World

નેપાળમાં ભોટેકોશી નદીમાં અચાનક જળપ્રલય, પોલીસ-સુરક્ષા જવાનો સહિત અનેક લોકો લાપતા

નેપાળના રસુવા જિલ્લામાં બુધવારે, 26 ઓગસ્ટ 2026ની સવારે અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. ચીનની તિબેટ સરહદ તરફથી આવેલા અચાનક પાણીના પ્રવાહને કારણે ભોટેકોશી નદીમાં જળસ્તર ઝડપથી વધી ગયું હતું. તિમુરે અને સ્યાફ્રુબેસી સહિતના વિસ્તારોમાં મકાનો, બજારો, રસ્તા અને પુલ પાણીના પ્રવાહમાં વહી ગયા છે. અત્યાર સુધી ઓછામાં ઓછા 8 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો લાપતા છે. સુરક્ષા દળો અને બચાવ ટીમો શોધખોળમાં લાગી છે.

સવારના 9 વાગ્યે અચાનક વધ્યું પાણી

સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 9 વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક પૂર આવ્યું હતું. ખાસ વાત એ છે કે રસુવામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો નહોતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્યાં માત્ર આશરે 7 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તેથી પાણીનો આટલો મોટો પ્રવાહ સ્થાનિક વરસાદને કારણે આવ્યો હોવાની શક્યતા ઓછી છે. ભોટેકોશી નદીનો ઉપરનો વિસ્તાર તિબેટમાં આવેલો છે. અધિકારીઓ હાલ તપાસ કરી રહ્યા છે કે આ પૂરનું કારણ તિબેટ વિસ્તારમાં કોઈ હિમનદી સરોવર તૂટવું હતું કે બીજી કોઈ ઘટના. ગયા વર્ષે પણ આ વિસ્તારમાં આવી જ ઘટનામાં હિમનદી સરોવર સાથે જોડાયેલું કારણ સામે આવ્યું હતું. જોકે આ વખતનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે નક્કી થયું નથી.

ચીન સરહદનું તિમુરે બજાર પાણીમાં વહી ગયું

પૂરની સૌથી વધુ અસર ચીન-નેપાળ સરહદ નજીક આવેલા તિમુરે વિસ્તારમાં થઈ છે. આ વિસ્તાર સરહદ વેપાર અને કસ્ટમ માટે મહત્વનો છે. પૂરનાં પાણીમાં દુકાનો, વાહનો, માલસામાન અને કેટલીક સરહદી સુવિધાઓ વહી ગઈ હોવાના અહેવાલ છે. સ્યાફ્રુબેસી વિસ્તારમાં પણ અનેક બસ્તીઓ અને બજારોને નુકસાન થયું છે. રસ્તાઓ તૂટી ગયા છે અને પુલો પાણીમાં વહી જતાં ઘણા વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે. કેટલાક હાઈડ્રોપાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે. રોઇટર્સના અહેવાલ પ્રમાણે આ પૂરથી નેપાળની આશરે 430 મેગાવોટ હાઈડ્રોપાવર ક્ષમતાને અસર થઈ છે, જે દેશની કુલ ક્ષમતાના 12%થી વધુ છે.

પોલીસ અને સુરક્ષા જવાનો પણ લાપતા

પૂરના પાણીમાં સરહદી સુરક્ષા ચોકીઓ પણ પ્રભાવિત થઈ છે. વિવિધ અહેવાલોમાં પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના અનેક જવાનોનો સંપર્ક તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ લાપતા લોકોની ચોક્કસ સંખ્યા અંગે અલગ-અલગ આંકડા સામે આવી રહ્યા છે અને બચાવ કામગીરી આગળ વધતાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. નેપાળના સુરક્ષા દળો શોધ અને બચાવ કામગીરીમાં જોડાયા છે.

ત્રિશૂલી નદી પાસે પણ એલર્ટ

ભોટેકોશી નદી આગળ જઈને ત્રિશૂલી નદી સાથે જોડાય છે. તેથી નદીના નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ લોકોને નદીના કિનારાથી દૂર રહેવા અને જરૂર પડે તો ઊંચા સ્થળે જવા અપીલ કરી છે. બચાવ માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવાની તૈયારી પણ કરવામાં આવી છે, જોકે કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર અને સ્થિતિને કારણે હેલિકોપ્ટર ઉતારવામાં મુશ્કેલી પડી રહી છે.

ભારત સુધી વધી શકે છે પૂરની અસર

ભોટેકોશી નદી આગળ ભારત તરફ વહેતી ગંડક નદી પ્રણાલી સાથે જોડાય છે. તેથી નેપાળમાં પાણીના વધતા પ્રવાહને ધ્યાનમાં રાખીને નીચેના વિસ્તારોમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. હાલ સૌથી મોટો પડકાર લાપતા લોકોને શોધવાનો અને અસરગ્રસ્ત વિસ્તારો સુધી રાહત પહોંચાડવાનો છે. નેપાળમાં એક તરફ બચાવ કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ તિબેટ તરફ પણ પૂર અને ભૂસ્ખલનથી નુકસાનના અહેવાલ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ લાપતા લોકોની શોધ અને બચાવ માટે તમામ પ્રયાસો કરવાનો આદેશ આપ્યો છે.

Most Popular

To Top