એરપોર્ટ અને અમિતનગર સર્કલ પાસે ભારે ટ્રાફિકજામ
લાંબા રૂટની બસોના ચાલકોને જાહેરનામાની જાણ જ નહીં, મુસાફરો પરેશાન
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
શ્રાવણ માસના અંતિમ શનિવારે હરણી સ્થિત શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દર વર્ષે મોટો મેળો ભરાય છે. આજુબાજુના ગામડા અને શહેરમાંથી હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોવાથી ટ્રાફિકજામની સ્થિતિ ન સર્જાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા દર વર્ષે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ વર્ષે સવારે 7 વાગ્યાથી મેળો પૂર્ણ થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ તેનો અમલ યોગ્ય રીતે ન થતા એરપોર્ટ સર્કલ અને અમિતનગર સર્કલ ખાતે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
જાહેરનામા મુજબ તમામ પ્રકારના વાહનો માટે મોતીબાગ પટેલ સર્કલથી ભીડભંજન મંદિર તરફ, ઉર્મિ બ્રિજથી મોતીબાગ પટેલ સર્કલ થઈ મંદિર તરફ, હરણી મુક્તિધામ ત્રણ રસ્તાથી ગદા સર્કલ થઈ મંદિર તરફ અને ડમરું સર્કલથી ગદા સર્કલ થઈ મંદિર તરફનો રસ્તો પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. આ વાહનોને મેટ્રો હોસ્પિટલ રોડ, ઉર્મિ બ્રિજ ત્રણ રસ્તા, એબીસી સર્કલ, મોટનાથ મહાદેવ ચાર રસ્તા અને સમા વીડ રોડ તરફ ડાયવર્ટ કરવાના હતા. જ્યારે ભારદારી વાહનો અને જીએસઆરટીસી બસો માટે એરપોર્ટ સર્કલથી હરણી રોડ થઈ મોતીબાગ પટેલ સર્કલ તરફ અને ગોલ્ડન બ્રિજ નીચેથી હરણી રોડ થઈ ગદા સર્કલ તરફનો રસ્તો બંધ કરી ખોડીયારનગર, સરદાર એસ્ટેટ, L&T સર્કલ, ફતેગંજ સર્કલ અને દિશા બ્રિજ થઈ દુમાડ બ્રિજ તરફ વાળવાના હતા. પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ જોવા મળી હતી. શહેર બહારથી અને લાંબા અંતરના રૂટ પરથી આવતી જીએસઆરટીસી સહિતની ખાનગી બસોના ચાલકોને આ જાહેરનામા અંગે કોઈ માહિતી ન હોવાથી તેઓ સીધા પ્રતિબંધિત રસ્તા પર અંદર આવી ગયા હતા. એરપોર્ટ સર્કલ અને અમિતનગર બ્રિજ પાસે મોટી બસો અટવાઈ જતા ટ્રાફિકજામ થયો હતો. હાઈવે તરફથી પ્રવેશી અન્ય રસ્તાનો ઉપયોગ કરવા જતા અનેક બસો ફસાઈ હતી, જેના કારણે માત્ર બસના મુસાફરો જ નહીં પરંતુ અન્ય નાના વાહનચાલકો પણ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા અને ભારે પરેશાની વેઠવી પડી હતી. ભીડને કાબૂમાં લેવા પોલીસની વ્યવસ્થા પણ ઓછી પડી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.