India

સહારનપુર કેક્ટરેટની મસ્જિદ પર બુલડોઝર કાર્યવાહીઃ શું છે 115 વર્ષ જૂનો વિવાદ?

ઉત્તર પ્રદેશના સહારનપુર કેક્ટરેટ પરિસરમાં આવેલી મસ્જિદને લઈને મોટો વિવાદ સર્જાયો છે. પ્રશાસને કોર્ટના આદેશ બાદ મસ્જિદને ગેરકાયદેસર ગણાવીને તેના ધ્વંસની કાર્યવાહી શરૂ કરી છે. શનિવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યાથી બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને રાજકીય વિરોધ પણ તેજ બન્યો છે.

મસ્જિદ કેટલી જૂની છે?
મસ્જિદની ઉંમરને લઈને અલગ-અલગ દાવા સામે આવ્યા છે. મીડિયા ના અહેવાલમાં મસ્જિદને આશરે 115 વર્ષ જૂની હોવાનું જણાવાયું છે, જ્યારે અન્ય અહેવાલોમાં તેને લગભગ 70 વર્ષ જૂની ગણાવવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદનો દાવો છે કે આ મસ્જિદ 1911 પહેલાંથી અસ્તિત્વમાં છે. તેમના જણાવ્યા પ્રમાણે મસ્જિદની માલિકી અંગેના દસ્તાવેજોમાં વહીદ ખાન યાકૂબ ખાનનું નામ હોવાનું કહેવાય છે.

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
આ સમગ્ર મામલો વર્ષ 2025માં શરૂ થયો હતો. 10 ફેબ્રુઆરી 2025ના રોજ બજરંગ દળના પૂર્વ પ્રાંત સંયોજક વિકાસ ત્યાગીએ જિલ્લા મેજિસ્ટ્રેટને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં મસ્જિદને ગેરકાયદેસર ગણાવીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ મસ્જિદ પરિસરના રૂમો અને પોસ્ટ ઓફિસમાંથી ભાડું વસૂલવામાં આવતું હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.ફરિયાદ બાદ જિલ્લા પ્રશાસને મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા. તપાસમાં મસ્જિદનું બાંધકામ સરકારી જમીન પર ગેરકાયદેસર હોવાનું તારણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશાસને કોર્ટમાં કાર્યવાહી શરૂ કરી.

6.41 કરોડ રૂપિયાનો વળતર આદેશ
24 માર્ચ 2025ના રોજ પ્રશાસને આ મામલે નગર મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી. 16 જુલાઈ 2026ના રોજ કોર્ટ દ્વારા મસ્જિદને ગેરકાયદેસર ગણાવી તેને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ કથિત ગેરકાયદેસર કબજાના વળતર તરીકે આશરે ₹6.41 કરોડ ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.કોર્ટના આદેશમાં સંબંધિત કબજેદારોને જગ્યા ખાલી કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને મસ્જિદ પક્ષે જિલ્લા કોર્ટમાં પડકાર્યો હતો.

જિલ્લા કોર્ટમાં પણ રાહત નહીં
20 જુલાઈએ મસ્જિદ પક્ષે સિટી મેજિસ્ટ્રેટના નિર્ણય સામે જિલ્લા કોર્ટમાં અરજી કરી હતી. દરમિયાન જિલ્લા કોર્ટ તરફથી અગાઉ સિટી મેજિસ્ટ્રેટના આદેશ પર સ્ટે આપવામાં આવ્યો હતો. જોકે, 2 સપ્ટેમ્બર 2026ના રોજ જિલ્લા જજ સતેન્દ્ર કુમારની કોર્ટએ મસ્જિદ પક્ષની અરજી ફગાવીને સિટી મેજિસ્ટ્રેટના આદેશને યથાવત રાખ્યો હતો. અને કોર્ટના આ નિર્ણય બાદ પ્રશાસન દ્વારા મસ્જિદ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

6 બુલડોઝર અને 200 પોલીસ જવાનો તૈનાત
શનિવારે વહેલી સવારે કેક્ટરેટ પરિસરમાં લગભગ છ બુલડોઝર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી. મસ્જિદનો એક ભાગ તોડી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આશરે 200 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા લોકોને કાર્યવાહી સ્થળની નજીક જવા દેવામાં આવ્યા નહોતા.

રાજકીય વિરોધથી ગરમાયું વાતાવરણ
મસ્જિદ તોડવાની કાર્યવાહી બાદ રાજકીય વિવાદ પણ વકર્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ ઇકરા હસન સહારનપુર જવા નીકળ્યા હતા, પરંતુ તેમને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે કાર્યવાહીની આકરી ટીકા કરી અને તેને સહારનપુર માટે “કાળો દિવસ” ગણાવ્યો.બીજી તરફ, સરકાર તરફથી એવો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે કે કાર્યવાહી કોર્ટના આદેશના પાલનમાં કરવામાં આવી રહી છે. પ્રશાસનનું કહેવું છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ સામે કાયદાકીય પ્રક્રિયા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

આખો વિવાદ શું છે?
આ મામલાનો મુખ્ય મુદ્દો મસ્જિદના ધાર્મિક અસ્તિત્વ કરતાં તેની જમીન અને બાંધકામની કાયદેસરતા સાથે જોડાયેલો છે. પ્રશાસન અને કોર્ટના આદેશ મુજબ મસ્જિદ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી, જ્યારે મસ્જિદ પક્ષ અને તેના સમર્થકો તેની જૂની સ્થિતિ તથા માલિકીના દાવાઓ રજૂ કરી રહ્યા છે.હાલ કોર્ટના આદેશ બાદ થયેલી બુલડોઝર કાર્યવાહીથી સહારનપુરમાં રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની છે. પ્રશાસન તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે.

Most Popular

To Top