Vadodara

નંદેસરીમાં બ્રિજ બનતા પહેલાં જ RCC વોલ ધડામ! કામગીરીની ગુણવત્તા સામે સવાલ

મીની નદીના પાણીના વહેણમાં એક તરફની વોલ તૂટી, બીજી તરફ મોટી તિરાડ

(પ્રતિનિધિ) વડોદરા, તા. 12

નંદેસરી વિસ્તારમાં મીની નદી પર બની રહેલા નવા બ્રિજની કામગીરીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. થોડા દિવસ અગાઉ બ્રિજની બંને બાજુ માટીનું ધોવાણ થયું હતું. હવે પાણીના વહેણમાં બ્રિજની બંને બાજુ સુરક્ષા માટે બનાવવામાં આવેલી પોર્ટિકોન આરસીસી વોલ પૈકી એક તરફની વોલ તૂટી પડતાં ચકચાર મચી છે. જ્યારે બીજી તરફની વોલમાં પણ મોટી તિરાડ પડી હોવાનું સામે આવ્યું છે.

બ્રિજનું બાંધકામ હજુ પૂર્ણ થયું નથી ત્યારે જ આરસીસી વોલને નુકસાન થતાં સ્થાનિકોમાં બાંધકામની ગુણવત્તા અંગે ચિંતા ફેલાઈ છે. પાણીના પ્રવાહ વચ્ચે બીજી તરફની વોલમાં પડેલી મોટી તિરાડને કારણે તે પણ તૂટી પડવાની શક્યતા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

બાંધકામ પૂર્ણ થાય તે પહેલાં જ નુકસાન, કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ

સ્થાનિકોના જણાવ્યા મુજબ, બ્રિજની સુરક્ષા માટે બનાવવામાં આવેલી વોલને મીની નદીના પાણીના વહેણથી નુકસાન થયું છે. બાંધકામ દરમિયાન જ આવી સ્થિતિ સર્જાતા કોન્ટ્રાક્ટરની કામગીરીની ગુણવત્તા અને અનુભવ અંગે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં એવી પણ ચિંતા છે કે જો બાંધકામ પૂર્ણ થતાં પહેલાં જ બ્રિજની સુરક્ષા વ્યવસ્થામાં ખામી સર્જાઈ રહી હોય તો ભવિષ્યમાં બ્રિજની મજબૂતી અને સલામતી કેટલી વિશ્વસનીય રહેશે?

સ્થાનિકોએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, આરસીસી વોલ અને સમગ્ર બ્રિજના બાંધકામની ગુણવત્તાની નિષ્ણાતો મારફતે ચકાસણી કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ નુકસાનનું ચોક્કસ કારણ શોધી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. જાહેર બાંધકામમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય અને બ્રિજની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

Most Popular

To Top