોરેટરો સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો


વડોદરા:
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી અને રોડ-રસ્તાના વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ દાવાઓની પોલ વોર્ડ નંબર ૪ માં ખુલ્લી પડી ગઈ છે. વોર્ડ નંબર ૪ માં આવેલ સિદ્ધેશ્વર હિલ સ્ક્વેર સોસાયટી બહારનો રસ્તો અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ જતાં સ્થાનિક રહિશોમાં તંત્ર અને સ્થાનિક પ્રતિનિધિઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સોસાયટીના બહારના મુખ્ય રસ્તા પર પડેલા મોટા મોટા ખાડા અને સતત ઉડતી ધૂળને કારણે સ્થાનિકો માટે પગપાળા ચાલવું પણ અત્યંત જોખમી બની ગયું છે. સ્થાનિક નાગરિકો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે તંત્રને વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હોવા છતાં, પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. ચૂંટણી સમયે મોટા વાયદા કરીને મત મેળવી ગયેલા લોકપ્રતિનિધિઓ જીત્યા બાદ ગાયબ થઈ ગયા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે.
વડોદરા શહેર વિપક્ષના પ્રવક્તા વિશાલ પટેલે આ અંગે તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરોની નિષ્ક્રિયતા પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦થી આ રોડની સ્થિતિ અત્યંત ગંભીર છે. ચૂંટણી સમયે નેતાઓ પ્રજાને મોટા સપના બતાવે છે, પરંતુ લોકોને મંગળ ગ્રહ પર નથી પહોંચવું, માત્ર શહેરના મંગળ બજાર સુધી સુરક્ષિત પહોંચી શકાય તેવો ૨૦૦ મીટરનો રસ્તો બનાવી આપવાની જરૂર છે.
આ સાથે જ પાલિકાતંત્રને કડક અલ્ટીમેટમ આપતાં જણાવવામાં આવ્યું છે કે જો આગામી બે દિવસમાં આ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે, તો આગામી ૮મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસ અને રેલી દરમિયાન સ્થાનિક રહિશો સાથે મળીને પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરોની નિષ્ક્રિયતા સામે રૂબરૂ જઈને વિરોધ નોંધાવવામાં આવશે અને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.
હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર સમયસર જાગીને પ્રજાની આ પ્રાથમિક સુવિધા પૂરી કરશે કે પછી દેશના વડાપ્રધાનના પ્રવાસ પહેલાં જ સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડશે.