તમિલનાડુના કોઈમ્બતુરમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અહીં રખડતા કૂતરાઓએ એક મહિલાને પરેશાન કરી રહેલા યુવકને અટકાવીને તેને ત્યાંથી ભગાડી દીધો હતો. સમગ્ર ઘટના નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો સામે આવ્યા બાદ લોકો રખડતા કૂતરાઓની સતર્કતા અને વફાદારીની પ્રશંસા કરી રહ્યા છે.મળતી માહિતી મુજબ, આ ઘટના થુડિયાલુર વિસ્તારમાં NGGO કોલોની નજીક રેલવે ઓવરબ્રિજ પાસે બની હતી.રાત્રે આશરે 2 વાગ્યે એક મહિલા પોતાના સંબંધીના ઘરની બહાર બેઠી હતી.તે સમયે એક 17 વર્ષનો યુવક ત્યાં આવ્યો હતો. અહેવાલ મુજબ યુવક નશાની હાલતમાં હતો અને તેણે મહિલાને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલાએ મદદ માટે બૂમાબૂમ કરતાં આસપાસ હાજર રહેલા રખડતા કૂતરાઓ સતર્ક થઈ ગયા હતા. કૂતરાઓ જોરથી ભસવા લાગ્યા અને યુવક તરફ દોડ્યા. આ દરમિયાન એક કૂતરો યુવકને રોકવા માટે આગળ આવ્યો, જેના કારણે યુવક ગભરાઈ ગયો અને ત્યાંથી ભાગવા લાગ્યો.CCTV વીડિયોમાં કૂતરો યુવકનો રસ્તા પર પીછો કરતો જોવા મળે છે. યુવક ત્યાંથી દૂર ભાગી જતાં કૂતરાઓએ મહિલાને વધુ પરેશાન થવાથી બચાવી હતી. આ સમગ્ર ઘટના આશરે 2 મિનિટથી વધુના CCTV ફૂટેજમાં કેદ થઈ હોવાનું મીડિયા નાં અહેવાલમાં જણાવાયું છે.
CCTV તપાસ દરમિયાન સામે આવી ઘટના
રસપ્રદ વાત એ છે કે પોલીસ અન્ય એક ઘટનાની તપાસ માટે વિસ્તારના CCTV ફૂટેજ ચકાસી રહી હતી. આ દરમિયાન તેમની નજર મહિલાને પરેશાન કરવાના પ્રયાસની ઘટના પર પડી હતી. ફૂટેજના આધારે પોલીસે મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી.થુડિયાલુર પોલીસે કાર્યવાહી કરતાં યુવકને પકડી લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ગણેશ નગર વિસ્તારમાં રહે છે. તેને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને સુધારગૃહમાં મોકલવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર કૂતરાઓની ચર્ચા
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા યુઝર્સે રખડતા કૂતરાઓની સતર્કતાની પ્રશંસા કરી છે. કેટલાક લોકોએ કહ્યું કે આ ઘટના બતાવે છે કે પ્રાણીઓ પણ પોતાના આસપાસના લોકો અને વિસ્તારમાં થતી અસામાન્ય હિલચાલ પ્રત્યે સતર્ક રહી શકે છે.કેટલાક યુઝર્સે એવી પણ ટિપ્પણી કરી કે રખડતા કૂતરાઓ પ્રત્યે માનવતાપૂર્વકનું વર્તન અને યોગ્ય પ્રાણી સંભાળની વ્યવસ્થા જરૂરી છે. તેમના મતે, પ્રાણીઓ સાથે જવાબદારીપૂર્વકનું વર્તન કરવામાં આવે તો તેઓ માનવ વસાહતોમાં વધુ સુરક્ષિત રીતે રહી શકે છે.
આ ઘટના એક તરફ મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા કરે છે, તો બીજી તરફ એક અનોખો પાસો પણ સામે લાવે છે,જ્યારે એક મહિલા મુશ્કેલીમાં હતી ત્યારે નજીકના કૂતરાઓએ પરિસ્થિતિને ઓળખીને યુવકને દૂર ભગાડ્યો.CCTVમાં કેદ થયેલી આ ઘટના હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે અને લોકો રખડતા કૂતરાઓની આ સતર્કતાને સલામ કરી રહ્યા છે.