Vadodara

હાઈટેન્શન રોડ પર કારનો ‘ધડાકો’! લાઇટના થાંભલા સાથે અથડાતા એરબેગ ખુલી

અમીન પાર્ટી પ્લોટ પાસે મોડી રાત્રે અકસ્માત, કારચાલકને ઈજા
(પ્રતિનિધિ) વડોદરા, તા. 12
વડોદરા શહેરના હાઈટેન્શન રોડ પર અમીન પાર્ટી પ્લોટ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ધડાકાભેર લાઇટના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે કારની એરબેગ ખુલી ગઈ હતી.
અકસ્મતાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારચાલકને ઈજાઓ થતાં ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની મદદથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની હાલત અંગે તાત્કાલિક વધુ વિગતો સામે આવી નથી.


કારચાલક ફૂલ સ્પીડમાં અને નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
સ્થાનિક રહીશ કિશોર ઠક્કરના જણાવ્યા મુજબ, કારચાલક પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો અને નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, નશાની હાલતમાં ડ્રાઇવિંગ અંગેની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે.
અકસ્મતાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે કાર કબજે લઈ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. હાઈટેન્શન રોડ પર રાત્રિના સમયે ઓવરસ્પીડ અને કથિત નશામાં વાહન ચલાવવાની ઘટનાઓ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આવા બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Most Popular

To Top